આત્મસુખ

12:34 Posted by Chandsar
એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના
આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય ત્યારે પોતાને ખૂબ નસીબદાર માનતું અને આંબા માટે દયા આવતી.
એક દિવસ તેણે આંબાને કહ્યું,’જ્યારે જુઓ ત્યારે કોઈ ને કોઈ તમને પથ્થર મારીને કેરી તોડતું જ રહે છે, ત્યારે તમને બહુ જ પીડા થતી હશે.’ એનાં કરતાં કેરી ઊગતી ન હોય તો કેવું સારૂં ? આ વાત સાંભળીને આંબાના વૃક્ષે કહ્યું,’ એવું ન કહે, મારી ડાળીઓ પર કેરી ઊગે છે એનાંથી મને બહુ ખુશી થાય છે. આ જ કેરીને કારણે તો બાળકો તેના ઊગવાની રાહ જુએ છે અને ઊગે ત્યારે મારી પાસે આવે છે, તેનાથી મને બહુ ખુશી થાય છે.’
આસોપાલવ કહે,’ પણ એમાં તને શો ફાયદો? કાયમ માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી આપતા હો તો તેમાં કોઈ પ્રકારની પીડા કે દુઃખ થતાં નથી.’ આ વાતનો જવાબ આસોપાલવ પાસે નહોતો અને તેથી તેણે આંબાને ધન્યવાદ આપ્યા.
આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.