લૉટરી

16:00 Posted by Chandsar
‘ઓ માય ગોડ ! આઈ કાન્ટ બિલીવ !’ના હૃદયદ્રાવક ઉદગાર સાથે મારિયાના હાથમાંથી બંડલ સરકીને ફ્લોર ઉપર પડી ગયું. પછી તો તે બહાવરી બનીને કબાટના પ્રત્યેક ખાનાને ફંફોસી વળી. તેના પગ આગળ એવાં જ બંડલોનો ઢગલો થતો રહ્યો. કબાટને યથાવત્ રાખીને રાડ પાડતી મારિયા પાસેની ઇઝીચેર ઉપર ઢગલો થઈને ફસકી પડી. હીબકાં ભરતી ચોધાર આંસુએ મારિયા હૈયાફાટ રડવા માંડી.
આજે વહેલી પરોઢે જ્યારે જ્યોર્જ હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો હતો, ત્યારે તેની પાંપણો પણ ભીની થઈ ન હતી. ચર્ચયાર્ડમાં તેની દફનવિધિ વખતે પણ તે જ્યોર્જની ત્રાહિત વ્યક્તિની જેમ શૂન્યમનસ્ક ઊભી રહી હતી. સ્નેહીજનો શિષ્ટાચાર ખાતર મારિયાનો હાથ દબાવીને, ખભા ઉપર હાથ મૂકીને કે પછી મસ્તક ઉપર હાથ પસવારીને સૌ કોઈ શબ્દો દ્વારા અથવા મૌન રહીને દિલાસો આપતાં હતાં, તે વખતે મારિયાને આવાં કૃત્રિમ કે વાસ્તવિક આશ્વાસનોની જરૂર ન હતી; કેમ કે તે રૂઢિચૂસ્ત અને ધર્મપરાયણ સાચી અમેરિકન મહિલા હતી.
જીવન-મૃત્યુ, હર્ષશોક, અમીરી-ગરીબી, તંદુરસ્તી-બીમારીકે જીવનના કોઈપણ ચઢાવઉતારને પ્રભુની ઇચ્છા સમજનારી સ્થિતપ્રજ્ઞ આ મારિયાને કબાટ પાસેનાં લૉટરીની ટિકિટોનાં બંડલોના ઢગલાએ એવી તો અકળાવી દીધી હતી કે હવે તેના રૂદન ઉપર પોતાનો કોઈ કાબૂ રહ્યો ન હતો. દિવસભર જ્યારે તેને આશ્વાસનની જરૂર ન હતી, ત્યારે તે ફરજ બજાવનારાં ઘણાંબધાં હતાં. પરંતુ હાલ જ્યારે તેને લાગેલા આઘાતમાંથી ઊગરવું છે, ત્યારે સૂમસામ બંગલામાં પોતે અને પોતાના રૂદનના પડઘા સિવાય કોઈ ન હતું. દૂરદૂરનાં અલગ અલગ સ્ટેટમાં પોતપોતાનાં પરિવારો સાથે રહેતાં દીકરા-દીકરીઓનાં આગમન તો હવે આવતી કાલથી શરૂ થશે. શું ત્યાં સુધી પોતે રડ્યે જ જવાનું કે પછી આપમેળે જ ચૂપ થઈ જવાનું !
પરંતુ મારિયા પોતાના જ આશ્ચર્ય વચ્ચે અચાનક રડતી બંધ થઈ ગઈ. આમ થવામાં મારિયાનું પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું સોશિઅલ સાયન્સીઝની વિવિધ વિદ્યાશાખાઓનું વાંચન સહાયરૂપ બન્યું.
મારિયાના ચિત્તે ચિંતનનાં સોપાનો ચઢવાનું શરૂ કર્યું. પ્રથમ સોપાને તેણે ભયના સંવેગ વિષે વિચારવા માંડ્યું. તેને રાજનીતિના એક પ્રચલિત સૂત્રની યાદ આવી ગઈ કે ‘ભય વિના પ્રીતિ નહિ’. રાજાશાહી કે સરમુખત્યારશાહી શાસનપ્રથામાં શાસકનો ભય પ્રજાને અનુશાસનમાં રાખે. લોકશાહીમાં પણ હળવી માત્રામાં આ જ નિયમ લાગુ પડે. પણ…પણ પ્રજાને ક્યાં સુધી ભયભીત રાખી શકાય ? ભયનું સાતત્ય ભય પામનારને કોઈક એવી પળ સુધીમાં તો એવી સ્થિતિ ઉપર લાવી દે કે પોતે ભય સામે બાથ ભીડવાની ક્ષમતા ધારણ કરી લે. પરંતુ આ તો થઈ દુન્યવી રાજ્યવ્યવસ્થાના ભિન્નભિન્ન પ્રકારોની વાત કે જ્યાં ભય ઉપર નિર્ભયતા કદાચ જીત મેળવી પણ લે !
મારિયાના ચિંતને રાજ્યશાસ્ત્ર તરફથી ધર્મશાસ્ત્ર તરફ વળાંક લીધો અને વિચારવા માંડી કે ‘પરંતુ એકમાત્ર સામ્રાજ્ય એવું છે કે જ્યાં ભયનો ભય સદા પ્રજ્વલિત જ રહે છે, કદીય ઠંડો નથી પડતો ! એ છે પ્રભુનું સામ્રાજ્ય ! ઈશ્વર એ તો સમ્રાટોનો સમ્રાટ, શાસકોનો શાસક, પોતાનાં પ્રત્યેક સર્જનોનો સર્જક; પણ પોતે તો સ્વયંભૂ જ ! ધાર્મિક વૃત્તિવાળા લોકો ડરતા હોય છે, ઈશ્વરથી; અને જે ઈશ્વરથી પણ નથી ડરતા, તે ડરતા હોય છે, મૃત્યુથી ! જો કે ઈશ્વર તો કૃપાળુ છે, કોઈને ડરાવે શાનો ! પરંતુ ધર્મશાસ્ત્રોમાં માનવીઓને ઈશ્વરથી અને મૃત્યુથી ડરવાનું પ્રબોધાયું છે.’
મારિયા જ્યોર્જના રિડીંગરૂમના કબાટ પાસેના નિષ્ફળ લૉટરીની ટિકિટોના ઢગલાને ટ્યુબલાઈટના ઝળહળતા પ્રકાશમાં જોઈ રહી અને વિચારવા માંડી કે, ‘જ્યોર્જ તેમના ચારચાર દાયકાના દાંપત્યજીવન દરમિયાન કાં તો ઈશ્વરથી ડર્યો નથી કે પછી મૃત્યુથી પણ ડર્યો નથી ! જો ડર્યો હોય તો માત્ર પોતાનાથી એટલે કે મારાથી, મારિયાથી !’
‘અરરર… જ્યોર્જે મને કેવા સ્થાને બેસાડી દીધી ! પોતાના મૃત્યુથી અને સૌના ઈશ્વરથી પણ ઉપર ! મારાથી ડરીને, મને અંધારામાં રાખીને, ચોરીછૂપીથી મને ગંધ પણ ન આવે તેવી રીતે આટઆટલાં વર્ષો સુધી લૉટરીનો જુગાર ખેલતો રહ્યો ! માન્યામાં આવતું નથી ! એ જાણતો હતો કે મારિયાને હરામની કમાણી ખપતી નથી ! એને ખબર હતી કે અમારું હંગેરીઅન ભાષાનું દૈનિક સમાચારપત્ર લૉટરીનાં પરિણામો ન છાપવાના કારણે બહોળો ફેલાવો ન પામી શકતાં વેચી દેવું પડ્યું હતું. વાચકોની વિનંતિઓ સામે મેં મચક આપી ન હતી. જ્યોર્જે મારા પ્રત્યેના પ્રેમના કારણે કે પછી મને રાજી રાખવા મારી વાત સાથે સંમત થયો હતો. જો તેનું સાચા દિલનું સમર્થન હતું, તો પછી તેના વર્તનમાં આમ કેમ બન્યું !’
મારિયા મુંઝવણમાં મુકાઈ ગઈ કે, ‘આજે જ અવસાન પામેલા જ્યોર્જને તેના આ ગુનાહિત કૃત્ય બદલ ધિક્કારવો કે પછી તેની દયા ખાવી ! તેના અનૈતિક કૃત્યથી મારી લાગણીને ભલે ઠેસ પહોંચી હોય, પણ આ અપવાદ સિવાય જીવનભર તેણે સુખ કે દુ:ખમાં ખરા દિલથી મને ચાહી છે; તો તેનો તિરસ્કાર તો કેવી રીતે કરી શકું ! વળી એ પણ તેના મૃત્યુ પછી ! જે થયું તે બદલી શકાય તેમ નથી, તો શા માટે મારે તેના આત્માને વ્યથિત કરવો !
જ્યોર્જ હયાત હોત અને આ ભંડો ફૂટ્યો હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવત ! મારિયાએ સહૃદયતાપૂર્વક જ્યોર્જને માફ તો કરી દીધો, પણ તેની જિજ્ઞાસા વધી પડી એ જાણવા માટે કે તેનામાં આ નકારાત્મક વલણ ક્યારથી અને કેમ દાખલ થયું ! જ્યોર્જના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ માટેની મારિયાની ઉત્કંઠા વધી ગઈ. સમગ્ર પ્રકરણને સંતાનોથી છુપાવવાના બદલે તેમના જ સહકારથી જ્યોર્જની આ આદતના સમયગાળાને શોધી કાઢવાનું માર્યાએ વિચાર્યું. લૉટરીનાં બંડલો ઉથલાવવાથી જૂનામાં જૂની તારીખ મળી જવાની આશા બંધાઈ. વળી કોઈ ટિકિટોનો નિકાલ કરી દેવામાં આવ્યો હોય તો જે તે લૉટરીવિક્રેતા પાસેથી જ્યોર્જ તેમનો કેટલા સમયથી ગ્રાહક હતો તે જાણવું સરળ હતું. મારિયા મનોવૈજ્ઞાનિક પરિભાષામાં જાણવા માગતી હતી કે દશેક વર્ષ પહેલાં તેમનું અખબાર વેચાઈ ગયા પછી જ્યોર્જ લૉટરીના રવાડે ચઢ્યો હતો કે તે પહેલાંથી જ તેની લત હતી. જો પહેલેથી જ તેમ હોય, તો મારિયાએ વિચાર્યું કે, ‘તો દાદ દેવી પડે તેની દિલી મહાનતાને અને સાથેસાથે તેની ચતુરાઈને કે જેણે પોતાની બૉડી લેન્ગવેજથી પણ મને આ વાતનો અણસાર સુદ્ધાં ન આવવા દીધો!’
મારિયાના વિચારોએ મૂળ વાતને વળગી રહેતાં થોડીક અવળી દિશા પકડી, ‘જ્યોર્જને નાણાંની ભૂખ ન હતી. સુખેથી જીવી શકાય તેવી રોયલ્ટીની આવક હતી. સ્ટૉકના ધંધામાં કમાએલાં અઢળક નાણાંની બેંકરસીદો હતી. ભવિષ્યની સલામતી માટે વ્યક્તિગત અને સંયુક્ત વીમાઓનું રક્ષણ હતું. સંતાનોને સારામાં સારું શિક્ષણ આપ્યું હતું અને સૌ પગભર હતાં. આલીશાન બંગલો અને બંને માટેની જુદીજુદી કાર હતી. આટલું બધું હોવા છતાં અગમ્ય એવું શું કારણ હતું કે જ્યોર્જ લૉટરીના અનૈતિક માર્ગે ચઢ્યો હતો. લૉટરીમાં કમાયો હશે કે ખોયું હશે ?
મારિયાની ધાર્મિકતા અને રૂઢિચૂસ્તતાએ તેને હળવેથી એ મુદ્દે વિચારતી કરી કે ‘ઈશ્વરસર્જિત મહામૂલ્ય માનવીને આત્મનિર્ભર થવા માટે શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓ મળી છે. પરિશ્રમ અને પ્રમાણિકતાથી રોજીરોટી મેળવવાની કૌવત છતાં માનવી પોતાના ભાગ્યને બદલવા આવા ટૂંકા માર્ગ અપનાવે તે કેવું કહેવાય !’
આગળ વિચારવાનું પડતું મૂકીને મારિયા ઇઝીચેરમાંથી સફાળી બેઠી થઈ. જ્યોર્જની લૉટરીપ્રિયતાનો કોઈ સંકેત મળી જાય તે આશાએ તેણે જ્યોર્જના રાઈટીંગ ટેબલનાં ખાનાંઓને વારાફરતી ખેંચવા માંડ્યું. વચ્ચેના ખાનાના ઊંડણના ગુપ્ત ખાનામાંથી એક પરબીડિયું તેના હાથે ચઢ્યું. ઉપર મારિયાનું નામ હતું. તેણે કુતૂહલપૂર્વક ઝડપભેર વાંચવા માંડ્યું. આમાં લખ્યું હતું :
‘વહાલી મારિયા,
જીવનભર તારો ગુનેગાર બનીને હું લૉટરી રમતો રહ્યો છું. અનેકવાર ખોટાં બહાનાં બતાવીને તારાથી વિખૂટો પડીને લૉટરીની ટિકિટો ખરીદવાનું તને અપ્રિય કામ હું કરતો રહ્યો. મારું કૃત્ય માફીને લાયક ન હોવા છતાં હું આશાવાદી છું કે તું મને માફ કરશે જ. તારો ઉદ્દામવાડી સ્વભાવ તને રોકશે, પણ તારો મારા પ્રત્યેનો અનહદ પ્રેમ તને માફ કરવાની ફરજ પાડશે.
મારા મતે સરકારી લૉટરી જુગાર ન હતી. ખાનગી સટ્ટાબજાર કે કેસિનોવાળાઓ કરતાં આ લૉટરી અલગ પડતી હતી. તેની વ્યવસ્થા અને વિશ્વસનીયતા વિષે કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ હું માનું છું કે લૉટરીની રમતનો અતિરેક કોઈના જીવનને બરબાદ પણ કરી શકે. ખેર, અહીં આ ચર્ચાને હું સમાપ્ત કરું છું. પ્લીઝ, હવે આગળ વાંચ.
તું મારા જીવનમાં આવી, ત્યારે એક જીવતી-જાગતી લૉટરી જ બનીને આવી હતી. મારી પાસે ગરીબી સિવાય બીજું શું હતું ? લગ્નપૂર્વેના મારા જીવનથી તું પરિચિત હોવા છતાં ફરી પુનરાવર્તન એટલા માટે કરું છું કે સુખ અને સમૃદ્ધિનાં સ્વપ્ન મેં એ દિવસોમાં જ સેવ્યાં હતાં. કોઈક વિચારકે કહ્યું છે કે જ્યારે કોઈ માણસ સ્વપ્નો સેવતો બંધ થઈ જાય, ત્યારે માની લેવું કે તેણે મરવાની શરૂઆત કરી દીધી. સ્વપ્ન એ તો જીવનનો પ્રાણવાયુ છે. હતાશાપૂર્ણ એ દિવસોમાં સ્વપ્નોએ તો મને જીવતો રાખ્યો છે. સ્વપ્નો સિદ્ધ થવા માટે પુરુષાર્થ અને પ્રારબ્ધ જરૂરી છે. શરાબી અને લંપટ પિતાથી ત્રાસી ગયેલી મારી માતા બીજે પરણી ગઈ હતી. અમને ભાઈ-બહેનોને જીવાડવા માટે શૉપલિફ્ટીંગથી માંડીને ઘરફોડ ચોરીઓ સુધી પહોંચી ગયેલો મારો બાપ જેલમાં વધારે અને બહાર ઓછો એમ કરતાંકરતાં જેલમાં જ અવસાન પામ્યો. હું સંઘર્ષ કરતો હતો, ત્યારે મારા ભાગ્યને જગાડવા મારી પાસે માત્ર લૉટરીનો જ સહારો હતો. તને આશ્ચર્ય થશે કે તે દિવસોમાં લૉટરી મારા ભાગ્યને જગાડી શકી ન હતી, પણ તેણે મને જીવતો રાખ્યો હતો અને તે જ મારા માટે પૂરતું હતું.
જોગસંજોગે હું તારા પિતાજીના અખબારમાં મામુલી કમ્પોઝીટરમાંથી મારી મહેનત અને કામ પ્રત્યેની વફાદારી વડે મેનેજીંગ ડિરેક્ટર પદે પહોંચ્યો. આ ગાળામાં આપણી વચ્ચે પ્રણ્યના અંકુર ફૂટ્યા. તારા મહાન પિતાએ મને તારા કુટુંબમાં સમાવી દીધો. તું અઢળક સંપત્તિની એકમાત્ર વારસ અને હું માત્ર તારો સહભાગી જ બની રહ્યો. આંખના પલકારામાં તારું એ આપણું બની ગયું. મારી કૌટુંબિક જવાબદારીઓ પણ આપણી સહિયારી બની ગઈ. મારા જીવનમાં તારી સાથેનું જોડાણ એ એક રીતે તો બે આત્માઓનું જોડાણ બની રહ્યું. પ્રેમાળ, નિરભિમાની અને સંવેદનશીલ પત્ની પામવાનું સૌભાગ્ય મારા જેવા કોઈ નસીબદારને જ પ્રાપ્ત થાય. આપણા પાશ્ચાત્ય ઢબના કૌટુંબિક જીવનમાં અશક્ય ગણાય તે આપણા જીવનમાં શક્ય બન્યું. મારા માટે તો તું મૂલ્યમાં ન આંકી શકાય તેવો લૉટરીનો મોટો જેકપૉટ પુરવાર થઈ. ભૌતિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારે મૂલ્યવાન તેવી તારા જેવી મૂલ્યવાન લૉટરી સામે મેં કાગળની એકાદ કે અડધા ડૉલરની ટિકિટોને પ્રાધાન્ય આપ્યું, તેમ જો તને લાગે તો મને માફ કરી દેજે. તું મહાન છે, બાકી તને છેહ દેવા પાછળ મારી કોઈ ધનલાલસા ન હતી.
હવે હું જરૂરી મૂળ મુદ્દા ઉપર આવું છું. આપણા શહેરની વેસ્ટ એન્ડ વિસ્તારની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં મારું એક એકાઉન્ટ છે. પ્રથમ નોમિની તરીકે તારું નામ અને ઈશ્વર ન કરે અને તું હયાત ન હોય તો બીજા નોમિની તરીકે આપણા શહેરના જે તે વખતે જે હોય તે શેરીફને નિયુક્ત કર્યા છે. લૉટરીની ટિકિટો આપણી આવકમાંથી ખરીદાઈ છે, પણ નાનાંમોટાં લાગેલાં સઘળાં ઈનામો તે ખાતામાં માત્ર જમા જ થતાં રહ્યાં છે. ઉપાડ માટે મેં કોઈ ચેક્સુવિધા લીધી નથી. ખાતામાં કેટલી રકમ હશે તે જાણવાની ઇચ્છા ન થાય તે માટે મેં પાસબુક પણ મેળવેલ નથી. બેંક તરફના ખાતાને લગતા કોઈ પત્રવ્યવહાર માટે લાઈફ ટાઈમ રેન્ટ ભરેલા પોસ્ટ બોક્ષનો સહારો લીધો છે.
છેલ્લે આશા રાખું છું કે આ ખાતામાંથી જે કંઈ રકમ મળે તે ઉપરાંત મારા પોતાના પાકતા વીમાની રકમને સામેલ કરીને તેનું ફેમિલી ટ્રસ્ટ બનાવીને વ્યાજની આવકમાંથી તને ઠીક લાગે તેવી ચેરિટી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે. ઈશ્વર તને દીર્ઘાયુષ્ય બક્ષે. તું પણ મને માફી બક્ષે તે જ અભ્યર્થના સાથે વિરમું છું.
તારો અને શાશ્વત કાળ પર્યંત માત્ર તારો જ,
જ્યોર્જ’
પત્ર પૂરો થયો. આંખોમાં અશ્રુ તો ઊભરાયાં, પણ વેદના શમી ગઈ. ત્વરિત નિર્ણય લેવાઈ ગયો, ફેમિલી ટ્રસ્ટ રચી દેવાનો. ટ્રસ્ટનો બીજો કોઈ હેતુ નહિ, માત્ર એક જ કે જ્યોર્જની મૃત્યુતિથિએ વર્ષભરની આવક જેટલી લૉટરીની ટિકિટોનું જરૂરિયાતમંદ લોકોમાં મફત વિતરણ કરવું.
આનાથી વિશેષ સારી બીજી કઈ રીતે જ્યોર્જને અંજલિ આપી શકાય તેમ હતી !