એ બાળકો જાય છે કયાં ? ક્યાં ગુમ થઈ ગઈ એ દીકરી?

15:36 Posted by Chandsar
એ નું નામ સવિતા એહારવર.તે ૧૪ વર્ષની હતી. સવિતા તેનાં માતા-પિતા સાથે દિલ્હી નજીક ગુડગાંવમાં રહેતી હતી. ગઈ તા. ૧૬મી નવેમ્બરે, ૨૦૧૪ના રોજ તે ગુમ થઈ ગઈ. તેની માતાનું નામ ઉમિદા છે. તે ૪૮ વર્ષની વયની છે. તેની દીકરી સવિતા ટયૂશનમાં જતી હતી. એ દિવસે તે ટયૂશનમાં ગઈ પછી ઘેર જ ના આવી. તે સીધી ટયૂશનવાળી શિક્ષિકાને મળવા ગઈ. એને કહેવામાં આવ્યું કે સવિતા આજે ટયૂશન માટે આવી જ નથી.
ઉમિદા સીધી ગુડગાવ, પ્લોટ નં. ૮૦, ઈન્દ્ર કોલોની ખાતે આવેલા તેના એક રૂમના ભાડાના મકાનમાં પહોંચી. સવિતા સવારના આઠ વાગ્યાથી ગુમ હતી. સવારે આઠ વાગે નાનકડી સવિતા બાજુના ઘરમાં રહેતી આન્ટી દેવયાની સાથે બહાર ગઈ હતી, ત્યાંથી તે સીધી ટયૂશનમાં જવાની હતી.
તે દિવસ પછી આજ સુધી ૧૪ વર્ષની સવિતાનો પતો નથી. પુત્રીના ગુમ થઈ ગયા બાદ તેની મા ઉમિદાએ આજ સુધી પેટ ભરીને ખાધું નથી. તે કહે છેઃ ”સબ લોગ કહેતે હૈ કિ વહ વાપસ કભી નહીં આયેગી. કુછ લોગ કહેતે હે કિ વહ ભાગ ગઈ ઔર હરિદ્વારમાં મોજમસ્તી કર રહી હૈ.” પણ એ બધી વાતો ખોટી છે. મને ખબર છે કે મારી દીકરીનું અપહરણ થયું છે. તેને લોહીનો વેપાર કરનારી ગેંગને વેચી દેવામાં આવી છે. મને લાગે છે કે રોજ રાત્રે એને કોઈ ગ્રાહકને ખુશ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. મારી કમનસીબી એ છે કે, હું તેને કોઈ મદદ કરી શકતી નથી. મારી દીકરી નર્કાગાર જેવી જિંદગી જીવી રહી હશે. આવું બોલતા ઉમિદા દિલ્હી- ગુડગાંવમાં દર દર ભટકી રહી છે.
પુત્રીના ગુમ થયા બાદ તેની માતા ઉમિદા ભાગી પડી છે. ટીનએજ પુત્રીની ખોજ માટે તે કોઈ પણ મોટા અધિકારીને મળવા તૈયાર છે. તે કહે છેઃ ” મારી દીકરીને મારી પાસેથી ખૂંચવી લઈ તેને કોઈ ગંદા ધંધામાં નાખી દેવામાં આવી હોય ત્યારે હું ઊંઘી કેવી રીતે શકું ? મારી દીકરીને લઈ જનારા ઐશ કરે છે. મારી ગરીબ દીકરીને શોધવામાં મને કોઈ મદદ કરતું નથી. એથી ઊલટું મારી દીકરી ગુમ થવા પાછળ કેટલાક લોકો મને જ દોષ દે છે. મારા પડોસીઓે કહે છે કે હું મારી દીકરીને પૂરતું ખાવાનું આપતી નહોતી અને એને રોજ મારતી હતી. મારા પતિ બીમારીના કારણે છ માસ પહેલા જ મૃત્યુ પામ્યા છે. તેમના ગયા પછી હું અને મારી દીકરી બે એક જ ભાડાના એક ઓરડામાં રહેતા હતા. હું આસપાસના ઘરોમાં ઘરકામ કરીને મારી એકની એક દીકરીને ભણાવતી હતી.
ઉમિદા કહે છેઃ ”મારી દીકરીને ગુમ કરવા પાછળ મારી પડોશમાં રહેતી દેવયાની અને તેના પતિનો જ હાથ છે. એ લોકો છોકરીઓને વેચતી ગેંગ સાથે સંકળાયેલા છે. એ દિવસે મારી દીકરી ટયૂશન માટે જવા નીકળી ત્યારે મારી પડોસણ દેવયાનીને કેટલાક લોકોએ તેની સાથે જતાં જોઈ હતી. પહેલાં તો તેણે ના પાડી કે સવિતા તેની સાથે નહોતી પરંતુ મેં જ્યારે પોલીસ સ્ટેશનમાં દેવયાનીનું નામ આપ્યું અને પોલીસે સખ્તાઈથી પૂછયું ત્યારે તેણે કબૂલ કર્યું કે, તે મારી દીકરીને સાથે ફરવા લઈ ગઈ હતી. પોલીસે વધુ કડકાઈથી પૂછયું ત્યારે દેવયાનીએ કહ્યું કે, હા, હું અને સવિતા ઓટોરિક્ષામાં બેસી સદર બજાર ગયા હતા. સવિતાને ત્યાં ઉતારી દેવામાં આવી હતી. હું એ પૂછું છું કે, દેવયાની મારા પરિવારને જાણતી જ નહોતી તો મારી દીકરીને ઓટોમાં બેસાડીને લઈ ગઈ જ કેમ ? એને ઊતારી ? કોને સોંપી દીધી, તે પછી શું થયું તે જુઓ ! તા. ૧૭મી સપ્ટેમ્બરે પોલીસે દેવયાનીને પુરાવાના અભાવે જ છોડી દીધી. હકીકતમાં નજરે જોનાર એક બીજી સ્ત્રીએ પોલીસને જણાવ્યું કે, સવિતા ઘેરથી નીકળી ત્યારે એણે જે વસ્ત્રો પહેર્યા હતા તે કરતાં જુદાં વસ્ત્રોમાં તેણે સવિતાને દેવયાની સાથે ઓટોમાં બેઠેલી જોઈ હતી. આમ કેમ ? દેવયાની સાથે ઓટોના બેસતાં પહેલાં એના વસ્ત્રો કોણે બદલાવ્યા ? કેમ ? આ બધા સવાલોના જવાબ મેળવવાના બદલે પોલીસે દેવયાનીને છોડી મૂકી. એ પછી હું ફરી મારી પડોસણ દેવયાની પાસે ગઈ. મેં પૂછયું: ”મારી દીકરી કયાં છે?”
તો એણે જવાબ આપ્યો : ”હું મહિપાલપુર ખાતે મારા સગાને મળવા ગઈ હતી અને એ વખતે સવિતાને કંપની માટે સાથે લઈ ગઈ હતી.” હું પૂછું છું કે એક મોટી ઉંમરની સ્ત્રીને ૧૫ વર્ષની છોકરી શું કંપની આપવાની ? આ બધું એક રહસ્ય છે. દેવયાનીએ રાત્રે મહિપાલપુર ખાતે તેના સગાના ઘરે રોકાઈ હતી.   તે પછીની વાત કરવા તે ઈન્કાર કરે છે.
દેવયાનીની આ વાત સાંભળ્યા બાદ હું તેના મહિપાલપુર ખાતેના સગાના ઘેર ગઈ. તેના સગાએ કહ્યું: ”હા, દેવયાની અને સવિતા તો રાત્રે મારા ઘરે આવ્યા હતા પરંતુ મેં તેમને મારા ઘેર રોકાવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.”
ટૂંકમાં પડોસણ દેવયાની સવિતાને લઈને મહિપાલપુર ગઈ હતી, તે વાત સાબિત થાય છે. તે પછીની આગળની કડી મળતી નથી. તે દિવસથી આજ સુધી ઉમિદા ગુડગાંવ, સદરબજાર, વઝીરાબાદ અને મહિપાલપુર વિસ્તારોમાં દીકરીને શોધવા દિનરાત ભટકી રહી છે પણ સવિતાનો કોઈ જ પતો નથી. તે કહે છેઃ ”હવે તો ઘણું મોડું થઈ ગયું છે. અત્યાર સુધીમાં તો મારી દીકરીનું જીવન નર્કાગાર બની ગયું હશે મારી દીકરીના ગુમ થવા પાછળ મારી પડોસણ દેવયાની જ છે, પરંતુ પોલીસને તેને બોલાવી આખી ગેંગ પકડવામાં કોઈ જ રસ નથી.
આજે સવિતાની માતા- ઉમિદા પુત્રીની ખોજ માટે ભટકી રહી છે.
આ તો એક જ ઉદાહરણ છે. નેશનલ ક્રાઈમ રિસર્ચ બ્યૂરોના આંકડા અનુસાર એક માત્ર ૨૦૧૨માં જ દેશમાં ૩૮,૧૭૨ જેટલા બાળકો સાથે ગુના થયા છે. તેમાંથી એક માત્ર હરિયાણામાં જ ૨.૬૬ ટકા ગુના નોંધાયા છે. એ વર્ષમાં હરિયાણામાં જ ૫૩૫ બાળકોનાં અપહરણ થયા હતા એ બધા ટીનએજ બાળકો ક્યાં ગુમ થઈ ગયા તે કોઈ જાણતું નથી ? આ એક ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. એક માત્ર દિલ્હીમાં રોજ ૧૮ બાળકો ગુમ થયા છે. સરકારને પણ આ વિષય પર ઓછી ચિંતા હોય કે હોય જ નહીં એમ લાગે છે. આવા બધા બાળકોનું અપહરણ કરવું, તેમને વેચી દેવા, તેમના અંગો કાપીને તેમને ભિખારી બનાવી દેવા,સેક્સના ધંધામાં પરોવી દેવા અને આરબ રાષ્ટ્રોના વિકૃત આરબોને વિકૃત સેક્સના આનંદ માટે કુમળા બાળકોને વેચી દેવાનો એક જબરદસ્ત ધંધો આ દેશમાં ફૂલ્યો ફાલ્યો છે પણ કોઈને એની ચિંતા નથી. પ્રશાસન અને પોલીસને નેતાઓના રક્ષણમાં અને નેતાઓને જ સલામ મારવામાં રસ છે.
એક દિવસ કોઈ એક નેતાના નાનકડા પુત્ર કે પુત્રીને ગુમ થવા દો, પછી જ એમને ખબર પડશે કે ગુમ થયેલા નાનકડા સંતાનની માતા અને પિતાની વેદના કેવી હોય છે !