સાદા સ્મિતનો પ્રતાપ

12:33 Posted by Chandsar
એક અજાણ્યા પણ દુ:ખી માણસને જોઈને તેણે તેની સામે સ્મિત કર્યું. આથી એને ઘણું સારું લાગ્યું અને
ભૂતકાળમાં તેના એક મિત્રે બતાવેલો સ્નેહભાવ તેને યાદ આવ્યો. એટલે એ મિત્રને તેણે આભાર માનતો પત્ર લખ્યો.
આ આભારપત્રથી તે મિત્ર બહુ ખુશ થયો અને રેસ્ટોરાંમાં લંચ લીધા પછી તેણે વેઈટ્રેસને મોટી ટિપ આપી. આટલી મોટી ટિપથી વેઈટ્રેસને વિશેષ આનંદ થયો અને આશ્ચર્ય પણ થયું. વેઈટ્રેસે આખી રકમ ઘોડાની રેસમાં લગાડી દીધી. બીજે દિવસે એને ખબર પડી કે સારી એવી રકમ જીતી છે. જીતની રકમમાંથી થોડી રકમ એણે રસ્તામાં એક ગરીબ માણસને આપી. તે ભારે આભારવશ બન્યો. તેણે બે દિવસથી કાંઈ ખાધું ન હતું એટલે બાજુના રેસ્ટોરાંમાં જઈ એણે પેટભરીને રાતનું ભોજન લીધું. પછી એ એની અંધારી ગંધાતી ખોલી પર જવા નીકળ્યો. પેટભર ખાવાનું મળ્યાની ખુશીમાં એ મસ્ત હતો. આગળ શી મુશીબત આવવાની છે એનો એને કાંઈ ખ્યાલ ન હતો. રસ્તામાં તેણે ઠંડીમાં ધ્રૂજતાં એક કુરકુરિયાને જોયું. એણે એને ઉપાડી લીધું અને ઘર તરફ ચાલવા માંડ્યો. ઘેર જઈને કુરકુરિયાંને પોતાની પડખે સુવાડ્યું. ઘરની હૂંફ કુરકુરિયાને ઘણી ગમી.
મધરાતે મકાનમાં એકાએક આગ લાગી એટલે કુરકુરિયું ભસવા માંડ્યું. ત્યાં રહેતાં સૌ જાગી ગયાં ત્યાં સુધી કુરકુરિયાએ ભસવાનું ચાલુ રાખ્યું. આમ સૌ મોતના મુખમાંથી ઊગરી ગયાં. જે બચી ગયાં એમાંનો એક છોકરો મોટો થઈને અમેરિકાનો પ્રમુખ બન્યો !
આ બધો પ્રતાપ હતો પેલા સાદા સ્મિતનો, જેના માટે એક પૈસાનો ય ખર્ચ થયો ન હતો.