બોરસળીનો પંખો

14:49 Posted by Chandsar
મ્હોરની હું માળા ગૂંથતી હતી.
ઉપર વિશાળું વૃક્ષ હતું. ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી હતી.
મ્હને શી ખબર કે એને બકુલનું ઝાડ કહેતા હશે? હું કાંઇ સંસ્કૃત કાવ્યો ભણી ન્હોતી. ને સંસ્કૃત કાવ્યો ભણેલાં-કે સંસ્કૃત પ્રોફેસરો યે સંસ્કૃત સાહિત્યમાંનાં કેટકેટલાંક ફૂલછોડને ઓળખે છે? હું કોઈ સાક્ષરની સગી ન્હોતી કે લોક માને કે મ્હને આવડે છે.
પછી ઘણે વર્ષે મ્હેં જાણ્યું કે આવડત પાનાંપુસ્તકમાંથી નથી આવતી, આવડત અનુભવથી આવે છે.
બેએક વરસાદ વરસી ગયા હતા. ધરતીને ઠારી યે હતી ને સન્તાપી યે હતી. તપેલી કથરોટને છાંટણાં છાંટે ને છણછણે, એવી ધરતી છંટાઈને છણછણતી.
મનની મનોવાસના યે એવી નથી? છાંટિયે તેમ તેમ ઝાળ બમણી ભભૂકતી નથી? લખતાં શીખ્યા પછી હું લખું છું તેમ તેમ બમણું લખવા મન થાય છે: જાણે બધું યે હૈયું ઠાલવી નાંખું ને પરમેશ્વરથી યે સંસારને સોહામણો સરજું.
ત્ય્હારે હું પહેલે જ આણે આવી હતી, ને આવ્યે બે-એક રાત્રીઓ વીતી હતી. એ રાત્રીઓ પૂર્ણિમાની યે ન્હોતી, કે બીજની યે ન્હોતી: આઠમની હતી. અડધેરૂંક અન્ધારિયું ને અડધેરૂંક અજવાળિયું: એવી એ રાત્રીઓ વીતી હતી.
ને પછી?
અજવાળિયાની એ અડધી રાત ગમી; પણ અન્ધારિયાની અડધી રાત અમને ન્હોતી ગમી અમને ન્હોતી ગમી.
અન્તરનું કે બહારનું અન્ધારિયું કોઇને યે ગમે છે કે અમને ગમે?
ચન્દ્ર પૃથ્વીને ચન્દ્રિકા ઢોળતો એમ એમણે મ્હારા ઉપર ઉરની ચન્દ્રિકા ઢોળી. ત્હો યે મ્હને તો ઉણપ જ ભાસતી: કંઇક મંહી અધૂરૂં-અધૂરૂં લાગતું. દુનિયા યે આજ અધૂરી લાગે છે ને?
ત્ય્હારની અમારી દુનિયા યે મ્હને અધૂરી-અધૂરી લાગી. કલ્પનાની ને આશાની આંખડીએ દુનિયાને હું દેખવા ગઈ-ને ભૂલી. નાટકોમાં જોયું હતું, સચિત્ર માસિકોની નવલિકાઓમાં વાંચ્યું હતું એવું જગત ન ઝંખાણું. યૌવનની મ્હારી કલ્પનાએ સરજેલા હવામહેલો જેવો સંસાર મ્હેં ન દીઠો. મ્હારા મનને ઓછું આવ્યું. ને એ કાંઈક એમણે જોઇ લીધું હોયે ખરૂં.
ઘરકામથી પરવારીને પાછલે પહોરે આંગણાંમાં હું બેઠી હતી. બારણામાં એક વૃક્ષ હતો તે મ્હારા ઉપર મ્હોર વરસતો. આંબામ્હોર જેવા આંગણઢળ્યા એ મ્હોર હું વીણતી ને માળા ગૂંથતી.
તે દિવસે ઘામ વધારે હતો. દેહે પરસેવાનાં બિન્દુ ટપકતાં. આંખો યે ટપકું ટપકું થતી. ઉરમાં ને જગતમાં તે દિવસે ઘામ વધારે હતો.
મ્હારી યૌવનની આંખોએ સંસારની કવિતા નિરાળી નિરખી. મ્હેં માન્યું'તું જૂદું ને દીઠું જૂદું. હું ઉછરી'તી નિરાળાં ફૂલોની ફૂલવાડીમાં. સંસારની ફૂલવાડીનાં ફૂલોના રંગ ઉપટેલા ને ફોરમ ફીક્કી મ્હને ભાસી. મળેલી સુગન્ધનું નહિ, મળેલી સુગન્ધમાંની ઉણપનું ચિન્તવન ચિન્તવતી દુઃખિયારી શી હું બેઠી હતી.
ત્યહારે મ્હારી દૃષ્ટિને સંસાર કવિતા જેવા ન્હોતા દીસતા. નાટકોમાંનાં રસરસિયાં મ્હને ઝાકઝમાળ ભાસતાં, સંસારમાંનાં રસરસિયાં મ્હને ઝાંખપઓઢ્યાં દેખાતાં. મ્હને ત્ય્હારે ખબર ન્હોતી કે નાટકોની રંગભૂમિ ઉપર તો ઘણુંખરું ભાયડે ભાયડા એ પ્રેમલીલાના ખેલ ભજવે છે.
હું તો આસપાસ જોતી ને ઓછું આણતી.
એવે મ્હારા ખોળામાં ઓળો પડ્યો: જાણે ઉડતા ગરુડની છાયા. પાછું વાળી જોઉ-ન જોઉ ત્ય્હાં તો મ્હારી નેત્રપાંદડીઓ ચંપાઇ. સફાળી હું બોલી ઉઠી: 'નાથ.'
ક્ષણેક તો મ્હને યે લાગ્યું કે કવિતાની રસવેલીઓ પણ સંસારની ધરતીમાંથી જ ઉગે છે.
મ્હને આંસુ આવી ગયાં. એમાં આનન્દના યે અશ્રુઓ હતાં, ને હૈયાના ઓગળી જતા હૈયાભારનાં યે અશ્રુઓ હતાં.
નાથે કહ્યું: ઘેલી ! સંસાર ને કવિતા નિરનિરાળાં હશે ત્હો યે બન્નેમાં વહતી રસસેર એક જ છે: આંબાનાં મ્હોર ને કેરીની પેઠમ. મ્હોર ખાધે તૂરા લાગે; ને કેરીઓ ખાટ્ટી યે હોય ને મીઠ્ઠી યે હોય.
મ્હેં કહ્યું'તું ને કે એ કદાચ મ્હારૂં મનદુઃખ જાણી ગયા હોય.
મ્હેં રસવિવેકનો ઉત્તર વાળ્યો: ત્હો ય મ્હોર ને કેરી બન્ને યે આંબાનાં સ્તો? એ મ્હોરની માળા અત્ય્હારે ગૂંથી રહી છું - ત્હમારે કાજ.
એ મ્હારી બીજી ભૂલ હતી. વસન્ત ઉતર્યે મ્હોર માઠા હોય અનું ભાને હું તો ભૂલી ગઈ હતી.
એમણે મ્હારી ભૂલ ભાગી: આ મ્હોરની ઋતુ યે નથી, ને આ આંબા મ્હોરે નથી. આંગણું ભરી છાયા ઢાળતો આ આંબો નથી, બોરસળી છે; ને આ બોરસળીનાં ફૂલ છે. માળા નહિ, પંખો ગૂંથ આ બોરસળીનાં ફૂલનો.
એમ શાને કહો છો જે? મ્હેં પૂછ્યું.
તું નથી જાણતી માટે. એક તો; મ્હારે એકલપેટાએ એ માળા પહેરવી નથી. પરિમલપંખાળો પંખો મ્હને ને ત્હને બન્ને યે તપ્યાંને ટાઢક ઢોળશે. ને બીજું : કરમાશે ત્ય્હારે ત્ય્હારે નીર છાંટીશું એટલે સંજીવની સરખાં નીર કરમાયેલાં ફૂલડાંને પાછાં સજીવન કરશે ને પમરાવશે. કરમાયેલી કાયા ફોરે કાંઇ? કરમાયેલાં ફૂલડાં યે સજીવન થાય એ તો બોરસળીનાં.
હું ઉછળી ને ઉઠી. મ્હેં કહ્યું: જીવ એવો છે ને જીવને એવું છે: સંસારે એવો છે ને સન્તો યે એવા છે. આંગણે આંગણે આ ફૂલઝાડ રોપાવોને? ઘડીએ ને પલકે સંસાર કરમાય છે તે સંજીવન પીતાં શીખે.
હું જાણતી નથી કે સંજીવની કેવી હશે. સંસ્કૃતના પ્રોફેસરોએ એ દીઠી ને ઓળખી હોય તો ભલે. પણ અનુભવવાને ઓછું જ જોવું પડે છે? વણદીઠા વાયુ નથી અનુભવાતા ? - મ્હારા યે આત્માને ત્ય્હારે સંજીવિની છંટાઇ. અને આજ આટાઅટાલે વર્ષે જ્ય્હારે જ્ય્હારે કદિક હવે કરમાઉ છું ત્ય્હારે ત્ય્હારે એ બકુલના વૃક્ષ નીચે બેસું છું, સંજીવિની શોધું છું, ને પામું છું.
સમ્જીવિની આત્મા જેવી હશે? દેખાય નહિ ત્હો યે અંગમાં નિત્યે વસેલી?