એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બંનેને એકબીજા વગર ન ચાલે એવી પાક્કી
ભાઇબંધી હતી. બંને સાથે જ રહી શકે એટલે બંને મિત્રો લશ્કરમાં
જોડાયા.બંનેનું પોસ્ટીંગ પણ સાથે જ હતું.
એકવાર દુશ્મન દેશ સાથે યુધ્ધ થયુ. બધા જ સૌનિકો દેશ માટે જાનના જોખમે લડતા
હતા.પેલા બંને મિત્રો પણ આ યુધ્ધમાં સામેલ હતા.એક મિત્ર દુશ્મનોની હદમાં
ગયો અને એક ગોળી આવીને એની આરપાર નીકળી ગઇ. બીજા મિત્રએ આ દ્ર્શ્ય જોયુ
એટલે એ પોતાના મિત્ર પાસે જવા આગળ વધ્યો.
કેપ્ટનનું ધ્યાન ગયુ એટલે કેપ્ટને એને રોકાઇ જવાનો અને પોતાના મિત્ર
પાસે ન જવાનો આદેશ આપ્યો. કેપ્ટનનો આદેશ થતા જ બીજો મિત્ર પોતાની જગ્યા પર
પાછો આવી ગયો પણ દુર કણસી રહેલા મિત્રને એ જોઇ શકતો નહોતો. એણે કેપ્ટનને
વિનંતી કરી પોતાના મિત્ર પાસે જવાની મંજૂરી આપવા બદલ.
કેપ્ટને કહ્યુ , " હું તારી ભાવના સમજી શકુ છું પણ તું ત્યાં જાય એટલે તારા
પર પણ હુમલો થાય મેં મારો એક સૈનિક ગુમાવ્યો છે હવે મારે બીજો સૈનિક
ગુમાવવો નથી " કેપ્ટનની મનાઇ છતા વારંવારની વિનંતીથી કેપ્ટને એમને પોતાના
મિત્ર પાસે જવાની મંજૂરી આપી. રજા મળતા જ એ મિત્રની પાસે પહોંચી ગયો.
થોડીવારમાં એ પાછો આવ્યો ત્યારે કેપ્ટને કહ્યુ , " મને ખબર જ હતી કે તું
તારા મિત્ર સાથે વાત નહી કરી શકે કારણકે તું એની પાસે પહોંચે એ પહેલા એ
શહીદ થઇ ગયો હશે." સૈનિકે કહ્યુ , " ના સર , હું જ્યારે તેની પાસે ગયો
ત્યારે એનામાં પ્રાણ હતા. મને જોતા જ એના ચહેરા પર સ્મિત રેલાયુ અને મને
કહ્યુ ' મને ખાત્રી જ હતી કે તું મને મળવા આવીશ જ ' આટલુ બોલીને પછી જ એણે
વિદાય લીધી.
મિત્રો , કેટલાક લોકોને આપણા પર પૂર્ણ વિશ્વાસ હોય છે કે 'તે આમ કરશે જ'
અથવા 'તે આમ નહી જ કરે'. ક્યારેય કોઇએ આપણા પર મુકેલો વિશ્વાસ તુટે નહી
એનું ધ્યાન રાખીએ......