હીરા ને મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં ખીલાવેલા ફૂલ વધારે સુંદરતા અર્પે છે. સુંદરતાનો આનંદ વસ્તુમાં નહીં પણ તે વસ્તુના સર્જનમાં ને તેની સાથેની એકતામાં છે.
સંઘરવાની વૃત્તિ આપણો જ બોજ વધારે છે. જે ત્યાગે છે તે હળવો ફૂલ બની જાય છે ને તેનું ચિત્ત પ્રસન્નતાથી છલકાઈ જાય છે.
જે દેશ આધ્યાત્મિક હોવા પર ગર્વ લેતો હોય, જે દેશમાં આટલા સાધુ સંતો ને ફકીરો હોય, તે દેશ ગંદો કેમ રહી શકે?
ધરતી પોકારે છે : હું ધોવાઈ રહી છું, મારા કણોનું રક્ષણ કરનાર, ઠંડક આપનાર શોભારૂપ વૃક્ષો કપાઈ રહ્યા છે. એને બચાવવાં, ઉછેરવાં એ પરમાત્માની ઉપાસના છે.
ધરતી, ગાય ને વૃક્ષો આપણી માતા છે. તેની સેવા ભક્તિ છે. તેમાં જ્ઞાન ને વિજ્ઞાન ઉમેરાય તો તે યજ્ઞ બને છે અને જગતની ચેતના સાથે જોડાતાં તે જ કર્મ ચૈતન્ય યોગ બની જાય છે.
કર્મના આદિ, મધ્ય અને અંતમાં આનંદનો ઝરો વહેતો રહે એ છે કર્મની કુશળતા. એ છે કર્મયોગ.
તરાપાની મહત્વાકાંક્ષા સમુદ્રના ઘુઘવાટને દબાવી દેવાની હોય છે.
દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી.
નકામી ચિંતાઓ છોડો ! ભગવાનના સેવક બનો, વિનય, ન્યાય અને ભક્તિભર્યું જીવન વિતાવો એમાં જ ગૌરવ છે. મનમાં અહંકાર હોય અને બહારથી વિનય બતાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ છે. તેથી અહંકાર અને દંભ છોડો.
કર્મ કરનારાઓની વૃત્તિ બેવડી હોય છે, અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વિના ન રહીએ, જરૂર લઈએ, અમારો એ હક છે એ એક વૃત્તિ, અને એથી ઊલટી બાજુ અમને ફળ ચાખવાનો હક ન મળવાનો હોય તો અમે કર્મ કરવાના નથી એ ઊઠવેઠ અમે શા માટે કરીએ? એ બીજી વૃત્તિ છે કર્મ તો કરો પણ ફળનો અધિકાર રાખશો નહીં