રાજા અને રાજહંસ

12:37 Posted by Chandsar
એક રાજા હતો..
તેને કમળનો ખૂબ શોખ હતો.
તેને પોતાને માટે એક સુંદર મહેલ બનાવડાવ્યો. તેમાં એક સુંદર કમળોથી ભરપૂર સરોવર બનાવડાવ્યું.
એના આ સરોવરનું નામ તેણે ‘કમળ સરોવર’ રાખ્યું. આ સરોવરમાં સોનેરી રાજહંસ રહેતાં તેથી આ ‘કમળ સરોવર’ની શોભા ખૂબ વધી જતી હતી.
આ સોનેરી રાજહંસો વર્ષમાં બે વખત પોતાનાં સોનાનાં પીછાં ખેરવતાં. આમ એક હંસ દર છ મહિને પોતાનું એક સોનાનું પીછું રાજાને આપતો. તેથી રાજાને આ રાજહંસ ખૂબ ગમતાં.
એક દિવસ રાજા સરોવરની શોભા જોતો પાળ પર બેઠો હતો, તેવામાં એક નવી જાતનું સુવર્ણપંખી આકાશમાં ઊડતું ઊડતું આવ્યું. જાણે આખું સોનાનું હોય તેવું ચળકતું હતું.
સુવર્ણપંખી તરસ લાગી હોવાથી તે સરોવરની ઉપર ઘણા ચક્કર મારવા માંડ્યુ. પરંતુ સરોવરમાં રાજહંસને તરતાં હોવાથી તેને થયું કે અહીં પાણી પીવા ન ઉતરાય.
આ સુવર્ણપંખીને જોતાં રાજાને નવાઈ લાગી. તેને વિચાર્યું કે આ રાજહંસને જોઈ જ આ સુવર્ણપંખી નીચે પાણી પીવા ઉતરતુ નથી. જો હું આ રાજહંસોને ભગાડી મૂકું તો આ સુવર્ણપંખી નીચે ઉતરે અને આ સરોવરમાં વસવાટ કરે. પછી ધીમે ધીમે તેનો વંશવેલો આગળ વધે તો આખું સરોવર સુવર્ણપંખીઓથી ભરાઈ જાય.
છ છ મહિને એક એક પીંછુ લેવું તેના કરતાં રાજહંસોને કાઢી મૂકી, અહીં સુવર્ણપંખીઓએ અહીં રહેવા દેવા જોઈએ. હંસોનું છ મહિને એક પીછું સોનાનુ6 બને છે અને આતો આખું પંખી જ સોનાનું.! વાહ ભૈ વાહ !
રાજાએ લોભને વશ થઈ સરોવરનાં બધા રાજહંસોને કાઢી મૂક્યાં
હંસોને દુઃખ થયું કે રાજાએ અમને વગર વાંકે કાઢી મૂક્યાં. બિચારા કાંઈ કરી શકે તેમ ન હતાં
રાજાની કલ્પના સાચી પડી. જેવા રાજહંસ સરોવરમાંથી જતાં રહ્યાં તેવું જ સુવર્ણપંખી તળાવમાં ઊતરી કમળ પર ઊડાઊડ કરવા લાગ્યું
એક દિવસ થયો એટલે સુવર્ણપંખીનાં એક-બે પીંછા ખરી પડ્યાં. રાજાએ તરત જ દોડતાં જઈને તે પીંછા ઉપાડી લીધાં તેણે જોયું તો પીંછા સોનાના ન હતાં પરંતુ સોનેરી રંગનાં હતાં જે દૂરથી ચમકતાં હતાં.
આથી રાજાને પસ્તાવો થયો કે લોભમાં સોનાનાં પીંછા આપતાં રાજહંસોને કાઢી મૂક્યાં અને દૂરથી ચમકતાં ખોટા સોનેરી પીંછાવાળા સુવર્ણપંખીને આવકાર આપ્યો.