આ પ્રાચીન વાર્તા છે. તે સમયમાં ભારતમાં
રાજા રજવાડાનું રાજ ચાલતું હતું. રાજાઓને શિકાર કરવાનો એક શોખ હતો. જાત
જાતના કામકાજના ભારથી થાકેલા રાજાઓ વચ્ચે વચ્ચે જંગલમાં ફરતા અને
પશુ-પક્ષીના શિકાર કરીને મનને હળવું કરતા. ત્યારે અરણ્યમાં કેવળ વન્ય
જીવજંતુનો વસવાટ જ ન હતો. તે બધા હિંસક પ્રાણીઓ સાથે સાધુ મહાત્માઓ
રહેતા. તેઓ અરણ્યમાં તપસ્યા કરતા. વનનાં ફળમૂળ તેમનો આહાર હતો. તેમના
મનમાં પ્રશાંતિ વિરાજતી. વૈરવિહીન મનમાં કોઈપણ જીવજંતુ પ્રત્યે કોઈ
હિંસા-દ્વેષ ઉદભવતો નહિ- તેઓ તો ચિંતન કરતા જગતના કારણ સ્વરૂપ ઈશ્વરનું અને
સૃષ્ટિના વૈચિત્ર્યમાં સર્વમય ભગવાનનો પ્રકાશ જોઈ શકતા.
રાજાઓ જ્યારે શિકાર કરવા જતા ત્યારે
સાધુઓના આશ્રમમાં જતા. કોઈ જાતનો ઉપદ્રવ છે કે નહિ તે અંગે કુશળ પ્રશ્ન
પૂછતા – આ પ્રકારે સાધુઓ સાથે રાજાઓનો પારસ્પરિક શ્રદ્ધા – સન્માનનો સબંધ
હતો. રાજા અને તેની પ્રજાને તપસ્વીઓના તપોભાગનું પરમ પુણ્યફળ મળતું.
સમાજના જીવનપ્રવાહને સ્પર્શી રહેતો આધ્યાત્મિક જીવનનો અમૃત પ્રવાહ !
એવી એક વાર્તા છે. એક રાજા હતા. તે
કેટલાક યુવાનોને સાથે લઈને શિકાર કરવા આવ્યા છે. તેજી ઘોડા પર તેઓ સવાર
થયા છે. સાથે કેટલાક દિવસો સુધી ચાલે તેટલી ખાદ્યસામગ્રીની પાલખી છે.
કેટલાક દિવસો શિકારની મઝામાં તેઓએ વિતાવ્યા. ખાસ કરીને અરણ્યનું લીલુંછમ
પર્યાવરણ, પક્ષીઓનો કલરવ, રાત્રીના નિસ્તબ્ધ અંધકારમાં એક વન્ય જીવનની
અનુભૂતિ! અહીં સલામતી નથી પરંતુ સ્વતંત્રતા છે. હવે પાછા ફરવાનો સમય થયો
છે. રાજાને સુખ આપવા ઈચ્છાતા વફાદાર સાથીઓ કથાન પરિશ્રમ કરે છે. પોશાક
મલિન – ધૂળવાળા થયા છે. રાતનો ઉજાગરાને લીધે આંખો લાલચોળ છે. કાચું માંસ
શેકીને અથવા ફળમૂળ ખાઈને કેટલા દિવસ રહી શકાય? અને મૃગયાનો છેલ્લો દિવસ
હતો. તેઓ એક વનમાંથી બીજા એક ગાઢ જંગલમાં જાય છે. ચાલતાં ચાલતાં કોઈ એક
વૃક્ષની નીચે થાકીને વિશ્રામ કરવા બેઠા. ઘોડાઓને ચરવા માટે છોડી મૂક્યા.
થોડીવાર પછીએ એક માણસને યાદ આવ્યું કે ઘોડાઓની ઉપર કોઈ નિશાની નથી તે ક્યાં
જતા રહ્યા? શોધખોળ નિષ્ફળ ગઈ. બહુ શોધખોળ કર્યા બાદ પણ ઘોડા મળ્યાં
નહિ. તે દિવસે વળી બધાંને કંઈ આહાર પણ ન મળ્યો. ફળમૂળ શોધતાં શોધતાં માંડ
માંડ વનનાં કેટલાંક ફળ મળ્યાં. ફળ તદ્દન અજાણ – નામ ગોત્ર વગરનું, છતાં ય
ભૂખ્યા મોંમાં અમૃત જેવાં લાગ્યાં. રાજા અને સાથીદારોએ બધાં ફળ આરોગ્યા.
ત્યાર પછી તેની પ્રતિક્રિયા શરૂ થઇ. બધાને ઉલટી થવા માંડી અને માથું ભમવા
લાગ્યું. કોઈને ચાલવાની શક્તિ જ ન રહી. ખાસ કરીને રાજાનું શરીર એટલું
અસ્વસ્થ હતું કે તેમના હાથ પગ ઢીલાઢફ થઇ ગયા. ઘોડાઓ પણ ક્યાંય ભાગી ગયા
છે. રહી છે માત્ર પાલખી. કેવી રીતે રાજધાનીમાં પાછા ફરવું એ જ બધાને
ચિંતા છે. ગમે તે ઉપાયે રાજાને નગરીમાં પહોંચાડવા પડશે. તેથી બધા
ચિંતામાં પડી ગયા. એક સાથીદારે કહ્યું : ‘આપને મહારાજને એક પાલખીમાં લઇ
જઈશું. પરંતુ પાલખી ઉપાડવા માટે હજુ એક સ્વસ્થ માણસ ખૂટતો હતો. આવા ગાઢ
જંગલમાંથી માણસ ક્યાંથી મળે? છતાં ય મનમાં આશા હતી.સાથીદારો ચોથા માણસની
શોધમાં નીકળી પડ્યા. ગાઢ વનમાં તેઓ ચાલ્યે જાય છે. ઘણો એવો માર્ગ પસાર
કર્યો ત્યારે અચાનક એક વિશાળ તળાવને જોયું. કમળપત્રો પ્રસ્ફૂટિત થયાં છે.
ચારેકોર સુંદર વિશાળ વૃક્ષો છે. સ્નિગ્ધ સુંદર વાતાવરણ છે. એક સાથીદાર
બોલ્યો : જુઓ, અહીં વન્ય પશુઓ પાણી પીવા આવે. આપને રખેને, તેનો કોળિયો ન
થઇ જઈએ. તો પણ તેઓ હિંમત કરીને તળાવ તરફનાં પગલાં જોઈને ચાલવા લાગ્યા.
તેમણે નિરીક્ષણ કર્યું કે આ તો માણસનાં પગલાં છે. તો પછી શું આસપાસમાં જ
કોઈ માણસ રહે છે? અચાનક થોડે દૂર નજર પડતાં જ તેઓ આનંદથી બોલી ઊઠ્યા :
સામે એક કૂટિર છે. ખરેખર, ખજૂરનાં પાંદડા પાથરીને એક સુંદર કૂટિર બનાવેલી
છે. ચારેકોર ફૂલના છોડ પણ છે. અચાનક કુટિરનો દરવાજો ખુલી ગયો. તેઓએ
જોયું કે સામે એક વનવાસી સાધુ ઊભા છે. દીર્ઘકાય, મોઢા પર દાઢી અને બંને
આંખો કેવી ઉજ્જવળ ! જાણે તેમની સામે જોઈ શકાય નહિ. તદુપરાંત મોં પર
પ્રસન્ન હાસ્ય. માઠા પર જટા પણ છે.
બધાએ સાધુને આનંદથી પ્રણામ કર્યા. મનમાં
આશા રાખે છે કે આમની સહાયથી જો રાજાને વનમાંથી બહાર લઇ જઈ શકીએ તો ગંગ
નાહયા. પરંતુ પાલખીની વાત સાધુને કઈ રીતે કહેવી ? સાધુને તો પાલખી
ઉપાડવાનું ન કહી શકાય. એમ કહેવું તો અપરાધ ગણાય. વળી રાજા એ વાત જાણે તો
ધડથી માથું ઉડાવી દે. પરંતુ સાધુએ સામે ચાલીને જ પૂછ્યું : ‘શું વાત છે
ભાઈ? કોઈ જાતની દ્વિધા ન રાખો. મને બધી વાત કહો.’ સાધુના કંઠ-સ્વરમાં એક
ગજબનો જાદુ છે. તેઓએ કડી આવો ગંભીર, મૃદુ સ્વર સાંભળ્યો ન હતો. ન છૂટકે
તેઓ બોલ્યા : દેશના રાજા અમારી સાથે આવ્યા છે. વનફળ ખાવાથી તેઓ બધા કરતાં
વધારે અસ્વસ્થ થઇ ગયા છે. તદુપરાંત અમારા ઘોડા અચાનક ક્યાંક નાસી છૂટ્યા
છે. અમારાં અહોભાગ્ય કે અમે આવી વિપત્તિમાં આપનાં દર્શન પામ્યા. આપ અમને
આશીર્વાદ આપો કે અમે કોઈપણ મુશ્કેલી વગર રાજાને મહેલમાં લઇ જઈ શકીએ.
અરે, એમાં આટલા ગભરાવ છો શા માટે?
પાલખીમાં રાજાને લઇ જવા તૈયાર થાવ. તમે ત્રણ જણા તો છો, હું હોઠો તમારી
સાથે રાજાને ઊંચકીને મહેલમાં લઇ જઈશ.
ના, ના મહારાજ ! આપને અમે પાલખી ઉપાડવા
ન દઈ શકીએ. એમ કરીએ તો મોટો અપરાધ થાય અને જ્યારે રાજા જાણશે ત્યારે તેઓ
પણ અમને આ કામ માટે સજા આપશે. ત્યારબાદ સાધુના મુખ પર હાસ્ય છવાઈ ગયું.
તેમની બંને આંખોમાં કેવો પ્રેમ અને કરુણા ! તેઓ બોલ્યા : તમારે કોઈ બાહ્ય
રાખવાનો નથી. હું તો સ્વેચ્છાએ તમને સહાય કરવા આવ્યો છું. ચાલો, રાજા
પાસે લઇ જાવ.
રાજા એટલા બધા અસ્વસ્થ હતા કે ચાર જણા
પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા ત્યારે તેમને આંગતુકની તરફ જોવાની પણ શક્તિ ન
હતી. તેથી સાથીદારો આવી સ્થિતિમાં રાજાની પાલખી લઈને રવાના થયા. લગભગ સમી
સાંજે સાથીદારોએ એક વૃક્ષની નીચે પાલખી મૂકી. બધા થાકેલા અને ભૂખ્યા પણ
છે. સાધુનું મુખ શાંત છે. અને તેમના ચહેરા પર પરમ શાંતિ અને તૃપ્તિ છે.
તેમણે કહ્યું : આગળ જાવ –ફળ મળશે. ત્યારબાદ તેઓ આગળ ગયા અને તેમણે એક
આંબાનું જાળ ફળોથી ભરપૂર જોયું. મન ભરી તેમણે આનંદપૂર્વક ફળ પાડ્યાં અને
રાજાને ખવડાવી પોતે પણ ખાધાં. બધા ઝાડ નીચે સૂતા અને થોડીવારમાં ઘસઘસાટ
ઊંઘી ગયા. સાધુ આ બધાંને જુએ છે. સાધુએ એક કેરી ભગવાનને નિવેદન કરી અને
પોતે પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યારબાદ સાધુ ઝાડ પાસેની એક શિલા પર બેઠા.
સૂતેલા લોકોનો પહેરો બહ્રવો પડશે. જોતજોતામાં રાત્રિનું અંધારું છવાઈ
ગયું. નિસ્તબ્ધ અરણ્યમાં કોઈ જાતનો આવાજ નથી. સાધુ ધ્યાન-મગ્ન. તેમની ચોપાસ
જાણે આનંદની શીળી છાયા-તેમાં રાજા ને સાથીદારો નિરાંતે ઊંઘી રહ્યા છે.
સાધુની ચેતના અંતર્મુખ છે. સર્વવ્યાપી, અન્તર્યામીએ જાણે આ ગાઢ વનમાં
પોતાની ચૈતન્યરૂપી શય્યા બિછાવી છે ! મહાચૈતન્યનો પ્રકાશ આ વિરાટ
પ્રકૃતિમાં અને સૃષ્ટિની જીવસૃષ્ટિમાં પથરાયો છે. આટલાં વર્ષો બાદ આ
સાધકને વિરાટના ધ્યાનમાં. જે સર્વ, સર્વત્ર પરિવ્યાપ્ત આકાશ જેવા છે,
પ્રત્યેક જીવમાં જેનો વાસ છે તે બધું ગોચર થયું. આજ આટલા દિવસો પછી તેમને
જીવનમાં સેવા કરવાનો એક અમૂલ્ય અવસર મળ્યો છે. મનમાં અહોભાવ છે. આહા !
હું ધન્ય છું. જીવસ્વરૂપે તમારી સેવા કરી શક્યો. એમાં કેવો આનંદ છે!
ધ્યાનની સાથે સેવા પણ થાય ત્યારે જ ચિત્તની પરિપૂર્ણતા!
ધીમે ધીમે સવાર થયું. સાધુના કંઠમાંથી
મધુર ગંભીર સ્વરમાં વેદના મંત્ર ‘પુરુષ સુક્ત, પુરુષેવેદમ્ સર્વમ્ ‘ ‘તે જ
પૂર્ણ આ સર્વત્ર વ્યાપીને બધું ઢાંકી રાખે છે. તેની સિવાય બીજું કશું
નથી.’ રાજા અને તેમના સાથીદારોની ઊંઘ એક અપૂર્વ વેદ ધ્વનિથી ભાંગી. રાજા
અચાનક ઊઠ્યા. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા. સાથીદારો પ્રત્યે રાજાએ પ્રશ્ન
કરતી દ્રષ્ટિથી જોયું. સાથીઓએ ડરતાં ડરતાં કહ્યું : કે મહારાજ ચોથા
પાલખીવાહક એક મહાત્મા છે. તેઓ વેદગાન કરે છે.
-એ વળી શું ? તમે લોકોએ ભયંકર અન્યાય
કર્યો ? રાજાએ સ્વયં ઊઠીને મહાત્માને સાષ્ટાંગ પ્રણામ કર્યા . હાથ જોડીની
કહ્યું : મહારાજ, હું મહાઅપરાધી છું. મારા સાથીદારોએ આપની પાસે પાલખી
ઉપડાવી છે અને તે માટે હું જ જવાબદાર છું.
ના – ના એ લોકોએ મને કહ્યું નથી. મેં સ્વેચ્છાએ મારા સાધુવ્રતનું આનંદથી પાલન કર્યું છે.
કેવું વ્રત મહારાજ ?
સાધુનું વ્રત. એક દિવસ જ્યારે સંસાર
છોડીને આવ્યો ત્યારે વિચાર્યું હતું કે સંસારમાં સમ્ જ સાર. મહામાયાથી પર
એટલા દિવસોથી વનમાં છું. સર્વવ્યાપી સચ્ચિદાનંદના ધ્યાનમાં જ આનંદથી મન
રહું છું. આ વ્રત છે પરંતુ તે જ માયામુક્ત સત્તા જીવજગતમાં પણ વ્યાપ્ત છે
તેની સેવા તો કોઈ દિવસ કરી નથી. રાજા મેં આપનું વાહન કર્યું, જેથી મારા
અંતરતમ, અંતરયામીને આપના રૂપમાં મેં વહન કર્યા છે. હવે સંસાર મારી પાસે
‘સમ સાર’ સાર વસ્તુ છે. તે સિવાય કશું જ નથી. આ તો મારી સાધનાનો એક મહાન
અવસર હતો. આપના ઘોડાઓ આપની રાજધાનીમાં પાછા ફર્યા છે. હવે લોકો આપણે
શોધતાં શોધતાં અહીં આવશે. હવે હું જાઉં છું, રાજા. નિમિશ માત્રમાં સાધુ
વનના માર્ગે જતા રહ્યા. રાજા વિચારવા લાગ્યા : ‘ એ તો બરાબર છે. ઈશ્વર જ
બધું છે. ઉચ્ચ – નીચનો વિચાર કરીને હું પોતાને અલગ કરું છું. પેલા સાધુની
માફક પ્રસ્તરિત થઇ શક્યો નથી. સાધુસંગથી રાજાની આંખો ખુલી ગઈ. આટલા દિવસો
સુધી હું જ રાજા જ હતો. હવે ઋષિના પાઠ શીખવા પડશે.