પટેલ અને પાટીદાર બંને શબ્દો એક હોવાનું સામાન્ય રીતે ઘણા લોકો માને છે, પણ માન્યતા ખોટી છે. કણબી શબ્દ ઘણા પુરાણા કાળથી ચાલ્યો આવે છે. તેમ "પટેલ" શબ્દ પણ એટલો જ જૂનો છે. પટેલ માટે મૂળ સંસ્કૃત "પટ્ટલિક" છે. ગામમાં ખેતરોની જમીન અને ઘરથાળની જમીનના વેચાણ કે ગિરો દસ્તાવેજ થતા તેની એક નકલ ગામના મુખ્ય માણસ પાસે રહેતી. આ માણસો "પટ્ટલિક" કહેવાતા. કારણ કે પટ્ટાઓ (પટ્ટ=વસ્ત્ર) ઉપરના લેખો સાચવવાની જવાબદારી એની રહેતી. કણબીઓને વેચાણ કે ગિરો દસ્તાવેજ સાચવવાનું કામ રાજાઓ એટલા માટે સોંપતા હતા કે તેઓ પ્રામાણિક અને ઉદાર હતા. કોઈનું કદી હરામનું પડાવી ન લેવું, બીજાને મદદરૂપ બનવાની ભાવના રાખવી. ન્યાયની બાબતમાં સ્પષ્ટ કહેવું આ બધા જન્મજાત ગુણોને કારણે કણબીઓ તરફ બીજી જ્ઞાતિઓ આકર્ષાઈ હતી અને ગામનો વહીવટ હંમેશાં જયાં કણબીઓ હોય ત્યાં તેઓને સોંપાતો. આથી સંસ્કૃત "પટ્ટલિક" ઉપરથી "પટેલ" શબ્દ આવ્યો.આ પટેલ ગામમાં પટલાઈ કૂટતા. વીર વિક્રમે હૂણ, શક પ્રજાને હરાવી હિંદુસ્તાન બહાર કાઢી મૂકી અને અવંતી (માળવા) નો પ્રદેશ ફળદ્રુપ બનાવવા પંજાબથી કુર્મીઓને ખાસ મળવા તેડાવ્યા, કારણ કે વિક્રમ રાજાને કુર્મી ઓની મહેનતકશ જીવનપ્રણાલી ઉપર વિશ્વાસ હતો. માળવામાં તેડાવી કુર્મી કુટુંબોનું સન્માન કર્યું. દરેકને યોગ્યતા પ્રમાણે નાનાં મોટાં ગામ વસાવવા આજ્ઞા કરી. રાજાએ ત્રણસો ગામોના કુર્મીઓને "પટેલ" તરીકે પોતાની અટક લખાવવા લાગ્યા. માળવામાંથી ગુજરાતમાં પટેલો આવ્યા અને ગુજરાતમાં પણ આ અટક શરૂ થઈ