savedaughter-1

15:54 Posted by Chandsar

નારી ભૃણ હત્યા સામેની આ ઝુંબેશમાં તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોએ સ્વૈચ્છિક રીતે હાથ મીલાવવાની તાતી જરૂર છે. જયારે પી – પત્ની જાતિ પરિક્ષણ માટે ત્યારે તબીબોએ પતિ – પત્નીને એવું સમજાવવા કોશિશ કરવી જોઈએ કે દીકરીને ‘ પરાયું ધન ‘ નહીં, પણ ‘ પોતાનું ધન ‘ સમજે, દીકરી જન્મવાની છે એ જાણીને યુગલ ગર્ભપાત કરાવવાની ઈચ્છા દર્શાવે તો એને અનૈતિક ગણી તબીબે જોરદાર વિરોધ કરવો જોઈએ.
ભૃણ હત્યા વિષયક સાહિત્ય સર્જવા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જયારે શૈક્ષણિક શિબિરો, બેઠકો, અને કાર્યશિબિરોનું આયોજન કરે ત્યારે ડોકટરો એમને મદદ કરી આ સમસ્યાના ઉકેલ માટે સહાયરૂપ થઇ શકે.
દરેક હિંદુ પુરુષ ‘ પુન ‘ નામના નર્કમાંથી છૂટવાની ઈચ્છા ધરાવે છે. તેથી એ પુત્રની ઝંખના સેવે છે. આમ કરતા તે પુત્રી તરફ ઉદાસીન થઇ જાય છે_ ને એની ગર્ભમાં હત્યા કરાવી નીચામાં નીચા નર્કને લાયક બને છે. આવી સભાનતા લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે.
દીકરો – દીકરી એક સમાનની સંકલ્પના માતા – પિતા, સાસુ સહિત સૌ કોઈ સમજે સમજાવે તો સ્ત્રી ભૃણ હત્યાના મહાપાપનો સિલસિલો વધતો અટકે.
સ્ત્રી બાળકને આર્થિક બોજમાંથી આર્થિક સંપત્તિમાં ફેરવી નાખવામાં આવે તો આ દૂષણને અસરકારક રીતે મીટાવી શકાય.
સરકારે દીકરીઓ માટે અનેક વિધ સવલતો આપવી જોઈએ. જેવી કે, મફત કેળવણી, વધારાનું ખાદ્યાન્ન, કરરાહત, એક કે બે સ્ત્રી બાળક ધરાવતા ગરીબ માં બાપને ઘડપણમાં થોડી આર્થિક સહાય મળે, જેથી તેઓ પુત્રનો આગ્રહ જ ન રાખે.
જો કે સરકારે જાતિ નિર્ધારણ સામે કાયદો કરીને અને તે અંગેના દવાખાના સામે કઠોર કાર્યવાહી કરવાનો માર્ગ અપનાવીને પણ સાચી દિશામાં પગલું તો ભર્યું જ છે. આ કાયદાઓનો કડક અમલ કરાવીને સ્ત્રી ભૃણ હત્યા ડામવામાં કેટલેક અંશે મદદ મળી રહેશે.
શિક્ષિત અને સ્વાવલંબી સ્ત્રી જ સમાજમાં થતા અન્યાય સામે લડીને સમાન તક પ્રાપ્ત કરી શકે તેમ છે. આથી સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધારવું જોઈએ.
સમાજમાંથી બળાત્કારનું પ્રમાણ ઓછું થાય એ માટે સરકારે સ્ત્રીઓને લગતા સામાજિક સલામતીના કાયદા વધુ કડક બનાવવા જોઈએ. અને તેનો સઘન રીતે અમલ થાય તેવા તમામ પ્રયત્નો કરવા જોઈએ.
આ સાથે સ્ત્રીઓ સ્વયં પોતાની જાતને અબળા ગણવાને બદલે સબળા સાબિત કરવા જુદો, કરાટે જેવા કસબો શીખીને સ્વયં પોતાની જાતનું રક્ષણ કરતા શીખે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે.
સામાજિક સ્તરે પણ ધાર્મિક અને સામાજિક સંગઠનોએ તેમની સામૂહિક શક્તિ કામે લગાડવી જોઈએ. અને સ્ત્રી ભૃણ હત્યાની અમાનવીય વૃત્તિ ડામવાનું કાર્ય પ્રથમ પસંદગીના ક્રમથી હાથ ધરવું જોઈએ.
ગુજરાતમાં પાટીદાર સમાજના લોકોએ વિરાટ સંમેલનો કરી સ્ત્રી ભૃણ હત્યા ન કરવાની પ્રતિજ્ઞા લીધી, તે રીતે અન્ય સમાજના આગેવાનોએ સ્ત્રી ભૃણ હત્યા તેમજ દહેજપ્રથા જેવા દુષણોને ડામવા યોગ્ય પગલા લેવા જોઈએ.
જે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સ્ત્રી ભૃણ હત્યા સાથે સંકળાયેલી જણાય તો તેમનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ.
ફિલ્મ એ દશ્ય – શ્રાવ્ય સાધન છે. સ્ત્રી ભૃણ હત્યા વિષયક ફિલ્મો અને ચલચિત્રો, જાહેરાતો બનાવી અસરકારક છાપ ઊભી કરી શકાય.
સ્ત્રીભૃણ હત્યા અટકાવવા સામાજીક સુધારાની તો જરૂર છે પણ તે પહેલાં સ્ત્રી જાગૃતિની ખૂબ જરૂર છે. ખુદ સ્ત્રીઓએ પોતે જ ‘ તું તારા દિલનો દિવો થાને ‘ એ ન્યાયે પોતાના તારણહાર બનવું પડશે. અને પોતાના અવિભાજ્ય અંશનું નિકંદન થતું રોકવું પડશે.
“એક શિક્ષિત તંદુરસ્ત દીકરી એટલે કે તંદુરસ્ત માતા, બરાબર એક તંદુરસ્ત સમાજ ” આધુનિક શિક્ષિત સમાજે તો આજે દીકરીને ઘણે અંશે અપનાવી જ લીધી છે. પરંતુ સામે પક્ષે જ્યાં શિક્ષણનો અભાવ છે, તેવા વિસ્તારોમાં હજી આજે પણ દીકરી એટલે ‘ સાપનો ભારો ‘ સમજવામાં આવે છે. આ બાબતે સમાજમાં ક્રાંતિ લાવવા સૌએ મંડી પડવું પડશે.
સમાજમાં ક્રાંતિ લાવવી પડશે. આ ક્રાંતિ તોડફોડ કરનારી લોહિયાળ ક્રાંતિ નહિ, પણ આ તો મૂલ્યોની ક્રાંતિ, જીવનમાં સ્વરૂપોની અને માળખાઓની ક્રાંતિ…….જનજાગૃતિ લાવવા ગામ ગામ ફરી, ઘેર ઘેર પ્રચાર કરી, સ્ત્રી – પુરુષની સંખ્યાનો રેશિયો જાળવવો એ ખૂબ જરૂરી છે.
સ્ત્રી ભૃણ  હત્યાને અટકાવવા નીચેના કાર્યક્રમોનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવી શકાય. જેમકે, સ્ત્રી ભૃણ હત્યા વિષયક ચિત્ર સ્પર્ધાઓ, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજવી, પ્રભાત ફેરી, શેરી નાટક, રોલ પ્લે જેવા લોક જાગૃતિના કાર્યક્રમો, પોસ્ટર સ્પર્ધા, રેલી, પરિસંવાદ, માતૃ – પિતૃ સંમેલન, સ્ત્રી જાગૃતિ અભિયાન અને સંમેલન, સુત્રલેખન વગેરે.
કોઈ પણ સમસ્યાનો ઉકેલ તેના જ મૂળમાં જ હોય છે. આ માટે વ્યક્તિ, કુટુંબ, સમાજ, અને દેશમાં જો વૈચારિક પરિવર્તન ધીરજ અને ખંતથી લાવવામાં આવે તો  મહદઅંશે આ સમસ્યાનું નિરાકરણ થઇ શકે.