મેં સાંભળ્યું છે કે તમારા મૃતદેહની બાજુમાં મૂકવા અદ્ભુત ખજાનો છે!

15:41 Posted by Chandsar
ઇજિપ્તની સંસ્કૃતિએ હજારો વર્ષથી આખા વિશ્વને આર્કિષત કર્યું છે. આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વ ઇજિપ્તના રાજા ફેરો તરીકે ઓળખાતા. કેટલાક ફેરોઝ પોતાને ’લીવિંગ ગોડ’ તરીકે ઓળખાવતા. નાઇલ નદીના કિનારે ખીલેલી ઇજિપ્તની સંસ્કૃતિ ગ્રેટ પિરામિડ્સ અને સ્ફિન્ક્સથી જાણીતી છે. પિરામિડ્સ આજે પણ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક અજાયબી ગણાય છે. ઈસુના જન્મના પણ અઢી હજાર વર્ષ પૂર્વે ઇજિપ્ત પર રાજ કરતા ફેરોઝ માનતા કે મૃત્યુ પછી પણ બીજું જીવન છે. પુનર્જન્મ થશે ત્યારે એમના જ મૃતદેહો ફરી સજીવન થશે અને તે હેતુથી મૃતદેહોમાં મસાલા ભરી તેમને પિરામિડ્સની ભીતર ગુપ્ત ચેમ્બરમાં સાચવી રાખવામાં આવતા. બીજા જીવન વખતે પણ તેમનું ઐશ્વર્ય જળવાઈ રહે તે માટે પિરામિડ્સની ગુપ્ત પણ ભવ્ય ચેમ્બરમાં મૃતદેહોની સાથે અઢળક ધન, સોનું-ચાંદી, ઝવેરાત છુપાવી રાખવામાં આવતું.

આવા જ બીજા જીવનની માન્યતા ધરાવતા ઇજિપ્તના રાજા ખુફુની કહાણી રસપ્રદ અને નાટયાત્મક ઘટનાઓથી ભરપૂર છે. પ્રાચીન ઇજિપ્તનો ફેરો ખુફુ પણ જીવતેજીવ તેના બીજા જીવન માટે એક ભવ્ય પિરામિડ અને તેની અંદરની ગુપ્ત ચેમ્બરમાં તેની કબર તૈયાર કરાવવાની ઇચ્છા ધરાવતો હતો. એ જમાનામાં ચોરો પણ ઘણા હતા. મૃત્યુ પામેલા ફેરોના મમીની સાથે જ છુપાવવામાં આવેલા ખજાનાને ચોરો ચોરી જતા હતા. કોઈ પણ ચોર આ ગુપ્ત ચેમ્બરમાં પ્રવેશી જ ન શકે તે માટે ફેરો ખુફુએ તેના સ્થપતિઓને કદી ચોરી ન થાય તેવી સિક્રેટ ચેમ્બરવાળા પિરામિડની ડિઝાઇન તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. ફેરો ખુફુએ તેના કેટલાક સ્થપતિઓએ તૈયાર કરેલાં પિરામિડ્સનાં મોડલ્સ જોયાં, પરંતુ તેનાથી તેને સંતોષ ન થયો.
એ વખતે ફેરોના શાસન હેઠળ હજારો ગુલામો પણ તેના રાજ્યમાં હતા. ગુલોમાના એ ટોળાંમાં વસ્થાર નામનો એક ગુલામ પણ કુશળ સ્થપતિ હતો. ફેરોના વફાદાર સાથી હેમરે સૂચન કર્યું, “આપણા રાજ્યમાં વસ્થાર નામનો એક કુશળ સ્થપતિ છે. તેણે ભૂતકાળમાં બેહદ સુંદર ડિઝાઇન તૈયાર કરેલી છે.”
ફેરો ખુફુએ ગુલામ વસ્થારને બોલાવી તેનો મૃતદેહ અને તેનો ખજાનો ચોરી ન જાય તેવા સીલપ્રૂફ ચેમ્બરવાળા પિરામિડની ડિઝાઇન તૈયાર કરવાનું કામ સોંપ્યું. ગુલામ સ્થપતિ વસ્થારે ફેરોને એક ડિઝાઇનનો નમૂનો બતાવ્યો. એ ડિઝાઇન અદ્ભુત હતી. એક વાર ગુપ્ત ચેમ્બરમાં મૃતદેહ અને ખજાનાને મૂકી દેવામાં આવે તે પછી અંદરના પથ્થરો અને ઉપરના પથ્થરો વચ્ચેની જગા પૂરી દેવા માટે માટીના બનેલા એક પાત્રને હથોડાથી તોડી નાખવામાં આવે તો અંદર ભરેલી રેતી બહાર નીકળવા માંડે અને થોડીક જ ક્ષણોમાં સિક્રેટ ચેમ્બરની આસપાસના હજારો ટન વજનના પથ્થર આપોઆપ નીચે આવે અને ફેરોની કબર તથા ખજાનાવાળો આખો ખંડ ચારેબાજુથી સીલ થઈ જાય. અંદર રહેલા માણસોએ અંદર જ મૃત્યુ પામવું પડે.
ફેરો આ ડિઝાઇન અને કરામત જોઈ અભિભૂત થઈ ગયો. એણે ગુલામ સ્થપતિને ડિઝાઇન તૈયાર કરવા અને ડિઝાઇન પ્રમાણે પિરામિડ તૈયાર કરવાનું કામ સોંપ્યું. ગુલામ સ્થપતિએ પૂછયું, “બદલામાં મને શું મળશે?”
ફેરોએ કહ્યું, “બોલ, શું જોઈએ છે?”
“મારા માણસો જે તમારે ત્યાં ગુલામ છે તેમની આઝાદી.”
ફેરોએ કહ્યું, “દર વર્ષે હું હજાર હજાર ગુલામને મુક્ત કરીશ, પરંતુ પિરામિડ તૈયાર થઈ જાય તે પછી આ ડિઝાઇનની ગુપ્તતા જળવાઈ રહે તે માટે તારે પણ મૃત્યુ પામવું પડશે.”
ગુલામ સ્થપતિએ હા પાડી. કામ શરૂ થયું. પિરામિડ બાંધવા માટે દૂર દૂરની ખાણોમાંથી હજારો ટન પથ્થર લાવવાનું શરૂ થયું. એ પથ્થરો ખેંચીને લાવવા માટે હજારો ગુલામોને કામે લગાડવામાં આવ્યા. સ્થપતિ વસ્થારને એક પુત્ર હતો, જેનું નામ સેન્તા. પિરામિડ બનાવવાનું કામ કપરું હતું. જોતજોતામાં પંદર વર્ષ નીકળી ગયાં. ગુલામ સ્થપતિનો પુત્ર સેન્તા પણ યુવાન થઈ ગયો.
ફેરો ખુફુ પરિણીત હતો અને તેની પત્નીનું નામ નૈલા હતું. તેમને એક નાનકડો પુત્ર પણ હતો.
પિરામિડ બાંધવાનું કામ પૂરજોશમાં ચાલતું હતું. હજારો મજૂરોને પાળવા પોષવા પડતા. ફેરોનું ઘણું ધન વપરાઈ ગયું. વળી, હજુ બીજા અનેક મજૂરોની જરૂર હોઈ ફેરોએ તેના સામ્રાજ્ય હેઠળ આવતાં તમામ નાનાં રાજ્યો અને પ્રાંતોના વડાઓને પોતાના દરબારમાં બોલાવી મજૂરો અને સોના માટે માગણી કરી. ઘણા સૂબાઓ કંઈક ને કંઈક લઈને આવ્યા, પરંતુ એમાં એક અત્યંત સ્વરૂપવાન રાજકુમારી પણ આવી. એણે કહ્યું, “હું સાયપ્રસની રાજકુમારી નિલેફર છું. મારો પ્રદેશ ગરીબ છે. મારી પાસે તમને આપવા માટે સોનું નથી, તેથી હું જ તમારી સેવામાં આવી છું.”
પ્રિન્સેસ નિલેફર અત્યંત આકર્ષક, અત્યંત ચાલાક અને અત્યંત મહત્ત્વાકાંક્ષી હતી. એણે ફેરોના દરબારમાં જ ફેરોના અહંકારને તોડી નાખવા પ્રયાસ કર્યો. ફેરોએ તેને કોરડા ફટકારવાની સજા કરી. રાજકુમારી નિલેફરે હસતાં હસતાં એ સજા સ્વીકારી, પરંતુ રાત્રે એ કોરડાનો અવાજ સાંભળતાં ફેરોએ રાજકુમારી નિલેફરને પોતાના ખંડમાં બોલાવવા હુકમ કર્યો. રાજકુમારી નિલેફરના દેહ પર કોરડાના ઘા હતા, પણ તેનું માનુની સ્વરૂપ એવું ને એવું જ હતું. એક સ્વરૂપવાન સ્ત્રીના અહંકાર પર વારી જઈને ફેરો ખુફુએ રાજકુમારી નિલેફરને પોતાની બીજી પત્ની બનાવી દીધી.
ફેરોની બીજી પત્ની બનેલી નિલેફરે ધીમે ધીમે ફેરોનો વિશ્વાસ જીતી લીધો. એક દિવસ ફેરોને ખુશ કરીને ક્વીન નિલેફરે કહ્યું, “મેં સાંભળ્યું છે કે તમારા મૃત્યુ પીછી પિરામિડમાં તમારા મૃતદેહની બાજુમાં મૂકવા માટે તમારી પાસે અદ્ભુત ખજાનો છે. શું હું એ ન જોઈ શકું?”
ક્વીનની આ મીઠી વાણીમાં વ્યક્ત થયેલી વિનંતી ફેરોએ મંજૂર રાખી. વફાદાર સૈનિકોથી સુરક્ષિત એવો ગુપ્ત ખજાનો ફેરોએ ક્વીન નિલેફરને બતાવ્યો. નિલેફર સોના-ચાંદીનાં અલંકારો અને હીરા-માણેકથી બનેલા નેકલેસ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. આ ખજાનાની ભીતર પણ બીજો એક અંતરિયાળ ગુપ્ત ખંડ હતો. ક્વીને ફેરોને એ ગુપ્ત ખજાનો પણ બતાવવા વિનંતી કરી. ફેરો ક્વીન નિલેફરને ગુપ્તથી પણ અતિ ગુપ્ત ખજાનો બતાવવા અંદરના ભાગમાં લઈ ગયા. ક્વીનની તો આંખો જ ફાટી ગઈ. તેમાં હીરા-માણેકથી જડેલો એક નેકલેસ જોતાં જ ક્વીન નિલેફરે જાતે જ પોતાના ગળામાં પહેરી લીધો. એ જોઈ ફેરો ગુસ્સે થઈ ગયો. ફેરોએ ક્રોધ સાથે એ નેકલેસ કાઢીને જ્યાં હતો ત્યાં જ મૂકી દેવા હુકમ કર્યો. ક્વીને તેમ કરવા ઇન્કાર કર્યો ત્યારે ફેરોએ ખજાનાના સંરક્ષક દળના વડા ત્રેનેહને એ નેકલેસ ઉતારી એ જ્યાં હતો ત્યાં મૂકી દેવા હુકમ કર્યો.
ફેરોએ ખજાનાના ખંડમાંથી વિદાય લીધી, પરંતુ ક્વીન નિલેફરે ખજાનાના મુખ્ય સંરક્ષક ત્રેનેહને રાત્રે પોતાના મહેલમાં બોલાવ્યો. તેને વાઇન પીવડાવ્યો. પોતાની જાત ખજાનાના મુખ્ય સંરક્ષક ત્રેનેહને સુપ્રત કરી તેને પ્રણયપાશમાં લઈ લીધો. ક્વીનની નજર હવે ફેરોના સામ્રાજ્ય પર અને ફેરોના ખજાના પર હતી. તે હવે ફેરોની પહેલી પત્ની નૈલા અને તેના પુત્રની હત્યાની યોજના બનાવવા લાગી, જેથી ફેરોના મૃત્યુ બાદ પોતે અઢળક ધનસંપત્તિ અને ઇજિપ્તની સમ્રાજ્ઞાી બની શકે.
એક દિવસ ફેરો પિરામિડનું કામ પૂર્ણ થવાની અણી પર હતું ત્યારે તે તેની ગુપ્ત ચેમ્બરના નિરીક્ષણ માટે ગયો. તે વખતે હજારો ટન વજનના પથ્થરને ગોઠવવા જતાં એક અકસ્માત નડયો અને ગુલામ સ્થપતિ વસ્થારના પુત્ર સેન્તાએ ફેરોને બચાવી લીધો. તેને ગુપ્ત રસ્તે સેન્તા જ બહાર લઈ આવ્યો, પરંતુ ફેરોને ખબર પડી ગઈ કે, સ્થપતિનો પુત્ર પણ આ ગુપ્ત ચેમ્બરનું રહસ્ય જાણે છે તેથી તેણે હુકમ કર્યો, “હું મૃત્યુ પામીશ ત્યારે તારે પણ મૃત્યુ પામવું પડશે.” અલબત્ત, ગુલામ સ્થપતિના પુત્રએ તેનો જીવ બચાવ્યો હોઈ બીજું કંઈ માગવા કહ્યું. એ વખતે ક્વીન નિલેફર પણ ત્યાં હાજર હતી. તેની પાસે એક ગુલામ દાસી ક્યારા પણ હતી. કોઈ કારણસર ક્વીન નિલેફરે ગુલામ દાસીનું અપમાન કર્યું એટલે સેન્તાએ એ ગુલામ દાસી માગી લીધી.
હવે ક્વીન નિલેફરે ફેરોની પહેલી પત્ની અને તેના પુત્રની હત્યા માટે સાજિશ રચી. તેણે સર્પોના નિષ્ણાત મદારીને બોલાવ્યો. એક વિષધર કોબ્રાને વાંસળીની એક ચોક્કસ ધૂન પર છાબડીમાંથી તે બહાર આવે તે રીતે કોબ્રાને તાલીમ આપવા કહ્યું. તાલીમ એવી આપી હતી કે સંગીતની ધૂન બંધ થતાં તે ડંખ મારે, એ ધૂન ક્વીન નિલેફરે પણ શીખી લીધી. એક દિવસ તે ફેરોની પ્રથમ રાણીના મહેલમાં ગઈ અને પહેલી રાણી નૈલાના નાના પુત્રને વાંસળી ભેટ આપી એક ધૂન શીખવી. આ એ જ તર્જ હતી જે સાંભળતાં જ કોબ્રા છાબડીમાંથી બહાર આવે અને એ ધૂન વગાડનારની નજીક જઈ તેને ડંખ મારે. નાનકડો રાજકુમાર એ સરળ ધૂન શીખી ગયો. એ જ રાત્રે ક્વીન નિલેફરે કોબ્રાવાળી છાબડી ક્વીન નૈલાના ખંડની બારીમાં મૂકી દેવરાવી અને તેનું ઢાંકણું ખોલી દેવાયું. એ વખતે નાનકડો રાજકુમાર વાંસળી પર ક્વીન નિલેફરે શીખવેલી ધૂન બજાવતો હતો. એ સુરાવલીથી ટેવાયેલો કોબ્રા છાબડીમાંથી બહાર આવ્યો. બાળક હજુ વાંસળી બજાવી જ રહ્યું હતું. કોબ્રા બાળકની પાસે પહોંચી ગયો પણ બાળકનું તેની તરફ ધ્યાન નહોતું, પરંતુ તેની માતા એટલે કે ક્વીન નૈલા કોબ્રાને જોઈ ગઈ. એણે બાળકને વાંસળી બજાવતા જ રહેવા કહ્યું અને બાળકની બાજુમાં ફેણ માંડીને બેઠેલા કોબ્રા પર જ પોતાની જાતને પડતી મૂકી. કોબ્રા તેને ડસી ગયો. રાણી નૈલા તત્ક્ષણ મૃત્યુ પામી. રાજકુમાર બચી ગયો.
એ વખતે ક્વીન નિલેફરે એક બીજી સાજિશ પણ રચી હતી. દૂર રણમાં એક ટાપુ અઢળક ખજાનો છે તેવી ખોટી બાતમી ક્વીન નિલેફરે તેના પ્રેમી ત્રેનેહ મારફતે ફેરોને આપી હતી. ફેરો એ ટાપુ પર છાવણી નાખીને બેઠો હતો. ફેરોને પ્રથમ રાણીના સર્પદંશથી મૃત્યુના સમાચાર મળ્યા એટલે એણે ઇજિપ્તના બધા જ મદારીઓની શોધ માટે હુકમ કર્યો.
આ વાત જાણી ક્વીન નિલેફર ગભરાઈ ગઈ. એને ખ્યાલ આવી ગયો કે, મદારી પકડાતાં તે પણ પકડાઈ જશે. આ ડરથી પોતે પકડાઈ જાય તે પહેલાં જ ફેરોની હત્યા કરી નાખવા એણે પોતાના ગુલામ અંગરક્ષકને રણમાં રવાના કર્યો. એ વખતે ફેરો ખુફુ રણના એક ટાપુ પર હતો. પ્રથમ રાણીના મોતના સમાચારથી તે બહુ જ દુઃખી હતો. બીજા દિવસે વહેલી સવારે તેણે પાછા ફરવા નિર્ણય કર્યો હતો, પરંતુ એ રાત્રે જ રાણી નિલેફરના ગુલામ અંગરક્ષક રણમાં ફેરોની છાવણી પાસે પહોંચી ગયો. મોડી રાત્રે તે ફેરોના શયનકક્ષમાં પ્રવેશ્યો અને ફેરો પર ખંજરથી હુમલો કર્યો. ફેરો જાગી ગયો. એણે પણ પથારીમાં બાજુમાં જ પડેલા ખંજરથી રાણીના અંગરક્ષક પર વળતો હુમલો કર્યો. રાણીના ગુલામ અંગરક્ષકના પેટમાં ફેરોએ ખંજર ઘુસાડી દીધું. તે ઘાયલ થઈ પડી ગયો. ફેરોએ પૂછયું, “તને કોણે મોકલ્યો છે?”
એ પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં લોહીલુહાણ થઈ ગયેલો રાણીનો અંગરક્ષક મૃત્યુ પામ્યો. અલબત્ત, ગુલામ અંગરક્ષકનાં વસ્ત્રો પરથી ફેરોને ખ્યાલ આવી ગયો કે, આ ગુલામ રાણી નિલેફરનો જ છે. ફેરોએ સવારે જવાનો કાર્યક્રમ બદલી નાખી રાત્રે
જ રાજધાની તરફ જવા ઊંટ પર પ્રયાણ કર્યું.(ક્રમશઃ)