ભાડાના ઘરમાં કંપની શરૂ કરી, આજે ઉદ્યોગજગતમાં જાણીતા છે આ મહિલા

11:35 Posted by Chandsar


ભારતમાં પોતાના બળે કારકિર્દી શરૂ કરીને કોર્પોરેટ જગતના ટોચના નામોમાં પોતાનું નામ સામેલ કરનારાઓમાં લગભગ બધા જ પુરુષોનો સમાવેશ થાય છે. પણ આ લિસ્ટમાં એક મહિલાનું નામ પણ છે, જેમણે પોતાનાં પગ પર ઉભા રહીને પોતાની કારકિર્દી બનાવી અને દેશના અબજોપતિઓમાં આજે તેમનો સમાવેશ થાય છે. આ મહિલા છે દેશની અગ્રણી બાયોટેક્નોલોજી કંપની બાયોટેકનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કિરણ મજુમદાર શો. શરૂઆતમાં અનેક પડકારોનો સામનો કરનાર કિરણ આજે આઇઆઇએમ બેંગલોરનાં પણ ચેરમેન છે. આજે 23 માર્ચનાં રોજ કિરણનો જન્મદિવસ છે.
ફાઇનાન્શિયલ ટાઇમ્સની ટોપ 50 વિમેન્સ ઇન બિઝનેસની યાદીમાં તેમજ દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં પણ કિરણનો સમાવેશ કરાયો છે. એક અબજ ડોલર (6200 કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે તેઓ ભારતનાં 81મા સૌથી ધનિક વ્યક્તિ અને દેશનાં ત્રીજા સૌથી ધનિક મહિલા છે. ભાડાનાં ઘરનાં ગેરેજમાં શરૂ કરેલી કંપની આજે દેશની ટોચની બાયોટેક્નોલોજી કંપની છે.
બેંગલોરમાં ગુજરાતી માતાપિતાના ઘરે જન્મેલા કિરણ મજુમદાર બેંગલોરમાંથી જ 1973માં ઝુલોજીમાં બીએસસી થયા. તેઓ મેડિકલ કોલેજમાં જવા માગતા હતા,પણ સ્કોલરશીપ ન મેળવી શક્યા.
કિરણનાં પિતા રસેન્દ્ર મજુમદાર યુનાઇટેડ બ્રેવરીઝ કંપનીમાં હેડ બ્રુમાસ્ટર હતા. તે ઇચ્છતા હતા કે કિરણ ફરમેન્ટેશન સાયન્સનો અભ્યાસ કરીને બ્રુમાસ્ટર બને. આ કારકિર્દી મહિલાઓ માટેની પરંપરાગત કારકિર્દી નહતી. ત્યારબાદ કિરણ માલ્ટિંગ અને બ્રુઇંગનો અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયાની ફેડરેશન યુનિવર્સિટીમાં ગયા. 1975માં તેમણે અહીંથી માસ્ટર બ્રુઅરની ડિગ્રી મેળવી. આ કોર્સમાં તેઓ એકમાત્ર મહિલા હતા.
2_1427103966-1
મેલબોર્નમાં કાર્લટન અને યુનાઇટેડ બ્રેવરીઝમાં ટ્રેઇની બ્રુવર તરીકે અને પછી કલકત્તાની કંપનીમાં ટેક્નિકલ કન્સલટન્ટ તેમજ બરોડાની કંપનીમાં ટેક્નિકલ મેનેજર તરીકે કામ કર્યા બાદ તેમણે બેંગલોર કે દિલ્હીમાં કામ કરવાની શક્યતાઓને તપાસી, પણ તેમને એવું કહેતા માસ્ટર બ્રુઅરની નોકરી ન અપાઇ કે આ કામ પુરુષોનું છે. ત્યારબાદ તેમણે વિદેશમાં કામ કરવાની તકો શોધવા માંડી અને સ્કોટલેન્ડમાં કામ ઓફર કરાયું.
કિરણ વિદેશ જાય તે પહેલા તે આયર્લેન્ડની બાયોકોન બાયોકેમિકલ્સ લિમીટેડનાં સ્થાપક લેસ્લી ઓચિનક્લોસને મળ્યા. આ કંપની બ્રુઇંગ, ફૂડ પેકેજિંગ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા એન્ઝાઇમ્સ બનાવતી હતી. ઓચિન્ક્લોસ ભારતીય સબસિડીયરી શરૂ કરવા માટે તે સમયે એક ભારતીય સાહસિકને શોધી રહ્યા હતા. કિરણે આ કામ સ્વીકારી લીધું,પણ સામે એક શરત મૂકી કે જો તેમને આ કામ નહીં ગમે તો તેઓ છ મહિના પછી બ્રુમાસ્ટરનાં પદે કામ કરશે.
આયર્લેન્ડની બાયોકોન બાયોકેમિકલ્સ કંપનીમાં ટ્રેઇની મેનેજર તરીકે થોડા સમય કામ કર્યા બાદ તેઓ આ વ્યવસાયને વધુ જાણવા માટે પાછા ભારત આવી ગયા. 1978માં બેંગલોરમાં પોતાનાં ભાડાનાં ઘરનાં ગેરેજમાં તેમણે 10,000 રૂપિયાની મૂડી સાથે બાયોકોન ઇન્ડિયા કંપની શરૂ કરી. આ એક સંયુક્ત સાહસ કંપની હોવાથી તેમાં વિદેશી મૂડીરોકાણ માટે 30 ટકાની મર્યાદા હતી. તેથી કંપનીનો 70 ટકા હિસ્સો કિરણ પાસે જ રહ્યો.
યુવાન અને તેમાં પણ મહિલા હોવાને કારણે તેમજ એક નવા જ બિઝનેસ મોડેલને કારણે શરૂઆતમાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. ફંડ મેળવવું એ એક મોટી મુશ્કેલી હતી. કોઇ બેન્ક તેમને ધિરાણ આપવા તૈયાર નહતી.
કેટલીક બેન્કોએ કિરણને તેમનાં પિતાને ગેરન્ટર બનાવવા પણ કહ્યું. પણ એક સામાજિક કાર્યક્રમમાં એક બેન્કર સાથે થયેલી મુલાકાતે તેમની મુશ્કેલી દૂર કરી, કિરણને નાણાકીય મદદ મળી ગઇ. પણ પછી પોતાનાં સ્ટાર્ટઅપમાં લોકોને નોકરી પર રાખવામાં તેમને મુશ્કેલી નડી. તેમનો પહેલો કર્મચારી હતો નિવૃત્ત ગેરેજ મિકેનિક.તેમની પહેલી ફેક્ટરી 3000 ચોરસ ફૂટનાં શેડમાં હતી. ઓછા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની લેબમાં તેમને ઘણા ટેક્નિકલ પડકારો નડ્યા. તેમ સમયે સતત વીજળી, સારી ગુણવત્તાનું પાણી, ચોખ્ખી લેબ, ઇમ્પોર્ટેડ રિસર્ચ ઉપકરણો અને એડવાન્સ્ડ સાયન્ટિફિક સ્કીલ્સ સાથેનાં કામદારો ભારતમાં સરળ રીતે પ્રાપ્ય નહતા.
પણ ફેક્ટરી શરૂ કર્યાનાં એક વર્ષની અંદર જ બાયોકોન ઇન્ડિયાએ એન્ઝાઇમનું ઉત્પાદન કરીને તેમની યુએસ અને યુરોપમાં નિકાસ કરવા માંડી. આમ કરનાર તે પહેલી ભારતીય કંપની બની રહી. પહેલા વર્ષની આવકમાંથી કિરણ મઝુમદારે 20 એકરની પ્રોપર્ટી ખરીદી, જેનો ઉપયોગ તે ભવિષ્યનાં વિસ્તરણ પાછળ કરવાનાં હતા.
kiran-mazumdar-shaw-biocon
કિરણે બાયોકોનને એક ઇન્ડસ્ટ્રીયલ એન્ઝાઇ ઉત્પાદક કંપનીમાંથી સંપૂર્ણપણે ઇન્ટીગ્રેટેડ બાયો ફાર્માસ્યુટિકલ કંપની બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ માટે તેમણે પ્રોડક્ટોનાં સંતુલિત પોર્ટફોલિઓ પર અને ડાયાબિટિસ, ઓન્કોલોજી અને ઓટો ઇમ્યુન રોગો પર રિસર્ચ કરવા માંડ્યુ. આ માટે તેમણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ક્લિનિકલ ટ્રાયલ માટે બે સબસિડીયરીઓ પણ શરૂ કરી.
1987માં કંપનીનું પહેલું મોટું વિસ્તરણ થયું, જ્યારે આઇસીઆઇસીઆઇ વેન્ચર્સનાં નારાયણન વાઘુલે 2.5 લાખ ડોલરનાં વેન્ચર કેપિટલ ફંડને ઉભું કરવામાં મદદ કરી. આ પૈસા વડે બાયોકોન રિસર્ચ અને ડેવલપમેન્ટનું વિસ્તરણ કરી શકી. 1989માં બાયોકોન પ્રોપરાઇટરી ટેક્નોલોજી માટે યુએસનું ફંડિંગ મેળવનાર પહેલી ભારતીય બાયોટેક કંપની બની.
1990માં કિરણે મોલેક્યુલર ઇમ્યુનોલોજી સાથે સંયુક્ત સાહસ રચીને બાયોથેરાપેટિક્સની એક રેન્જનું ઉત્પાદન અને માર્કેટિંગ કરવા માટે બાયોકોન બાયોફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમીટેડની શરૂઆત કરી.
5_1427103968
સ્વતંત્ર કંપની બનવા તરફ
1989માં યુનિલીવરે બાયોકોન બાયોકેમિકલ્સને લેસ્લી ઓચિન્ક્લોસ પાસેથી ખરીદી લીધી. યુનિલીવર સાથેની હિસ્સેદારીની મદદથી બાયોકોન વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પ્રક્રિયાઓ અને ગ્લોબલ સિસ્ટમ્સ પ્રસ્થાપિત કરી શકી. પણ 1997માં યુનિલીવરે બાયોકોન સહિતનાં તેનાં સ્પેશ્યાલિટી કેમિકલ્સ ડિવીઝનને ઇમ્પિરીયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને વેચી દીધું.
કિરણ મજુમદારની જેમની સાથે સગાઇ થઇ હતી તે સ્કોટલેન્ડનાં જ્હોન શો એ ઇમ્પિરીયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેલા બાયોકોનનાં બાકી શેર્સ ખરીદવા માટે 1998માં વ્યક્તિગત રીતે 20 લાખ ડોલર એકત્ર કર્યા. બંન જણા 1998માં પરણી ગયા, ત્યારબાદ કિરણ બની ગયા કિરણ મજુમદાર શો.જ્હોન શો ત્યારબાદ બાયોકોન સાથે જોડાયા અને 2001માં કંપનીનાં વાઇસ ચેરમેન બની ગયા.
2004માં નારાયણ મૂર્તિની સલાહ લઇને કિરણે બાયોકોનનું લિસ્ટિંગ શેર બજારમાં કરાવવાનું નક્કી કર્યું.
તે મૂડી એકત્ર કરીને કંપનીનાં રિસર્ચ કાર્યક્રમને આગળ વધારવા માગતા હતા. બાયોકોન આઇપીઓ લાવનારી ભારતની પહેલી બાયોટેક્નોલોજી કંપની હતી.
બાયોકોનનો આઇપીઓ 33 ગણો ભરપાઇ થયો અને શેરબજારમાં પહેલા જ દિવસે તેની માર્કેટ વેલ્યુ 1.11 અબજ ડોલર થઇ. જેના પગલે લિસ્ટિંગના પહેલા જ દિવસે એક અબજ ડોલરનો આંક વટાવનાર તે બીજી ભારતીય કંપની બની રહી.
cancer_485211f
એફોર્ડેબલ ઇનોવેશન
મજુમદાર શો એફોર્ડેબલ ઇનોવેશનમાં માને છે, તેમનું માનવું છે કે વિકસતા દેશોમાં વૈકલ્પિક દવાઓ સસ્તામાં મળવી જોઇએ. આ માટે ખર્ચ ઓછો કરતી ટેક્નિકનો ઉપયોગ તેઓ કરે છે.
બાયોકોન હાલમાં કેન્સર,ડાયાબિટિસ અને ચામડીનાં રોગો સહિતનાં અન્ય ઓટો ઇમ્યુન રોગોની દવાઓ પર વધુ રિસર્ચ કરી રહી છે.2011ની માહિતી પ્રમાણે બાયોકોન તેની આવકનો 8 ટકા હિસ્સો રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરે છે, જે કોઇ પણ ભારતીય ફાર્મા કંપની કરતા વધારે છે. રિચર્સનાં પરિણામે બાયોકોને પેટન્ટ માટે 950 જેટલી અરજીઓ કરેલી છે.