ગુજરાતભરના અજબ-ગજબ બાળકો વિશે

16:22 Posted by Chandsar

Little Champs

- બાળકોની બુદ્ધિક્ષમતા વિશેનું માપન કરવું અશક્ય છે ત્યારે આજે બાળ દિવસે એવા જ જિનિયસ બાળકોની વાત કરવી છે જેઓએ વિવિધ ક્ષેત્રોમાં અતુલ્ય સિદ્ધિઓ મેળવી હોય....

અમદાવાદનો લિટલ સ્ટીફન હોકિંગ
પરિસ્થિતિ સામે હાર ના માની એકલા હાથે લડે તેને જ સાચો યૌદ્ધા કહેવાય છે. આ વાતને ૧૨ વર્ષના ચિન્મય જાનીએ સાર્થક કરી બતાવી છે. ડી.એન.એ. નુટેશનનો ભોગ બનનાર આ બાળકને પોતાના શરીર પર કાબુ નથી. સમયની સાથે ઉંમર વધતા તે પોતાના શરીર પરનું સંતુલન ગુમાવી રહ્યો છે. પરંતુ તેની યાદશક્તિ સામાન્ય માણસ કરતા ૧૦ ગણી વધારે છે. વિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ પણ વ્હિલચેર પર રહી સ્પેસ અને ટાઇમ વિશે કરેલી આગાહીઓ હકીકતરૃપે સાબિત થઇ છે. કંઇ તેમની સાથે મળતો આવતો ચિન્મય જાની અંતરિક્ષ વિજ્ઞાાની બનવા માગે છે. ગુજરાતમાં ચિન્મયને જ આ બીમારી છે. પોતાની આ ખોડને જ પોતાનો પ્લસ પોઈન્ટ બનાવીને તે ચાલી ન શકતો હોવા છતાં, પોતાના શરીર પર કાબુ ન રાખી શકતો હોવા છતાં સ્કૂલે પણ જાય છે અને એ પ્લસ ગ્રેડ સાથે પાસ પણ થાય છે. એટલું જ પણ તે અમદાવાદ અને ગુજરાત લેવલની સ્પર્ધામાં પણ ભાગ લઈ ઘણા પ્રાઈઝ જીતેલો છે. તેની યાદશક્તિ અને પરિસ્થિતિ સામે હાર ન માનવાની સ્પિરિટના કારણે તેને સ્કૂલમાં ટિચર સ્ટીફન હોકિંગ કહે છે.


રાગના તાલે જિન પિંગને દિવાના કર્યાં
૧૨વર્ષનો રાગ ગાંધી તબલા વગાડવામાં અદભૂત મહારત કેળવી છે. તબલા વાદનમાં તેના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેર્કોડ પણ નોધાઈ ચૂકયો છે. આ સિવાય સપ્તક અને અન્ય શાસ્ત્રીય સંગીતની સ્પર્ધામાં રાગ ગાંધી અનેક પારિતોષિક જીતી ચૂક્યો છે.
તેના તબલાના તાલે ભારતના વડાપ્રધાનને એટલા ગમી ગયા હતા કે જયારે ચાઈનાના રાષ્ટ્રપતિ જિનિ૫ંગ અમદાવાદ આવ્યા ત્યારે જિનિ૫ંગ સામે તેને તબલા વાદનનું પર્ફોમન્સ આપ્યું હતુ. રાગે આ પર્ફોમન્સમાં તબલાના એવા રાગ છેડયા હતા કે ઝિંગપિંગ પણ તેના દિવાના થઈ ગયા હતા.
આ અંગે રાગ ગાંધીના પિતા વિરલ ગાંધી કહે છે કે તે ૩ વર્ષનો હતો ત્યારથી ટેબલ વગાડતો. ત્યારબાદ જયારે પણ ટી.વી.માં કે કોઈ તબલાનું મ્યુઝિક સાંભળતો તો આપ મેળે તેને વગાડવા લાગતો. તેની સંગીત પ્રત્યેની આ રુચિને જોતા તેને ૫ વર્ષની ઉંમરે મુઝાલ મહેતા નામના તબલા ગુરુ પાસે શીખવા માટે અમે મોકલ્યો હતો. ત્યાં તેની સંગીત પ્રત્યેની ઉપાસના જોઈને તબલા માસ્ટર પણ સ્તબ્ધ થઈ ગયા હતા.


ચેસમાં બધાંને ચેક એન મેટ કરતો નૈતિક
પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથ આનંદના રસ્તે જઈ રહેલો અમદાવાદનો નૈતિક મહેતા વર્લ્ડમાં ચેસ ચેમ્પિયન બનવા માગે છે. દસ વર્ષના અને પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા આ નૈતિકને સાડા ચાર વર્ષની ઉંમરથી જ ચેસ રમવાનો શોખ છે. સાડા પાંચ વર્ષની ઉંમરમાં શરૃ કરેલી ચેસની રમતમાં તેને અત્યાર સુધીના વર્ષમાં ઈન્ટરસ્કુલ, ડિસ્ટીક, સ્ટેટ અને નેશનલ લેવલે ભાગ લઈને ૫૦ ટ્રોફી હાંસલ કરી છે. જેમાં તેને તે અત્યાર સુધી ખેલ મહાકુંભ ચેસમાં પ્રથમ, ડી.એસ.ઓમાં સેકન્ડ, અંડર ઈલેવનમાં સેકન્ડ,  અંડર ઈલેવનમાં અને અંડર નાઈનમાં ચેમ્પિયન આ સાથે નેશનલ સ્કુલ ગેમ્સમાં ચોથું, એશિયન સ્કૂલ ગેમ્સમાં ૧૪મું સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. તેના ચેસની સર્ટીફિકેટ ફાઈલમાં નાના લેવલની ટુર્નામેન્ટથી લઈને કોમનવેલ્થ સુધીના સર્ટીફિકેટ પણ સામેલ છે.
૨૦૧૧ની સાલમાં ગુજરાતનો યંગેસ્ટ સ્ટેટ પ્લેયર્સ રહી ચૂકેલો નૈતિક મહેતા કહે છે કે, યંગેસ્ટ પ્લેયર્સ બન્યા બાદ હું ગુજરાતનો યંગેસ્ટ ગ્રાન્ડ માસ્ટર પણ બનવા માગું છું. સાથે મારા પેરેન્ટસનું સપનું મને વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનાવવાનું છે. જે હું અથાગ મહેનત કરીને પૂરું કરવા માગું છું. અત્યારે હું દરરોજ સ્ટડી ઉપરાંત બે કલાક ચેસમાં રમવામાં ફાળવું છે.


અઢી વર્ષની કામાખ્યા GKમાં જિનિયસ
કેપ્ચરિંગ પાવરનું શ્રેષ્ઠ ઉદાહરણ ગાંધીનગર ખાતે રહેતી અઢી વર્ષની કામાખ્યાએ આપ્યું છે. અઢી વર્ષની ઉંમરે બાળક સ્કૂલનું પગથીયું પણ ચડતુ નથી ત્યારે કામાખ્યા નામની આ બાળકીને ૧૫૦ જેટલા દેશોના નામ અને તેના કેપિટલ સડસડાટ બોલે છે.
એટલુ જ નહી પરંતુ તેને હનુમાન ચાલીસા, ભારતના તમામ નેશનલ પાર્ક, ૫૦ જેટલી સેલિબ્રેટીના ચહેરાના આધારે તેની ઓળખ,  જનરલ નોલેજના સવાલોના જવાબ, તમામ ધર્મની આરતીઓ, આ લિટલ બેબી ડોલને કંઠસ્થ છે. તેને કોઈ પણ વસ્તુ એકવાર કહેવામાં આવે તો તે કમ્પ્યુટરની જેમ દિમાગમાં સેવ થઈ જાય છે.
આ અંગે ગાંધીનગર એરફોર્સમાં ફરજ બજાવતા કામાખ્યાના પિતા સુનિલ રાઠી કહે છે કે કામાખ્યાના મધર ઘરે ટયુશન કલાસિસ ચલાવે છે. તેમને ત્યાં ઘણા સ્ટુડન્ટસ ભણવા માટે આવે છે જ્યારે કામાખ્યાની મમ્મી બાળકોને ટયુશન લઈ રહી હોય છે ત્યારે તે બાળકો પાસે કામાખ્યા આવીને બેસી જાય છે અને મમ્મીના શીખવાડેલા દરેક લેશને યાદ રહી જાય છે. જ્યારે બીજી દિવસે તેની મમ્મી બાળકોની પાસેથી હોમવર્ક માગે છે તો કામાખ્યા બધાંની સામે સડસડાટ જવાબો આપવા માંડે છે.


દસ વર્ષના વિશ્વ વોરાને સિદ્ધહેમ ગ્રંથ કંઠસ્થ
ગાંધીજી કહેતા હતા કે સૌથી અઘરી ભાષા સંસ્કૃત છે. વર્તમાન સમયમાં ભલે સંસ્કૃત ભાષાનું મહત્વ એટલું બધું ન જોવા મળતું હોય. પરંતુ ભારત દેશની સંસ્કૃતિનું મહત્વ સંસ્કૃત ભાષામાં ખૂબ જ રહેલું છે. શહેરનો દસ વર્ષનો વિશ્વ વોરા હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલા  સિદ્ધહેમ સંસ્કૃૃત વ્યાકરણ ગ્રંથ આખો કંઠસ્થ છે. વિશ્વ વોરાને  સંસ્કૃત ભાષાના દસ હજાર કરતા વધારે શ્લોક કંઠસ્થ છે. ગુજરાતી, ગણિત, વૈદિક, જ્યોતિષ, ઇતિહાસ, યોગ, હસ્ત લેખન ,શાસ્ત્રીય સંગીત અને વકતૃત્વ કૌશલ્ય ધરાવે છે જેવી બાબતમાં માસ્ટરી છે. સંસ્કૃત ભાષા પર સંપુર્ણ પ્રભુત્વ ધરાવે છે. વિશ્વની સિદ્ધિ મહત્વપુર્ણ કહેવાય છે. કારણ કે સૌથી નાની વયમાં શ્રી સિદ્ધહેમ વ્યાકરણ મૂળથી પુર્ણ કરવામાં છેલ્લા ૧૫૦ વર્ષમાં પહેલો કિસ્સા વર્તમાન સમયમાં જોવા મળી રહ્યો છે. રામનગર  સાબરમતી વિસ્તારમાં આવેલી હેમચન્દ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ  કરનારા વિશ્વ વોરા બાળપણથી  તેજસ્વી છે.  તે શ્રી સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણ સંપુર્ણ રીતે કંઠસ્થ કર્યાના અનોખું કૈાશલ્ય ધરાવે છે. સંસ્કૃત ભાષાના વિવિધ ગ્રંથના શ્લોક પર કંઠસ્થ કરી ચૂકયો છે.  વિશ્વ વોરા સાડા નવ વર્ષમાં સંસ્કૃતનું આટલું જ્ઞાાન ધરાવે છે તો ભવિષ્યમાં તેની સિદ્ધિ વિશે કલ્પના કરવી અશક્ય છે.


નાની ઉંમરે શાસ્ત્રીય સંગીત ગાયનની સિદ્ધિ
આજે ટી.વી.ના પડદે સિંગિંગના અનેક શૉમાં પાર્ટીસિપેટ થવા માટે ઘણા બાળ સિંગર હોય છે. પરંતુ આપણી માટીમાંથી ઉત્પન્ન થયેલા શાસ્ત્રીય સંગીતને જીવંત રાખવા બહું ઓછા પ્રયત્નો થતા હોય છે. જે જોતા ક્લાસિકલ મ્યુઝીક પ્રત્યે અનેક ઘણો પ્રેમ ધરાવતો અમદાવાદનો સડજ ઐયર અગિયાર વર્ષની ઉંમરે રાગ જોગ, રાગ મલ્હાર, સોહિની, લલિત, જેવા ડિફીકલ્ટ રાગ સરળતાથી ગાય છે. સાત વર્ષ સુધી તબલા પર તાન થિરકનાર આ વોકલિસ્ટે ગુ્રપમાં  સતત એક કલાક અને વીસ મિનીટ તબલા વગાડીને તબલા ગુ્રપ વાદનમાં ગિનિશ બૂકમાં નામ પણ નોંધાવ્યું છે.
આ અંગે સડજ ઐયર કહે છે કે, ઓલ ઈન્ડિયા સંગીત મિલન જુનિયર સ્પર્ધામાં મને મળેલી જીત મારા ઘણી મોટી સિદ્ધિ હતી. મારે વોકલિસ્ટ બનવું છે. જે માટે હું નિયમિત બેથી વધારે કલાક રિયાઝની ટ્રેનિંગ લઉં છું. આ સાથે ધોરણ છમા મારો અભ્યાસ પણ ચાલું છે. ઉસ્તાદ શૌકત હુસેન ખાન અને ફાધર પાસેથી મેળવેલી પ્રેરણાએ આજે હું કોલકાતા, ચૈન્નાઇ, બેંગ્લોર, મુંબઇ જેવા ભારતના શહેરોમાં ક્લાસિકલ વોકલિસ્ટ તરીકે પર્ફોમ કરી ચૂક્યો છું. હું ફ્યુચરમાં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવા માગું છે. અને નવી જનરેશન માટે તૈયાર કરવા માગું છું.


રમવાના સમય કરતાં બમણું વાંચન કરતો પ્રશિલ
આજે બાળદિવસ નિમિતે ખાસ બાળકોની વાત કરીએ તો પ્રશિલ એવો બાળક છે જે  માને છે કે વાંચન જ લાઈફને આગળ સારી રીતે ધપાવી શકે છે અને કોઈ ચોક્કસ  સ્થાન પર પહોંચાડી શકે છે. પ્રશિલ હાલ રાજકોટની એસ.એન.કે. સ્કુલમાં પાંચમાં  ધોરણમાં અભ્યાસ કરે છે. તેના વિષે ખાસ વાત એ છે કે આટલી નાની ઉંમર હોવા  છતાં તે વાંચનને ખુબ મહત્વ આપે છે અને દરરોજ ટયુશન, સ્કુલ અને સ્વિમિંગ  સિવાય પણ ૩ થી ૪ કલાક જેટલો સમય કાઢી ચોક્કસ રીતે વાંચવા બેસી જાય છે. ગાડીમાં સફર કરતો હોય, પથારી પર આડો પડયો હોય કે ફ્રી બેઠો હોય તે વાંચવાના  એક જ કામ પર સૌથી વધુ ધ્યાન આપે છે. પ્રશિલ એક સમયે સળંગ વાંચવા બેસે  તો લગભગ ૭ કલાકમાં ૧૫થી વધારે પુસ્તકો વાંચી નાંખે છે. આજે જયારે તેની  ઉંમરના બાળકો મેથ્સ અને સોશિયલ સ્ટડીઝથી ભાગતા હોય છે ત્યારે પ્રશિલે આ જ વિષયોને પોતાના બેસ્ટ ફ્રેન્ડસ બનાવી લીધા છે. તેની બીજી એક ખાસ વાત એ છે કે  તેણે પોતે  એવી સમજ કેળવી છે કે કઈ ઉંમરે કેવી બુક્સ વાંચવી જોઈએ, જેમકે હવે  તેણે ૧૧ વર્ષે સ્ટોરી બુક્સ વાંચવાનું ઘટાડીને નોવેલ્સ અને સાયન્સના સબ્જેકટસ પર  ફોકસ કરી રીડીંગ કરવાનું શરુ કરી દીધું છે.


બોલિવૂડ સુધી અથર્વના એક્ટિંગની બોલબાલા
ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા અથર્વ દિપકભાઈ પટેલે હજુ માંડ છ વર્ષની ઉંમર થઈ છે અને આટલી ઉંમરમાં તો હિન્દીમાં જાણીતી એક ધારાવાહિકા, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મુવમેન્ટ, સિમલા, દહેરાદુન, અને કશ્મીરમાં ફોક ડાન્સ અને નાટકમાં કામ કરી ચૂકયો છે. વધુમાં અર્થવ રેડિયોમાં ગીતોનું પ્રસારણ, યુનિવર્સલ રંગ મહોત્સવ દરમિયાન નાટકમાં મુખ્ય રોલ, એક ગુજરાતી મોટી અને બે ડોક્યુમેન્ટ્રી, સ્વચ્છતા અભિયાનની જાહેરખબર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ડાન્સ શો, રેમ્પવોક તથા નૃત્ય નાટિકાઓ, મોડેલીંગ, ચિત્ર ક્ષેત્રે લલિતકલા અકાદમી દ્વારા પ્રથમ ઈનામ વિજેતા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની બાળ ચિત્ર સ્પર્ધામાં દ્વિતિય ક્રમ હાંસલ કર્યો છે. આ બાળકલાકારની ઇચ્છા બોલિવૂડ અને હોલિવૂડ સુધી પહોંચવાની છે. જો કે બોલિવૂડમાંથી ઘણી ઓફર આવવા લાગી છે.