ધર્મનો પ્રચાર અને લોકકલ્યાણ કરતા નારદજી

16:02 Posted by Chandsar

ભગવાન વિષ્ણુના અનેક ભક્તોમાં નારદજીનું નામ સૌથી પહેલા લેવાય છે. એટલે સુધી કે શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભાગવતગીતાના દશમા અધ્યાયમાં કહ્યું છે કે, 'અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ ।' અર્થાત્ દેર્વિષઓમાં હું નારદ છું. નારદજી સમસ્ત લોકોમાં વંદનીય અને પૂજનીય છે
સ્ત્રો અનુસાર નારદમુનિ બ્રહ્માજીના સાત માનસ પુત્રોમાંથી એક છે. તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંથી પણ એક છે. તેઓ સ્વયં વૈષ્ણવ છે અને વૈષ્ણવોના પરમાચાર્ય તથા માર્ગદર્શક છે. દરેક યુગમાં ભગવાનની ભક્તિ અને તેમના મહિમાનો વિસ્તાર કરતાં તેમણે લોકકલ્યાણ માટે હંમેશાં વિચરણ કર્યું છે. ભક્તિ તથા સંકીર્તનના તેઓ આદ્ય-આચાર્ય છે. તેમની વીણા મહતીના નામથી વિખ્યાત છે. તેમાંથી સતત નારાયણ-નારાયણની ધ્વનિ નીકળતી રહે છે. તેઓ અજરઅમર છે. ભગવદ ભક્તિની સ્થાપના તથા પ્રચાર માટે જ તેમનો આવિર્ભાવ થયો હતો. તેમણે કઠોર તપસ્યા કરીને બ્રર્હ્મિષનું પદ મેળવ્યું છે. દેર્વિષ નારદ ધર્મના પ્રચાર અને લોકકલ્યાણ માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેથી જ બધા યુગોમાં, સમસ્ત લોકોમાં, સમસ્ત વિદ્યાઓમાં, સમાજના દરેક વર્ગમાં નારદજીને હંમેશાં માન મળ્યું છે. માત્ર દેવતાઓ જ નહીં, પરંતુ રાક્ષસ, મનુષ્ય અને ઋષિ-મુનિઓ પણ હંમેશાં તેમને આદર આપતા હતા. જરૃર પડે આ બધાએ તેમનો પરામર્શ લીધો છે. દેવતા હોય કે રાક્ષસ કોઈ પણ તેમને પોતાના શત્રુ નહોતા માનતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ વાતનું વહન કરતા હતા. તેઓ ફરી ફરીને સાર્થક સંવાદદાતાની ભૂમિકા અદા કરતા હતા, તેથી એમ કહી શકાય કે તેઓ માત્ર દેર્વિષ જ નહીં, પરંતુ દિવ્ય પત્રકાર પણ હતા. દેર્વિષ નારદ સમગ્ર સંસારને જ્ઞાન આપનારા વ્યાસજી, વાલ્મીકિ તથા મહાજ્ઞાની શુકદેવ વગેરેના ગુરુ પણ છે.
જન્મકથા
પૂર્વ કલ્પમાં નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા. તેમને પોતાના રૃપ પર ઘણું અભિમાન હતું. એક વાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ તથા ગંધર્વ ગીત અને નૃત્ય દ્વારા જગત્સૃષ્ટાની આરાધના કરી રહ્યાં હતાં, ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓ સાથે શૃંગારભાવથી ત્યાં આવ્યો. ઉપબર્હણનું આ અશિષ્ટ આચરણ જોઈને બ્રહ્માજી કોપાયમાન થયા અને તેમણે તરત જ તેને શુદ્ર યોનિમાં જન્મ લેવાનો શાપ આપ્યો. તેના ફળસ્વરૃપ તે શુદ્ર દાસીનો પુત્ર થયો. માતા-પુત્ર સાધુ-સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતાં હતાં. પાંચ વર્ષનું બાળક સંતોના પાત્રમાં બચેલું એંઠું ભોજન ખાતો હતો. તેનાથી તેનાં બધાં જ પાપ ધોવાઈ ગયાં. બાળકની સેવાથી પ્રસન્ન થઈને સાધુઓએ તેને નામજાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો. બાળકની માતા (દાસી)નું સર્પદંશથી મૃત્યુ થયું. હવે બાળક સંસારમાં એકલો રહી ગયો. માતાના વિયોગને પણ ભગવાનનો અનુગ્રહ માનીને તે અનાથોના દીનાનાથનાં ભજન કરવા લાગ્યો. એક દિવસ આ બાળક પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠો હતો. આ દરમિયાન વીજળીના ચમકારાની જેમ તેને ભગવાનની એક ઝલક જોવા મળી, પરંતુ તે પળવારમાં જ અદૃશ્ય થઈ ગઈ, તેથી તેના મનમાં ભગવાનનાં દર્શનની વ્યાકુળતા વધી ગઈ. જેને જોતાં આકાશવાણી થઈ, "હે દાસીપુત્ર, હવે આ જન્મમાં ફરી તને મારાં દર્શન નહીં થાય. આગળના જન્મમાં તું મારા પાર્ષદ રૃપે ફરીથી મને પ્રાપ્ત કરીશ." સમય જતાં બાળકનું શરીર છૂટી ગયું અને કલ્પના અંત સુધીમાં તે બ્રહ્મમાં લીન થઈ ગયો. સમય આવે નારદજીનું પંચભૌતિક શરીર છૂટી ગયું અને કલ્પના અંતમાં જ વૈશાખ વદ એકમના દિવસે તેઓ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે અવતર્યા.
નારદજીનું વ્યક્તિત્વ
શાસ્ત્રોમાં પારંગત, આત્મજ્ઞાની, બ્રહ્મચારી, દક્ષ, મેધાવી, નિર્ભય, પ્રભુભક્તિના પ્રચારક, વિનયશીલ, સ્થિતપ્રજ્ઞા, તપસ્વી બધા જ યુગો તથા લોકોમાં વિચરણ કરનાર, નિઃસ્વાર્થ પ્રીતિ રાખનારા, બધા જ લોકોમાં સન્માન મેળવનાર ઋષિત્વ પ્રાપ્ત એકમાત્ર નારદજી જ હતા. નારદમુનિને વૃત્તાંતોનું વહન કરનારા વિચારક માનવામાં આવે છે. નારદજીના હાથમાં વીણા છે. ઊભી શિખા, મુખ દ્વારા નિરંતર 'નારાયણ નારાયણ'નો જાપ કરનારા દેર્વિષ નારદ દેવતાઓમાં પૂજ્ય છે. તેઓ ઇતિહાસ તથા પુરાણોના વિશેષજ્ઞા, ત્રિકાળજ્ઞાની, વેદ-ઉપનિષદોના મર્મજ્ઞા, ન્યાય તથા ધર્મના તત્ત્વજ્ઞા, સંગીત વિશારદ, નીતિજ્ઞા, કવિ, પ્રભાવશાળી પંડિત, વિદ્વાનોની શંકાઓનું સમાધાન કરનારા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના જ્ઞાતા છે.
સાંખ્ય તથા યોગને જાણનારા, સમસ્ત લોકોના સમાચાર જાણી લેવામાં સમર્થ, દેવો-દૈત્યોને વૈરાગ્યના ઉપદેશક, પરમ તેજસ્વી, બધાના હિતકારી, સદાચારના આધાર તથા આનંદના સાગર માનવામાં આવે છે.
નારદ ગ્રંથ
નારદજીનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. નારદજીના જ્ઞાનસંબંધી અનેક ધર્મગ્રંથ જોવા મળે છે. જેમ કે નારદ પાંચરાત્ર, નારદ મહાપુરાણ, નારદના ભક્તિસૂત્ર, નારદ પરિવ્રાજકોપનિષદ, બૃહન્નારદીય ઉપપુરાણ સંહિતા અઢાર મહાપુરાણોમાં એક નારદોક્ત પુરાણ બૃહન્નારદીય પુરાણના નામથી વિખ્યાત છે. નારદ સંહિતા નામના ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના બધા જ વિષયોનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. જેનાથી એક વાત સાબિત થાય છે કે દેર્વિષ નારદ ભક્તિની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્રના પણ પ્રધાન આચાર્ય રહ્યા છે.
નારદજીનાં કાર્ય
નારદજી મહાન સંદેશાવાહક હતા, સાથે-સાથે અગણિત મહાન કાર્યોનાં કારણ પણ તેઓ જ હતા જેમ કે -
  •   ભૃગુ ઋષિની કન્યા લક્ષ્મીજીના વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરાવ્યા.
  •    ઇન્દ્રને સમજાવીને ઉર્વશીનો પુરુરવા સાથે પરિણય સૂત્ર કરાવ્યું.
  •   મહાદેવ દ્વારા જલંધરનો વિનાશ કરાવ્યો.
  •   કંસને આકાશવાણીનો અર્થ સમજાવ્યો.
  •   વાલ્મીકિને રામાયણ રચવાની પ્રેરણા આપી.
  •   વ્યાસજી પાસે ભાગવતની રચના કરાવી.
  •   પ્રહ્લાદ અને ધ્રુવને ઉપદેશ આપીને મહાન વિષ્ણુભક્ત બનાવ્યા.
  •  બૃહસ્પતિ અને શુકદેવ જેવા મહાન ગુરુઓને ઉપદેશ આપ્યો અને તેમની શંકાઓનું સમાધાન પણ કર્યું.
  •  ઇન્દ્ર, ચંદ્ર, વિષ્ણુ, શંકર, યુધિષ્ઠિર, શ્રીરામ અને કૃષ્ણ વગેરેને ઉપદેશ આપીને કર્તવ્યાભિમુખ કર્યા.
  •  ભક્તિનો પ્રસાર કરતાં કરતાં તેઓ અપ્રત્યક્ષ રીતે ભક્તોની મદદ કરે છે.
નારદજી ભગવાનના વિશેષ કૃપાપાત્ર અને લીલામાં સહાયક છે. જ્યારે-જ્યારે ભગવાનનો આવિર્ભાવ થાય છે ત્યારે-ત્યારે તેઓ તેમની લીલાઓ માટે ભૂમિકા તૈયાર કરે છે