સરદાર પટેલના ‘મોટા ભાઇ’ વિઠ્ઠલભાઇ પટેલ.

11:12 Posted by Chandsar

દેશની આઝાદી પ્રાપ્‍ત કરવા માટે જે મહાનુભાવોએ પ્રબળ નેતૃત્‍વ પૂરું પાડ્યું છે અને અથાગ પુરષાર્થ કર્યો છે તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્‍લભભાઇના નામો અગ્રસ્‍થાને છે.
સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ અને વકીલ તરીકેની ઉજ્જવળ કારકીર્દી ધરાવનાર વિઠ્ઠલભાઇનો જન્‍મ તેમના મોસાળ નડિયાદ ખાતે ૧૮૭૩ ની ૨૭મી સપ્‍ટેમ્‍બરે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું હતું. કરમસદમાં માધ્‍યમિક શાળા નહિ હોવાથી હાઇસ્‍કૂલનો અભ્‍યાસ નડિયાદ જઇને કર્યો.

તેઓ ૧૯૦૮માં બેરિસ્ટર બન્યા. ભારત પાછા ફર્યા. ૧૯૧રમાં મુંબઇ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા઼ ૧૯રપથી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા. સને ૧૯૩૦માં આઝાદીના જંગમાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે જોડાયા. તેઓની મુસદ્દીગીરી ભારતભરમાં વખણાતી. 
વિઠ્ઠલભાઇ પટેલની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા, સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ અને પક્ષાપક્ષીથી પર રહીને અઘ્યક્ષપણું દીપાવનારા અઘ્યક્ષ તરીકેની રહી હતી. ‘મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ની વાત તેમણે ૧૯૧૬માં કરી હતી. તેમના સતત પ્રયાસો પછી ૧૯૧૭માં મુંબઇ ધારાસભામાં એ ખરડો રજૂ થયો હતો.
‘લીવ ઇન રિલેશનશીપ’ને માન્યતા આપીને, ‘પાર્ટનર’ને પત્ની તરીકેના હક આપતા અત્યારના સમયમાં નવાઇ લાગે, પણ એ વખતે એક કાયદાકીય જોગવાઇ એવી હતી કે હિંદુ લગ્નમાં પતિ-પત્ની બન્ને જુદી જુદી જ્ઞાતિનાં હોય તો એ લગ્ન કાયદેસર ગણાય નહીં. તેને કારણે આંતરજ્ઞાતિય લગ્ન પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડતું. ખાધાખોરાકી કે બીજા કોઇ હક મળતા નહીં. સ્ત્રીઓને અન્યાય કરતા આ કાયદામાં સુધારો કરવા માટે વિઠ્ઠલભાઇ પટેલએ તેમાં સુધારો કરવાની ઝુંબેશ ઉપાડી હતી.
 કેન્દ્રિય ધારાસભામાં પહેલી વાર તે ૧૯૧૮માં ચૂંટાયા ત્યારે ૧૯૧૯માં પૂછાયેલા કુલ ૩૧૪ પ્રશ્નોમાંથી ૬૨ પ્રશ્નો વિઠ્ઠલભાઇના હતા. તેમના પ્રયાસોથી જ સરકારે જાહેર આરોગ્ય માટે એક ફંડની જોગવાઇ કરી. તેની રકમ નાની (પાંચેક લાખ રૂપિયા જેટલી) હતી, પણ તેનું મૂલ્ય મોટું હતું. કેન્દ્રિય ધારાસભાના અઘ્યક્ષ તરીકે તે લાગલગાટ બે વાર- ૧૯૨૫માં અને ૧૯૨૭માં- ચૂંટાયા. આ હોદ્દે ચૂંટાનાર તે પહેલા ભારતીય હતા. તેમનો આગ્રહ હતો કે ભારત ભલે ગુલામ હોય, પણ તેની સંસદ અને સંસદીય પરંપરાઓ બ્રિટનની સમકક્ષ હોવી જોઇએ.
 
એ વખતે દેશવટો ભોગવી રહેલા સુભાષચંદ્રે બોઝે વિઠ્ઠલભાઇની ઘણી સેવા કરી. ઓક્ટોબર ૨૨, ૧૯૩૩ના રોજ તેમનું અવસાન થયા પછી વિઠ્ઠલભાઇનો દેહ ભારત લવાયો. તેમના અંતીમ સંસ્કાર (લોકમાન્ય ટિળકની જેમ) ચોપાટી પર કરવા અંગે અને તેમના વસિયતનામા અંગે અપ્રિય વિવાદ થયા. મુંબઇ સરકારે ચોપાટી પર અગ્નિદાહની પરવાનગી ન આપી, પણ દરિયાની સામે (ભારતીય વિદ્યાભવનથી થોડે આગળ) વિઠ્ઠલભાઇની પ્રતિમા હજુ ઊભી છે. એ કેમ ઊભી છે એની ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકોને ખબર નથી અને જાણવાની ફુરસદ પણ નથી એ જુદી વાત છે.