ઉત્તર અમેરિકન બાળકથા

12:38 Posted by Chandsar
ઈસપની બોધકથાની શ્રેણીમાં એક ઉત્તર અમેરિકન કથા
ઘણા દિવસો પહેલાની વાત છે. અમેરિકાના એક પહાડી પ્રદેશમાં એક કલાકાર આવ્યો. તે શિલ્પી હતો..
પથ્થરમાંથી મૂર્તિઓ કંડારવાનું કામ કરતો હતો. તેણે આ પહાડી પ્રદેશના એક પર્વત પર મૂર્તિનો ચહેરો કંડાર્યો. એ ચહેરા એટલો સુંદર હતો કે જોનારા છક થઈ જાય. એ ચહેરાના હોઠ એણે આછું આછું હસતા કંડાર્યા હતા. દરેક મોસમમાં એ ચહેરો હસતો રહેતો. સેંકડો વર્ષો વીતી ગયા. હસતા આ ચહેરાની આ પહાડી ધાર નીચે ધીરે ધીરે એક ગામ વસી ગયું.
ગામના લોકોને આ હસતો ચહેરો ખૂબ ગમતો. તેઓ તેની પૂજા કરતા અને એનું નામ ‘પહાડના સંત’પાડ્યું.
આ ગામમાં એક નાનકડો છોકરો એની મા સાથે રહેતો હતો. એનું નામ અર્નેસ્ટ હતુ. એ દરરોજ ઘરની બારીમાંથી આ વિશાળમૂર્તિને દરરોજ જોયા કરતો. એને એમ થતું કે આ હસતો ચહેરો મને હંમેશા દેખાતો રહે તો સારું. અર્નેસ્ટ એકલો પડ્તો ત્યારે બારીમાં બેસીને મૂર્તિ સાથે વાત કરવાની કોશિશ કરતો, પણ આ પથ્થરનો ચહેરો ફક્ત મંદ મંદ હસતો.
અર્નેસ્ટ ઘણીવાર માતા સાથે આ ચહેરા વિશે વાતો કરતો. માએ કહ્યું,’ ગામમાં લોકો માને છે કે એક મહાન માણસ અહીં આવશે. આપણી વચ્ચે રહેશે. ગામ લોકોની રક્ષા કરશે. એનો ચહેરો પણ આ પર્વતના સંત જેવો હશે. ‘
અર્નેસ્ટને થયું કે આ મહાન માણસ જલદી આવી જાય તો સારું જેથી હું નાનપણથી જ એની સાથે વાત કરી શકું.
વરસેક પછી એક મોટો સેનાપતિ ગામમાં આવ્યો. એણે ઘણી લડાઈઓમાં વિજય મેળવ્યો હતો. લોકોએ તેનું સ્વાગત કર્યું અને કહેવા લાગ્યા,’ આ એ જ મહાન માણસ છે, જેની આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ.’
પરંતુ અર્નેસ્ટ અને તેની માને આ વાતમાં વિશ્વાસ બેસતો ન હતો.. એણે ઘણા પ્રદેશો જીતીને ત્યાં સ્ત્રી અને બાળકોની કત્લેઆમ ચલાવી હતી. ગામમાં પણ એણે એવો જ નિર્દય વ્યહવાર ચાલુ કર્યો હતો. પર્વતનાં સંત જેવો આ સેનાપતિમાં એક પણ ગુણ નહોતો !
વર્ષો વીત્યા અર્નેસ્ટની માતા મૃત્યુ પામી અને તે એકલો પડી ગયો. હવે તો એ ઘણી વાર પર્વતમા સંત સામે બેસી રહેતો અને મૂર્તિ જાને પ્રેમ અને દયાનો સંદેશ આપતી. એક પછી એક દંભી નેતા આવતા અને આપેલા વચનો પાળતા નહીં. અર્નેસ્ટે પર્વતનાં સંતની આશા મૂકી દીધી અને પ્રામાણિક પણે મહેનત કરતો અને ગામના લોકોને મદદ કરતો. આમ પ્રવતનાં સંતની રાહ જોતો તે ઘરડો થઈ ગયો.
એક દિવસ ગામના હિતની કોઈ વાત પૂછવા ગામનાં લોકો અર્નેસ્ટને ઘરે આવ્યા હતા. અર્નેસ્ટ પહાદ તરફની બારી પાસે પલંગમાં બેઠો હતો. એ ઘરડો થઈ ગયો હતો છતાં હસી હસીને સૌને લાભની વાત કહી રહ્યો હતો.
અચાનક કોઈની નજર બારીની બહાર ગઈ. પહાડની ધાર પર ઉપરનો પેલો ચહેરો એને દેખાયો. એ માણસ એકદમ કૂદ્યો.’જૂઓ જૂઓ ! પર્વતના સંતના ચહેરામાં અને અર્નેસ્ટના ચહેરામાં કશો ફેર નથી !’ સૌ ઊભા થઈ ગયા. બધાને વાત સાચી લાગી. સૌએ કહ્યુ,’ વૃદ્ધ અર્નેસ્ટ જ પર્વતના સંતનો અવતાર છે.’ એ દિવસથી પહાડની ધાર પરના પેલા પથ્થરના ચહેરાનું નામ પડ્યું,’ પહાડના સંત અર્નેસ્ટ’.