dikari-bachavo

16:01 Posted by Chandsar

સ્ત્રી ભ્રુણ હત્યાથી ભાવિની સમસ્યા 
  
*  સમાજમાં નારી ભ્રુણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા સૌએ સક્રિય થવાની જરૂર છે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ પરિસ્થિતિ સર્જશે ! શું સ્ત્રી વિહોણી દુનિયાને આપણે કલ્પી શકશું ?
 
દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ સંભવિત નથી. માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબંધોની ઓથે જ આ સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવ ને જન્મ આપી શકે. મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે.   
 
નારીની ઉન્નતિ અથવા પતિત સ્થિતિ પર જ સમાજની ઉન્નતિ અથવા પતન આધારિત છે.  આવી ગુણપરક નારીની ભ્રુણ હત્યાથી આપણે સમાજનું ભાવિ પતન તરફ નિશ્ચિત કરીએ છીએ.કહેવાય છે કે _
 
” પુરુષ ઘરનું આંગણું , નારી ઘરનો મોભ :
       નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ.” 
 
ગૃહિણી કાર્ય કુશળતા, યોગ્યતા વગેરે પર જ ઘરની ઉન્નતિ, પ્રગતિ, સુખ, દુ:ખ, હાનિ, લાભ વગેરેનો આધાર છે. નારી ઘરની નિયામક છે. તે બધી રીતે ઘરનું નિયંત્રણ કરે છે. ઘરના બધા કામોની દેખરેખ, વ્યવસ્થા, સંચાલન, અને જવાબદારી તેના પર છે. જો સ્ત્રી જ નહીં રહે તો ભાવિ સમાજ અંધકારમય બની જશે.
 
સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારોએ જ સ્ત્રી ભ્રુણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. ” નારી ભ્રુણહત્યા ” એ સમસ્ત માનવજાત માટે મહાકલંક છે. આ રીતે સ્ત્રીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઓછી થતી જશે તો ઘણી બધી સામાજિક સમસ્યાઓ જન્મશે. 
 
સ્ત્રી ભ્રુણ  હત્યાનો  સિલસિલો આમ જ ચાલુ રહેશે તો ગાંડાઓ અને જાતીય ગુનેગારોમાં બેહદ વધારો થશે. પુરુષોની સામે મહિલાઓનું પ્રમાણ ઓછું થઇ જવાથી જાતીય ગુનાઓ વધશે. અને છોકરીઓની સલામતીનો પ્રશ્ન ઉદભવશે. 
 
ભવિષ્યમાં આ પ્રશ્ન વણઉકેલ્યો રહેશે તો, લાખો વાંઢાઓ વિલાપ કરતા હશે કે : ” દયાળુ દીકરીવાળા દયા વાંઢા પર લાવો, હવે તો હદ થઇ છે, અમોને કોઈક પરણાવો.”  આ પરિસ્થિતિને અટકાવવા પ્રયાસો કરવા જ પડશે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ બનશે !
 
સમાજમાં દીકરીની સંખ્યા ઓછી થતા સ્ત્રી-પુરુષોમાં જે સમાનતા રહેલી છે તેમાં અસમાનતા આવશે અને અનેક વિષમતાઓ જન્મ લેશે. ત્યારે જ આ સમાજને દીકરીનું મહાત્મ્ય સમજાશે. 
 
સને ૧૯૦૧ થી લઈને ૨૦૦૧ સુધીના વસતિ ગણતરીના આંકડાઓ જોઈએ તો પુરુષોની સંખ્યા સામે મહિલાઓની સંખ્યા ઘટતી જાય છે. જે ચિંતા જનક બાબત છે. સ્ત્રીઓની ઘટતી સંખ્યા સ્વસ્થ સમાજ રચના માટે અને વ્યક્તિ તથા દેશના વિકાસ માટે ચિંતા ઉપજાવે છે.