એક ઋષિના આશીર્વાદથી એ મત્સ્યગંધા સુગંધા બની ગઇ

16:11 Posted by Chandsar

અયોધ્યામાં હસ્તસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને તેર રાણીઓ હતી પણ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. રાજા વૃદ્ધ થયો અને પરિવારમાં પ્રજા ન હોવાથી વૈરાગ્ય થતાં પાળેલા પોપટ સાથે ઘોડા પર બેસી તપ કરવા વનમાં ચાલ્યો ગયો. તે એક વડલા નીચે આસન ધારણ કરીને બેઠો અને પ્રભુનુું નામ લેવા માંડયો. એ વૃક્ષ ઉપર ઘુવડ પક્ષીનો માળો હતો. નર ઘુવડ ફરવા ગયો હતો, માદા ઘુવડ ઉદાસ હતી. થોડા સમય પછી નર ઘુવડ આવ્યો.
ત્યારે પક્ષિણીએ પૂછયું, "મને એકલી મૂકીને ક્યાં ગયા હતા? નીચે રાજા તપ કરે છે."ઘુવડે પક્ષિણીને કહ્યું, "હું સુરસભામાં ગયો હતો." એ દેવસભામાં વિશ્વામિત્ર ઋષિ બોલ્યા કે, "આજનો દિવસ એવો છે કે વાંઝણી પણ પુત્ર પામે, શાપિત પ્રાણી પણ પ્રજા પામે, પાપી પણ સંતાન પામે."એમ કહી ઘુવડે ક્રીડા આરંભી. પણ ઘુવડ પક્ષી-પક્ષિણીની વાત સાંભળી ગયેલા રાજાએ નિસાસો નાખ્યો, "અરેરે! આજે હું ઘરે હોત તો હું પણ પુત્ર પામત." રાજાનું રુદન સાંભળી તેમનો પાળેલો પોપટ બાલ્યો, "મહારાજ! એક ઉપાય છે. કામ પેદા કરો અને તમારું જીવનસત્ત્વ મને એક દડિયામાં આપો. હું તે જીવનસત્ત્વ રાણીને આપીશ."
રાજાએ કામજ્વર પેદા કર્યો અને પાંદડાંનો દડિયો બનાવી તેમનું જીવનસત્ત્વ તેમાં ભરી પોપટને આપ્યું. પોપટ ચાંચમાં દડિયો લઈ ઊડયો, પરંતુ રસ્તામાં શકરો બાજ તેને જોઈ ગયો. શકરો બાજ સમજ્યો કે પોપટની ચાંચમાં કોઈ ભક્ષ હશે. શકરા બાજે પોપટને આંતરી તેની પર પ્રહાર કર્યો. પોપટ ઘવાયો અને તેની ચાંચમાંથી દડિયો નીચે સમુદ્રમાં પડયો. એ વખતે સમુદ્રનાં જળમાંથી એક માછલી બહાર આવી. માછલીએ રાજાના જીવનસત્ત્વના બે ઘૂંટ પી લીધા. વાત એમ હતી કે બ્રહ્માના શાપથી એક અપ્સરા માછલી બની ગઈ હતી, એ જ માછલીએ રાજાનું જીવનસત્ત્વ ભક્ષ સમજીને પી લીધું. એ માછલીને ગર્ભ રહ્યો અને તેને દસમો મહિનો બેઠો. માછલીથી હવે ગર્ભ સહન થતો નહોતો. તે તણાઈને નદીકિનારે આવી.
એ જ સમયે એક માછીમાર નદીકિનારે માછલી પકડવા આવ્યો હતો. એણે પાણીમાં જાળ નાખી. તેમાં આ શાપિત માછલી ફસાઈ ગઈ. માછીમાર કે જે નાવિક પણ હતો તે માછલીને પકડી ઘરે લઈ આવ્યો. એણે માછલી ચીરી તો અંદરથી બે બાળકો નીકળ્યાં. એને પણ સંતાનસુખ નહોતું અને અયોધ્યાના રાજા હસ્તસેનને પણ પ્રજાસુખ નહોતું. પોપટને જીવનસત્ત્વ આપ્યા બાદ રાજા વનમાંથી પાછો ફર્યો હતો અને પોપટને ઘરે આવેલો ન જોઈને તે બહુ જ દુઃખી થયો.
આ તરફ માછલીના ઉદરમાંથી નીકળેલા બે બાળકો પૈકી એક પુત્રી હતી અને બીજો પુત્ર હતો. માછીમાર બંને બાળકોને લઈ રાજા પાસે ગયો. રાજાને બ્રાહ્મણોએ કહ્યું, "આ તમારાં જ સંતાનો છે."
રાજાના ક્રોધથી બ્રાહ્મણોને બચાવવા નારદમુનિ આવી ચડયા. એમણે રાજાને ઘુવડ પક્ષી-પક્ષિણીની વાત અને પોપટને આપેલા દડિયાની વાત કહી. રાજાને બધી વાત સમજાવતાં એમણે પુત્ર પોતાની પાસે રાખ્યો અને પુત્રી માછીમારને સોંપી. માછીમાર પુત્રીને ઘરે લઈ આવ્યો. તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોવાથી તેનું નામ મત્સ્યગંધા રાખવામાં આવ્યું. તે યોજનગંધા તરીકે પણ ઓળખાય છે. બીજી બાજુ રાજાએ પુત્રનું નામ ઉલ્મુખ રાખ્યું. માછીમારના ઘરે રહી ઉછરતી મત્સ્યકન્યા પાછળથી સત્યવતી તરીકે ઓળખાઈ. મત્સ્યકન્યા અર્થાત્ સત્યવતી હવે પિતાની જેમ નાવ ચલાવતાં પણ શીખી ગઈ હતી. એના પિતાનો એ ધંધો પણ હતો.
એક વાર રાત્રિના સમયે પરાશર મુનિ યમુનાના કિનારે આવી ગયા. તેઓ રાત્રે જ યમુના પાર કરી સામે તીરે જવા માગતા હતા. મત્સ્યગંધાના પિતાએ રાત્રે નાવ ચલાવવા ઇન્કાર કર્યો. એ વાતચીત મત્સ્યકન્યા સાંભળી ગઈ. એ બહાર આવી. એણે ઋષિને વંદન કર્યાં. મત્સ્યકન્યા બોલી, "પિતાજી! આપની આજ્ઞાા હોય તો હું ઋષિને સામે તીરે મૂકી આવું?"
પિતાએ હા પાડી. મત્સ્યકન્યાએ વાંસડો હાથમાં લીધો અને ઋષિને અંદર બેસાડી નૌકા ચલાવી. નાવ જળ કાપતી હતી ત્યારે મત્સ્યકન્યાનું રૂપ જોઈ પરાશર મુનિને કામ પ્રગટયો. તેમણે મત્સ્યકન્યા પ્રત્યે કુદૃષ્ટિ કરી. મુનિએ કહ્યું, "હે દેવી! હું તમારી સાથે સહવાસ કરવા માગું છું."
મત્સ્યકન્યા ગભરાઈ ગઈ. એણે વિચાર કર્યો કે, હું ના પાડીશ તો મને શાપ આપશે. એમ વિચારી તે એટલું તો બોલી, "હે મુનિવર! આપ તો બ્રહ્મજ્ઞાાની છો અને હું એક માછીમારની દીકરી. આપણો સહવાસ સંભવ નથી."
પરાશર મુનિ બોલ્યા, "બાલિકે! તું ચિંતા ન કર. પ્રસૂતિ બાદ પણ તું કુમારી જ રહીશ."
એમ કહી પરાશર મુનિએ મત્સ્યગંધા સાથે સહવાસ કર્યો. પરાશર મુનિએ મત્સ્યકન્યા અર્થાત્ સત્યવતીને આશીર્વાદ આપતાં કહ્યું, "તારા શરીરમાંથી હવે માછલીની ગંધ નહીં આવે. એના બદલે તું સુગંધા બની જઈશ. તારા શરીરમાંથી કસ્તૂરીની સુગંધ ફેલાશે."
સત્યવતીને હવે ગર્ભ રહ્યો. પુત્રીને ગર્ભવતી થયેલી જાણી તેનો પિતા તેને વનમાં મૂકી આવ્યો. વનમાં કુટિર બનાવી સત્યવતી રહેવા લાગી. દસમા મહિને તેને એક પુત્ર અવતર્યો. જન્મની સાથે જ પુત્ર ચાલવા લાગ્યો. માતા સત્યવતીએ પૂછયું, "હે પુત્ર! તું ક્યાં જાય છે?"
પુત્રએ કહ્યું, "માતા સાંભળ! મેં તો જગતના કલ્યાણ માટે જ જન્મ લીધો છે. હું પુસ્તકો રચીશ જે કળિયુગના કુબુદ્ધિના લોકોને જ્ઞાાન આપશે. હે માત! હવે આપણી સગાઈ પૂરી થઈ."
ગભરાઈ ગયેલી સત્યવતીએ પૂછયું, "તો મારી શું ગતિ થશે?"
પુત્રે કહ્યું, "થોડા દિવસ પછી કોઈ ક્ષત્રિય રાજવંશી તમને પરણી જશે. તમને જ્યારે પણ દુઃખ પડે ત્યારે તમે મને યાદ કરજો. હું હાજર થઈ તમારું દુઃખ દૂર કરીશ."
એમ કહી પુત્ર ચાલ્યો ગયો અને સત્યવતીનો એ પુત્ર એટલે બીજું કોઈ નહીં પણ ભગવાન વેદવ્યાસ. અને તે પછી સમુદ્રનો અવતાર ગણાતો હસ્તિનાપુરનો રાજા શાંતનુ પહેલાં ગંગાને વર્યો હતો જેનાથી તેને એક પુત્ર થયો ગાંગેય (ભીષ્મ) અને પાછળથી તે મત્સ્યગંધા ઉર્ફ સત્યવતીને પરણ્યો.
આ તરફ માતાથી જુદા પડયા બાદ બાળક વેદવ્યાસ તપસ્યા કરવા દ્વૈપાયન નામના દ્વીપ પર ચાલ્યા ગયા. એ બાળક રંગે શ્યામ હોવાથી તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા અને એ કૃષ્ણ દ્વૈપાયન એ જ મર્હિષ વેદવ્યાસ. એમણે વેદોની વ્યાખ્યા અને વિભાજન કર્યાં તેથી તેઓ વેદવ્યાસ તરીકે પણ ઓળખાયા. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર મર્હિષ વેદવ્યાસ ત્રિકાળજ્ઞાાની હતા. તેમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈને જાણી લીધું હતું કે, કળિયુગમાં ધર્મ ક્ષીણ થઈ જશે. ધર્મ ક્ષીણ થઈ જતાં લોકો નાસ્તિક, કર્તવ્યહીન અને અલ્પ આયુવાળા થઈ જશે અને એ વિશાળ વેદનું સાંગોપાંગ અધ્યયન કળિયુગના લોકો કરવાનું સામર્થ્ય ધરાવતા નહીં હોય એ હેતુથી મર્હિષ વેદવ્યાસે વેદોને ચાર ભાગોમાં વહેંચી નાખ્યા, જેથી ઓછી બુદ્ધિવાળા અને ઓછી સ્મરણશક્તિવાળા લોકો પણ વેદોનો અભ્યાસ કરી શકશે. વેદવ્યાસે એક મહાન વેદને ચાર ભાગોમાં વહેંચ્યા તે (૧) ઋગ્વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ તરીકે ઓળખાય છે. વેદોમાં રજૂ થયેલું જ્ઞાાન અત્યંત ગૂઢ અને શુષ્ક હોવાને કારણે તેમણે એ જ વેદોને પુરાણોમાં પરિર્વિતત કર્યા. પુરાણોમાં રોચક પ્રસંગો મૂક્યા જેથી કળિયુગના લોકો વેદોના જ્ઞાાનને સરળતાથી સમજી શકે.
પૌરાણિક મહાકાવ્ય યુગની આ મહાન વિભૂતિએ મહાભારત, અઢાર પુરાણ, શ્રીમદ્ ભગવદ્ગીતા, મીમાંસા જેવાં અદ્વિતીય સાહિત્યનું સર્જન કર્યું. તેમનો જન્મ ઇસુના જન્મનાં ૩૦૦૦ વર્ષ અગાઉ થયો હતો. એટલે કે આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં અષાઢ માસની ર્પૂિણમાએ જન્મ્યા હતા. આજે ભારતભરમાં જે ગુરુર્પૂિણમાની ઉજવણી થાય છે તે મર્હિષ વેદવ્યાસની જન્મતિથિ સાથે સંકળાયેલી છે. હિન્દુ ધર્મના તમામ સંતો અને કથાકારો ગુરુર્પૂિણમાના દિવસે સહુ પ્રથમ મર્હિષ વેદવ્યાસની પૂજા કરે છે. વેદવ્યાસ તમામ સંતો-કથાકારોના સદ્ગુરુ ગણાય છે. વેદવ્યાસનું એક મંદિર કાશીથી પાંચ માઇલ દૂર વ્યાસપુરીમાં વિદ્યમાન છે. મહારાજ કાશીનરેશના રામનગર દુર્ગમાં પણ વ્યાસેશ્વરની ર્મૂિત બિરાજમાન છે. વાસ્તવમાં વેદવ્યાસની સહુથી પ્રાચીન ર્મૂિત એ જ છે. મર્હિષ વેદવ્યાસ ભગવાન વિષ્ણુના અવતાર જ ગણાય છે. મર્હિષ વેદવ્યાસને ભગવાન વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મર્હિષ વેદવ્યાસ 'મહાભારત'ના રચયિતા છે. વેદવ્યાસ 'મહાભારત'ના રચયિતા જ નહીં, પરંતુ મહાભારતની ઘટનાઓના સાક્ષી પણ છે. વેદવ્યાસ કૃષ્ણ દ્વૈપાયન તરીકે પણ ઓળખાય છે. કહેવાય છે કે પ્રત્યેક દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વેદવ્યાસના રૂપમાં અવતર્યા હતા અને ચાર વેદોને વર્ગીકૃત કર્યા હતા. પહેલા દ્વાપર યુગમાં સ્વયં બ્રહ્મા વેદવ્યાસ થયા. બીજામાં પ્રજાપતિ, ત્રીજામાં શુક્રાચાર્ય અને ચોથામાં બૃહસ્પતિ વેદવ્યાસ થયા. હિન્દુઓની પરંપરાગત માન્યતા અનુસાર વિશ્વમાં જે સાત વ્યક્તિઓ આજે પણ હયાત છે - અમર છે તેમાંના એક મર્હિષ વેદવ્યાસ પણ છે.
ઋષિ વેદવ્યાસે શ્રીગણેશની સહાયતાથી ધર્મગ્રંથોને પહેલી વાર ભોજપત્ર પર લખ્યા. એટલા માટે જ તેમણે એકાંત સ્થળને પસંદ કર્યું. ત્યારબાદ તેમણે દિવ્ય જ્ઞાાન અને ભગવાન શ્રીગણેશ સાથે ધર્મ અને જીવન સાથે સંકળાયેલી વાતોને ધર્મગ્રંથોમાં ઉતારી, જે પૂર્વે માત્ર સાંભળવામાં આવતી હતી. ઋષિ વેદવ્યાસ વેદ અને ધર્મનાં રહસ્યોને પહેલી વાર લેખિત સ્વરૂપે જગત સામે લાવ્યા.
મહાગ્રંથ મહાભારતના રચયિતા મર્હિષ વેદવ્યાસને આપણા પૌરાણિક ગ્રંથોમાં ભગવાન વેદવ્યાસ તરીકે પણ સંબોધવામાં આવેલ છે. જેમ આ સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર સર્વ તત્ત્વોમાં સમાયેલા છે તેમ સમગ્ર સૃષ્ટિનું એવું એક પણ તત્ત્વસ્થાન નથી જે મહાભારતમાં ન હોય. એટલે જે જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી એ ઉક્તિ જાણીતી છે. આ મહાભારત એક મહાન જ્ઞાાનકોશ પણ છે જેને ભારતીય સંસ્કૃતિમાં પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહાભારત દ્વારા મર્હિષ વેદવ્યાસે માણસે કેવું આચરણ કરવું જોઈએ તે દર્શાવવા પાંડવો તેમજ કૃષ્ણનું ચરિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું અને કેવું આચરણ ન કરવું જોઈએ તે દર્શાવવા માટે કૌરવોનું ચરિત્ર આલેખ્યું છે. મર્હિષ વેદવ્યાસ મહાભારતના કથાનકનું ઉદ્બોધન જે પીઠ ઉપરથી આપતા તે પીઠ વ્યાસપીઠ તરીકે ઓળખાય છે. આ વ્યાસપીઠ ઉપર બેસીને સંસ્કૃતિની ઉપાસના અને સેવા કરનાર વ્યાસની પૂજા એટલે કે વ્યાસપીઠની પૂજા અષાઢ સુદ પૂનમને દિવસે કરવામાં આવે છે. મહામુનિ વેદવ્યાસના જ્ઞાાનનો જોટો ન માત્ર ભારતીય સંસ્કૃતિમાં, વૈશ્વિક સ્તરે પણ મળવો મુશ્કેલ છે. કોઈ પણ સાહિત્યકારની રચનાઓ જોઈએ તો જીવન પ્રત્યેનો એક જ પ્રકારનો દૃષ્ટિકોણ જોવા મળશે, હકારાત્મક અથવા નકારાત્મક વ્યક્તિના સદ્ગુણો અથવા દુર્ગુણો, પરંતુ વ્યાસજીએ તેમની રચનાઓમાં જીવનમાં રહેલ દરેક પાસાને વણી લીધું છે. પ્રકાશ, અંધકાર, ભરતી, ઓટ, સુખ-દુઃખ અને આ બંને વચ્ચે રહેલું પરિવર્તન વેદવ્યાસે મહાભારતની પોતાની રચનામાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે હકારાત્મક બાજુએ હોવા છતાં તેઓમાં રહેલી ત્રુટિઓ દર્શાવી છે, તે જ રીતે દુર્યોધન, દુઃશાસન કે કર્ણ જેવાં નકારાત્મક પાત્રોમાં રહેલ સદ્ગુણો બતાવવાનું પણ ચૂક્યા નથી. બીજી બાજુ ભીષ્મ પિતામહ જેવા વિદ્વાન, હંમેશાં સત્યનો પક્ષ લેનાર પ્રતાપી પુરુષ નકારાત્મક બાજુએ હોઈ તેની સામે અર્જુનને યુદ્ધ કરવા જણાવે છે. આમ, દરેક વ્યક્તિમાત્રના જીવનમાં રહેલી સંપૂર્ણતા અને અપૂર્ણતાનું આપણને દર્શન કરાવે છે. જે રીતે ન્યાયાલયમાં ન્યાય આપનાર ન્યાયાધીશને ચોક્કસ યોગ્યતા હોય તો જ ન્યાયની ગાદી ઉપર બેસી શકે તેવું જ સ્થાન વ્યાસપીઠનું છે. કોઈ પણ વ્યક્તિએ જે સાહિત્યનું વ્યાસપીઠ ઉપર બેસીને જ્ઞાાન આપવાનું છે તે સાહિત્ય વિશે તેને સંપૂર્ણ જ્ઞાાન હોવું તે વ્યાસપીઠ ઉપર બેસવાની પહેલી યોગ્યતા છે. કથામાં રહેલાં પાત્રો સાથે તેને વ્યક્તિગત રીતે કોઈ પ્રિયભાવ કે દ્વેષભાવ ન હોવા જોઈએ. કથા ઉદ્બોધનનો એકમાત્ર હેતુ સમાજનું હિત હોવું જોઈએ. મર્હિષ વેદવ્યાસ સર્વગુણસંપન્ન ગુરુ હતા.
"બાલિકે! તું ચિંતા ન કર. પ્રસૂતિ બાદ પણ તું કુમારી જ રહીશ."