” અવનીથી આકાશ સુધીની વાત છે,
જગમાં નારી મહાન છે.
અબળા નથી પણ સબળા છે,
દીકરી મોંઘા મૂલની છે.
નારી માત્રનું રખાય માન,
સમાજની એ સાચી શાન.”
ભારતમાં પ્રાચીન સમયમાં નારી-સન્માનની ભાવના જોવા મળતી હતી. આપણા વેદો – ઉપનિષદો તેમજ રામાયણ, મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોએ પણ નારી શક્તિનો અપાર મહિમા ગાયો છે. તે સમયમાં નારીને શિક્ષણનો પૂરો અધિકાર હતો. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી જેવી ઘણી વિદૂષી સ્ત્રીઓ તે સમયની સ્ત્રીશક્તિઓનું પ્રમાણ છે. ‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: |‘ – આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી – સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો હતો.
બૌદ્ધકાળમાં અને વિશેષ કરીને પ્રભુ મહાવીરના જૈનકાળમાં તો પુરુષોની બરોબરીના નાતે સ્ત્રીને ઘણાં આધ્યાત્મિક અને સામાજિક અધિકારોની હકદાર બનાવી, એનો ઈતિહાસ ગવાહ છે. પરંતુ ઇતિહાસના પાના ફરફરે છે. અને સમયના અલગ અલગ તબક્કાઓમાં તે જ છાયાની સંતાકૂકડી ‘દીકરી’ રમતી રહી. મોગલકાળમાં બાદશાહો દ્વારા શાહજાદીઓની ઉપેક્ષા – શોષણ ઓછાં ન હતા. તેમ રજપૂત યુગમાં અંત:પૂરમાં ઓઝળ પડદામાં સડતી રહેતી રાણીઓ યાદ આવે છે. મધ્યકાલીન હિન્દુસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિ કફોડી અને એટલી દયાજનક બની કે, માથેથી સાપનો ભારો, ઉતારવા માં-બાપ લાકડે માંકડું પણ વળગાડી દેતાં, દીકરી ને ગાય દોરે ત્યાં જાય એવી પરિસ્થિતિ હતી !
14મી અને 15મી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા, દહેજ પ્રથા, સતીપ્રથા જેવા દૂષણો સંકળાયેલા હતા, અને એટલે જ દીકરી જન્મે તેવી મારી નાંખવામાં આવતી. સંજોગો અને સમય બદલાયા પણ દીકરી પ્રત્યેનો દ્વેષ 21મી સદીમાં પણ બદલાયો નથી. સમાજે સુસંસ્કૃતતા અને આધુનિકતાની ચાદર તો ઓઢી પરંતુ એ ચાદરની થીંગડાની નિશાનીઓ તો રહી જ ગઈ. હવે તો દીકરીને જન્મવાનો અધિકાર પણ છીનવી લઇ, ગર્ભમાં જ સ્ત્રીભૃણ હત્યા કરી નાંખવામાં આવે છે.
” देश में गर औरते अपमानित है, नाशाद है
देल पर रखकर हाथ कहिये देश क्या आजाद है
जिनका पैदा होना ही अपशकुन है नापाक है
औरतों की ज़िन्दगी ये ज़िन्दगी क्या खाक है । “
સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ભારતીય સમાજમાં સ્ત્રીઓને કાયદાકીય અધિકારો આપવામાં આવ્યા તેમજ ધીમે-ધીમે સ્ત્રીઓ આર્થિક રીતે સ્વાવલંબી બનવા લાગી છે છતાં અસંખ્ય સ્ત્રીઓ, હિંસા-અત્યાચારનો ભોગ બનતી હોવાના કિસ્સાઓ નોંધાય છે. અપમાન, ત્રાસ, જુલમ કે રિબામણીથી ત્રાસીને આત્મહત્યાનો આશ્રય લેતી સ્ત્રીઓની સંખ્યા પણ વધતી જાય છે. સ્ત્રીઓને મારકૂટના, અપહરણના, બળાત્કારના, સળગાવી નાખવાના તેમજ ખૂનના બનાવો વધતા જાય છે. તેમજ સ્ત્રીભૃણ હત્યાનું દૂષણ સમાજમાં ઝડપથી પ્રસરી રહ્યું છે. આજે પરિસ્થિતિ એ આવી છે કે પુરુષોની સંખ્યાની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. ભવિષ્યમાં આના ઘણા માઠા પરિણામો આવી શકે. જો સ્ત્રી જ ન હોય તો ? આ વિશ્વનું કોઈ અસ્તિત્વ શક્ય હોત ખરું ? જે સ્થાન શરીરમાં નાડીનું છે તે સ્થાન સમાજમાં નારીનું છે. નારી પૂજાની ખાણ છે, અને તીર્થંકરોની ઓળખાણ છે.
” नर को नारायण करे जिसका मिलन महान,
वह नारी जन पूज्य है, उससे है सुंदर जहान ।
कितना समजाये तुम्हे करो न अब अपमान,
सभी गुणों की खान है, नारी रूप महान । “
સામાજિક દૃષ્ટિકોણની સ્ત્રીઓ પર થતી અસરો :-
ભારતમાં દહેજપ્રથા ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં વર્તમાન સમયમાં કરિયાવરના નામે કે અન્ય કોઈ રીતે આ પ્રવૃત્તિ ચાલે છે. કેટલીક જ્ઞાતિઓમાં ઘરવખરીની તમામ ચીજો ઉપરાંત અમુક તોલા સોનું, ગાડી, મકાન વગેરે કરિયાવરમાં આપવું ફરજિયાત બની ગયું છે. તેથી દબાવમાં આવીને કેટલીયે સ્ત્રીઓ આત્મહત્યા કરી લે છે કે તેને મારી નાંખવામાં આવે છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 4000 દહેજ મૃત્યુ થાય છે.
વર્તમાન સમયમાં જ્ઞાતિઓના સંદર્ભમાં જોઈએ તો, નિમ્નજ્ઞાતિ કરતાં ઉચ્ચ જ્ઞાતિઓમાં દહેજ-મૃત્યુની સમસ્યા વધારે જોવા મળે છે. દર વર્ષે 27000 ખૂનના બનાવો બને છે. તેમાં 10 થી 15 ટકા બનાવો સ્ત્રીના ખૂનના હોય છે. દર વર્ષે પકડાતા ખૂનના આરોપીઓમાંથી 3.3 ટકા સ્ત્રી આરોપી હોય છે.
સમાજમાં દીકરી જેટલું મહત્વ વહુને અપાતું નથી. સામાન્ય રીતે ઘરેલું ઝઘડા, અનૈતિક સંબંધો અને સ્ત્રીની અસાધ્ય બિમારી જેવા કારણોને લઈને સાસુ-નણંદ દ્વારા વહુને માનસિક અત્યાચાર આપવામાં આવે છે. કેટલીકવાર તો તેની હત્યા પણ કરી નાંખવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં દર્શાવ્યા પ્રમાણે પતિની પ્રાથમિક ફરજ અને જવાબદારી તેની પત્નીને પ્રેમ અને રક્ષણ પૂરું પાડવાની છે. પરંતુ પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થામાં સ્ત્રીનો ગૌણ દરજ્જો હોવાથી સામાન્ય બાબતોમાં પણ પતિ તેની પત્નીને મારકૂટ કરે છે. પોતાના પતિ પર સ્ત્રીએ વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, પોતાનું જીવન સમર્પિત કર્યું છે તે જ તેને મારકૂટ કરે છે. લાફો, ગડદા, પાટું, અપમાન, રિબામણી, ઢોર માર મારવો કે મારી નાંખવાનો પ્રયત્ન કરવો વગેરે વિવિધ પ્રકારે સ્ત્રીની કનડગત થતી હોય છે.
પ્રવર્તમાન સમયમાં નિમ્ન આવક ધરાવતા જૂથોમાં પતિ દ્વારા પત્નીને મારકૂટ કરવાના કિસ્સાઓ ખૂબજ બધી રહ્યા છે. ઉપરાંત દારૂડિયા પતિની પત્નીઓમાં પણ મારકૂટના બનાવોનો દર ઊંચો જોવા મળે છે.
આજે ભારતમાં ઘણા બધા કુટુંબોમાં જોવા મળે છે કે, પતિના અવસાન બાદ વિધવા સ્ત્રી પ્રત્યેના કુટુંબના સભ્યોના વલણ અને વર્તન તદ્દન બદલાઈ જ જાય છે. વિધવા સ્ત્રીને સંયુક્ત કુટુંબની મિલકતમાંથી ભાગ આપવો ન પડે તેવું શ્વસુર પક્ષના લોકો ઈચ્છતા હોય છે. વિધવા સ્ત્રી કુટુંબમાં બોજારૂપ મનાવા લાગે છે.
વિધવા અને તેના બાળકોની જરૂરિયાતો પ્રત્યે કુટુંબ દ્વારા દુર્લક્ષ સેવવામાં આવે છે. તેના તરફ અપમાનજનક ધૃણાસ્પદ વ્યવહાર થવા લાગે છે. તેની ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. તેમાંયે પ્રૌઢવિધવા કરતાં યુવાન વિધવા વધુ અપમાનિત થાય છે, વધુ શોષણનો ભોગ બને છે.
કન્યા જન્મ અને કન્યા ઉછેરની અવગણના તો ભારતમાં પ્રાચીનકાળથી જ થતી આવી છે. આજે પણ પુત્રીજન્મ કરતાં પુત્રજન્મને વધુ મહત્વનો માનવામાં આવે છે. ગર્ભપાતનો કાયદો હોવા છતાં આજે તેનું લેશ માત્ર ઔચિત્ય રહ્યું ન હોય તેવું લાગે છે. આમ પુત્રની ઘેલછાને લીધે સમાજમાં પુત્રીજન્મની ઉપેક્ષા થાય છે.
બાલિકાનો ગર્ભપાત કરવો તે એક જઘન્ય અપરાધ છે, માતૃત્વનું અપમાન છે. સ્ત્રીનું માતૃત્વ આવું કૃત્ય કરતાં સ્ત્રીને અટકાવે છે આમ છતાં સ્ત્રીનો પતિ કે જેઠ-જેઠાણી કે સાસુ-સસરા અથવા તો બધાજ ગર્ભપરિક્ષણ દ્વારા બાળકનું લિંગ જાણી ગર્ભમાં છોકરી છે તેમ ખબર પડે તો ગર્ભપાત કરવા માટે દબાણ કરતા હોય છે.
સમાજના કેટલાક કુટુંબોમાં સ્ત્રીઓ પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવે છે. મહેણાં – ટોણા, ત્રાસ, જુલમ, મારકૂટ, ગાળો દેવી, અપમાન કરવું વગેરે પ્રકારની પરિસ્થિતિ સ્ત્રીની સામે ઊભી થતા તેને પોતાની જિંદગી અસહ્ય અને બોજારૂપ લાગે છે. પોતાનું કોઈ નથી, ક્યાંય આશ્રયસ્થાન નથી તેવું લાગે છે. આથી આવી જિંદગીમાંથી મુક્ત થવા કે દુ:ખ યાતનાનો અંત લાવવા સ્ત્રી આખરી અને છેવટના ઉપાય તરીકે આપઘાત કરે છે. વિશેષ ચિંતા અને ખેદની બાબત એ છે કે ભારતમાં સ્ત્રીઓના આપઘાતના બનાવો આજે ખૂબજ વધી રહ્યા છે.
” हो अन्यायी न्याय ये कैसे सहा जाये
बाड खेंतो को खाए ये कैसे सहा जाये
मामले घरों के निजी कानून कहाये
मर्दाने धर्मो के इन पर है साये
ये सारे औरत को दबाये
खुद न्याय दबाये ये कैसे सहा जाये ।”
_ कमला भसीन
સમાજમાં સ્ત્રી-સન્માનની ઊણપ એ ખરેખર, એક સામાજિક સમસ્યા છે. પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થા અને પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા, સ્ત્રીનો પુરુષ કરતાં નીચો દરજ્જો, સ્ત્રીનું પુરુષ પરનું આર્થિક પરાવલંબન, સ્ત્રીઓમાં શિક્ષણનો અભાવ, કાયદાકીય જાગૃતિનો અભાવ જેવા વિવિધ કારણોથી સ્ત્રીઓ કુટુંબમાં વિવિધ પ્રકારની હિંસાનો ભોગ બનતી આવી છે.
વર્તમાન સમયમાં સમાજશાસ્ત્રીઓ, સમાજહિતચિંતકો, સમાજસુધારકો અને સામાજિક નીતિના ઘડવૈયાઓ દ્વારા આ સમસ્યાને પ્રકાશમાન કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. સમાજ પણ જો પોતાનો દૃષ્ટિકોણ બદલી વૈચારિક ક્રાંતિ લાવી સ્ત્રી-સન્માનની ભાવનાનો ઉદય કરે તો ભાવિ સમસ્યાને અટકાવી શકાય. અને સમાજ ઉન્નતિના સૂર્યોદયના પ્રકાશે ઝળહળી ઊઠે !
” નારી જગનું છે સન્માન, દીકરીને દો પૂરાં માન;
ઘરની દીકરી દેવી સમાન, સદાય રાખો તેનું માન. “