રક્ષાબંધન - શ્રાવણ સુદ પુનમ
ભાઇના
જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું
પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો
ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય
છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું
રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ
ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.
આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી
હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના
પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.
હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના
કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને
કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી
ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.
શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળ
જતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ
છે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં
અનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિ
અને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય
છે.
દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુ
પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ
અનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરની
આશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.
પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવા
અંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતી
બહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીના
સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન
કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્ય
શુભેચ્છા વધે તેનું છે.
આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ.
ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ
અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો
કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી,
ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.
મારો ભાઇ બહુ મોટો, એનો જડશે ના જગજોટો;
નાનો છો ને આજ દીસે, પણ કાલે થશે એ મોટો;
જગની અંદર ફૂલવાડીમાં, ખીલશે થઇ ગલગોટો !
બહેનની આ ઉક્તિમાં મૂર્તિમંત ભાવ નીતરતો જોવા મળે છે. રક્ષાબંધનનો
પર્વ ભાવસંવર્ધનનું કામ કરે છે. આ પરમ પવિત્ર પર્વ સ્વાર્પણ, શૌર્ય,
સૌજન્ય, સાહસ અને ભાઇ-બહેનના નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ
પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ એટલે
વેદ અને વ્યાસ માન્ય સંસ્કૃતિ.
આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ. "उत्सव प्रियाः खलु मनुष्या!" - ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.
રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. "સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન
જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી." એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ
પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર
તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.
રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ
પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ
ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ
સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.
બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે.
સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો
સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો
ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક
ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે.
આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.
ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન
પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ
કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને
વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક
તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.
રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું
તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી
બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત
સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે
છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્,
મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.
રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે
છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ
આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ
મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે
એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે
સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.
પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે
ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય
પ્રાપ્ત કર્યો હતો.
"કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..." અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!
મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો !
આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને
પ્રભુને છોડાવ્યા હતા!
રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ
અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર
પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક
બને છે.
રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ
મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે
સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.
નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે,
અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ
સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ "સંસ્કાર
દ્વિજ ઉચ્ચતમ્" કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને
બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે.
રક્ષાબંધનનું નામ બળેવ.
બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને
તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં
મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને
વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન
કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ
સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ
પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !
રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ
થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત,
પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ
રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.
अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥
જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.
2 comments:
Nice post keep it up :)
GOOD JOB! Nice work! Well done! Keep it up!
Post a Comment