હું મુંબઈનો ખતરનાક ડોન ‘ભાઈ’ બનવા માગતો હતો

15:36 Posted by Chandsar
એ કહે છે : “એ દિવસોમાં હું આખો દિવસ મોજમસ્તીમાં પસાર કરી દેતો હતો. એ વખતે હું ફક્ત ૧૪ વર્ષનો હતો. અમે નાગપુરની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મારાં માતા-પિતા આખો દિવસ મજૂરી કરીને ઘર ચલાવતાં હતાં. જ્યારે હું મહોલ્લાના છોકરાઓ સાથે અહીં-તહીં રખડયા કરતો હતો. અમારી વસતીમાં બાળકો સ્કૂલમાં જતાં જ નહોતાં. એ બધાં તેમનાં માતા-પિતા સાથે ક્યાં તો મજૂરી કરવા જતાં અગર તો મારી જેમ આવારાગર્દી કરતાં. મારા ઘણા બધા મિત્રો નશો કરતાં થઈ ગયા હતા. બીજાઓને ડરાવવામાં અને રોફ મારવામાં એમને મજા આવતી હતી. અમે બધા મુંબઈયા ફિલ્મો જોયા કરતા હતા. ફિલ્મોના પરદે સિગારેટના ધૂમાડા કાઢતા ડોન જોવામાં મજા આવતી હતી.

અમારી વસતીની બહાર એક કોલેજ હતી. કોલેજની સામેની સડક પર અમારો અડ્ડો હતો. બધા જ ભાઈબંધો ત્યાં એકઠા થતા હતા. અમારી આદતો ખરાબ થઈ ચૂકી હતી. અમે બીજાઓને ડરાવીને પૈસા વસૂલવાનું કામ શરૂ કર્યું અને તે પૈસાથી નશો કરવા લાગ્યા હતા. મારા મનમાં હવે મુંબઈના ડોનની જેમ ’ભાઈ’ બનવાની આશા પેદા થઈ હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમારી વિરુદ્ધ નાનાં-મોટાં ગુના નોંધાઈ ચૂક્યા હતા. અલબત્તે, હજુ સુધી અમે એક પણ વાર જેલમાં ગયા નહોતા.
એક દિવસ અમે અડ્ડા પર બેસી ગપ્પાં મારી રહ્યા હતા તે વખતે કોલેજમાંથી એક માણસ અમારી પાસે આવ્યો. એણે અમને કહ્યું : “તમને અમારા સર બોલાવે છે.”
અમે ચોંકી જતાં પૂછયું : “સર ! કયા સર ?”
એણે કહ્યું : “અમારા એક સર કોલેજનાં છોકરાઓને રમત શીખવે છે એ તમને બોલાવે છે.”
અમે બધા કોલેજના સર પાસે ગયા. એમનું નામ હતું વિજય વારસે. એમણે અમને પૂછયું : “તમે લોકો ફૂટબોલ રમશો ?”
અમને એમની વાત અજબ લાગી. મારા એક મિત્રએ કહ્યું : “ક્યા પાગલ હો ગયે હો પ્રોફેસર ? તુમ કો પતા હી નહીં હૈં અપુન કૌન લોગ હૈ ?”
એ સમયમાં અમે બધા અમારી જાતને ’ભાઈ’ સમજવા લાગ્યા હતા. અમે એવું માનવા લાગ્યા હતા કે અમે ખતરનાક માણસો છીએ અને આસપાસના લોકો અમારા ખૌફથી ડરવા લાગ્યા હતા.
ખેર ! અમને બધાને અસમંજસમાં જોઈને પ્રોફેસરે અમને ફૂટબોલ આપતાં કહ્યું : “શું તમે આ બોલ રમશો ?”
અમે ભાવ ખાતાં કહ્યું : “એ તો ઠીક છે, પણ પૈસા કેટલા આપશો ?”
પ્રોફેસરે કહ્યું : “રોજના પાંચ રૂપિયા.”
હવે અમારા ચહેરા પર મુસ્કાન હતી. અમે પાંચ સાથીઓ હતા. અમે પ્રોફેસરના હાથમાંથી ફરી ફૂટબોલ લઈ હા પાડી. પ્રોફેસર અમને મેદાન પર લઈ ગયા. અમે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. દોઢ કલાક રમ્યા પછી અમે પ્રોફેસરની પાસે ગયા. એમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અમને પાંચ-પાંચ રૂપિયા આપી દીધા. પૈસા લઈને અમે ચાલવા માંડયું. પ્રોફેસરે કહ્યું : “કાલે ફરી આવજો.” એ દિવસે અમને સારું લાગ્યું. કોઈને ય ડરાવ્યા-ધમકાવ્યા વિના અમે થોડા પૈસા કમાયા હતા. એ એક સારો અનુભવ હતો.
બીજા દિવસે અમે ફરી રમતના મેદાન પર પહોંચી ગયા. હવે અમને ફૂટબોલ રમવામાં મજા પડવા લાગી. અમે રોજ ફૂટબોલ રમવા લાગ્યા. રોજ પાંચ-પાંચ રૂપિયા મળતા હતા. આમ ને આમ પંદર દિવસ વીતી ગયા, પરંતુ પંદર દિવસ બાદ અમે કોલેજ પહોંચ્યા તો પ્રોફેસર સાહેબે અમને ના પાડતાં કહ્યું : ”આજે આપણે ફૂટબોલની ગેમ રમવાની નથી !”
અમે પૂછયું : “કેમ ?”
એમણે કહ્યું : “આજે મારી પાસે પૈસા નથી.”
અમે પાછા જવા લાગ્યા એ દરમિયાન મારા એક મિત્રએ કહ્યું : “સર, પૈસા ના હોય તો કોઈ વાંધો નથી. કમ સે કમ અમને ફૂટબોલ તો રમવા દો. અમને રમવાનું મન છે.”
એમણે કહ્યું : “ઠીક છે. બોલ લઈ લો અને રમી લીધા પછી બોલ પાછો આપતા જજો.”
એ રીતે કેટલાક દિવસો સુધી અમે પૈસા લીધા વગર જ કોલેજના મેદાન પર જઈ ફૂટબોલ રમતા રહ્યા. એ પછી એક દિવસ પ્રોફેસરે અમને બોલ આપવાનો જ ઇનકાર કરી દીધો.
અમે અમારા અડ્ડા પર પાછા આવી ગયા. અમે ફરી લોકોને ડરાવવાનું, ધમકાવવાનું કામ શરૂ કરી દીધું. એક દિવસ મને એક પ્રોપર્ટી ખાલી કરાવવાનું કામ મળ્યું. હું પ્રોપર્ટી ખાલી કરાવવા ગયો. ત્યાં સામેવાળી પાર્ટીએ પણ અમારા જેવા દબંગ છોકરા તૈયાર રાખ્યા હતા. અમારી વચ્ચે ઝઘડો થયો. એ લોકો મારી પર તૂટી પડયા. મને બહુ ખરાબ રીતે મારવા લાગ્યા. એમની પાસે લાકડીઓ હતી. લાકડીઓ અને પથ્થરથી મને લોહીલુહાણ કરી દીધો. એ લોકોએ મારો પીછો કરવા માંડયો. હું ભાગી રહ્યો હતો. એક ચાલતી બસમાં હું ચડી ગયો. મારી પાસે એ ગુંડાઓનો સામનો કરવાની તાકાત નહોતી. હું પોલીસને ફરિયાદ કરવા પણ જઈ શકું તેમ નહોતો. પોલીસ સ્ટેશનમાં આમેય મારી સામે કેટલાક ગુના નોંધાયેલા હતા. મને સમજાતું નહોતું કે હું ક્યાં જાઉં ? ક્યાં છુપાઈ જાઉં ? મનમાં વિચાર આવ્યો કે કબ્રસ્તાનમાં જઈ સંતાઈ જાઉં. છેવટે હું કબ્રસ્તાનમાં જઈ છુપાઈ ગયો. કેટલાયે દિવસ કબ્રસ્તાનમાં જ છુપાયેલો રહ્યો. ભૂખ લાગતી ત્યારે બાજુમાં આવેલા એક મંદિરની બહાર ભિખારીઓની સાથે બેસી જતો અને ભક્તોનું વહેંચેલું અન્ન ખાઈ લેતો.
એ દરમિયાન એક વ્યક્તિની મારી પર નજર પડી. એ મને ઓળખતા હતા. તેઓ મને એક વકીલ પાસે લઈ ગયા. વકીલે કહ્યું : “તારે જેલમાં જવું પડશે. આ ભાઈ તને મદદ કરવા માગે છે.”
મેં કહ્યું : “આ કેવી મદદ ? મારે જેલમાં જવું પડે તે કોઈ મદદ થઈ ?”
વકીલે કહ્યું : “જો અખિલેશ ! આ રસ્તો મુશ્કેલ છે, પણ સાચો છે. તારી સામે કેટલાક ગુના નોંધાયેલા છે. તને જામીન મળી શકે તેમ છે. તે પછી તું સુંદર જિંદગી જીવી શકે તેમ છે.”
હવે મને પણ ખ્યાલ આવી ગયો કે ’ભાઈ’ બનવાનો રસ્તો કઠિન છે. હું પોલીસ સ્ટેશને ગયો. મેં મારી જાતને સરેન્ડર કરી. હું જેલમાં ગયો. થોડા દિવસ બાદ મને જામીન પર મુક્ત કરવામાં આવ્યો.
એક દિવસ મેં બે બાળકોને સાઈકલ પર જતાં જોયાં. તેમાંથી એકની પાસે ફૂટબોલ હતો. હું તેમની પાછળ પાછળ ગયો. તેઓ સામેના મેદાન પર ફૂટબોલ રમવા લાગ્યા. હું તેમને ધ્યાનથી જોઈ રહ્યો હતો ત્યાં જ અમને ફૂટબોલની ગેમ શીખવનાર પ્રોફેસર વારસે સાહેબ આવ્યા. તેમણે મને પૂછયું : “કેમ છે ?”
મેં કહ્યું : “સર ! બધું બરાબર નથી.”
એમણે કહ્યું : “ચાલો ઠીક છે. જ્યારે મન થાય ત્યારે તું અહીં ફરીથી ફૂટબોલ રમવા આવી શકે છે.”
હવે ફરીથી હું કોલેજના મેદાન પર જવા લાગ્યો. થોડા જ દિવસોમાં હું સારું રમવા લાગ્યો. ’ભાઈ’ બનવાની મારી ઇચ્છા ખતમ થઈ ગઈ હતી. હવે ફૂટબોલ સિવાય મને બીજા કશામાં રસ નહોતો. પ્રોફેસર વિજય વારસેએ મને વિધિવત તાલીમ આપવાનું શરૂ કર્યું. ગેમની તરકીબો શીખવી. તેઓ મારી રમતથી ખુશ હતા. તેમણે મને જિલ્લા સ્તરની ફૂટબોલ ટીમમાં સામેલ કરી દીધો. દરઅસલ એ બેસહારા અને ગરીબ બાળકોને રમતગમત પ્રત્યે આર્કિષત કરવાની યોજના હતી. એ યોજના પાછળ પ્રોફેસર વારસેનું જ દિમાગ હતું. ફૂટબોલ પ્રત્યે મારી દિલચશ્પી વધવા લાગી. જિલ્લા પછી મને રાજ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો. રાજ્યની ટીમ પછી મને રાષ્ટ્રીય ટીમમાં દાખલ કરવામાં આવ્યો. ફૂટબોલમાં મારું બહેતરીન પ્રદર્શન જોઈ આયોજકોએ મને રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ૨૦૧૦માં બ્રાઝિલ હોમલેસ ફૂટબોલ વર્લ્ડકપમાં હું ભારતીય ટીમનો કેપ્ટન હતો.
હું કાંઈ જ ભણેલો ન હોવા છતાં લોકો મને ’સર’ કહે છે તે મને સારું લાગે છે અને આજે હું ગરીબોની વસતીમાં તમામ બેસહારા બાળકોને કોઈપણ ફી લીધા વિના જ ફૂટબોલની તાલીમ આપું છું, જેથી કોઈ પણ બાળકના મનમાં ‘ભાઈ’ બનવાની ઇચ્છા પેદા ના થાય.”
અને અખિલેશ પોલ તેમની વાત પૂરી કરે છે.