બાપનાં વેણ કડવાં કે મીઠાં ?

12:35 Posted by Chandsar
ધનંજયની મૂર્તિઓનાં ચારેકોર વખાણ થતાં. એનો જોટો કોઈ જગાએ શોધ્યો ન જડે. જાણે હમણાં જ બોલી ઊઠશે. દૂરથી જોનાર એમ જાણે કે જીવતું જાગતું માણસ બેઠું છે.
ઘડપણે પહોંચેલા ધનંજયને એક રાયમલ નામક દીકરો હતો. બાપા કરતાં પણ વધુ સુંદર મૂર્તિઓ બનાવતો. જાણે આબેહૂબ ! રાજાજીની આબેહૂબ પ્રતિમા બનાવી. ઓળખાય નહીં કે રાજા કોણ ? ને પ્રતિમા કોણ?
પણ ધનંજયની ચકોર આંખો રાયમલની કારીગરીમાં કાંઈ ને કાંઈ ભૂલ શોધી કાઢતી અને રાયમલને ટોકતો. રાયમલને બાપાનાં વેણ વસમા લાગતાં. એને ધગશ રહેતી કે કોઈ પણ રીતે સારું કામ કરું ને બાપ પાસે
વાહવાહ કહેવરાવું.
જેમ જેમ રાયમલ વધુ સારું કામ કરતો ગયો તેમ તેમ ધનંજયની આંખો વધુ ને વધુ ચકોર થતી ગઈ. અને કાંઈ ને કાંઈ ભૂલ નજરે ચઢતી. દુનિયા આખી રાયમલનાં બેહદ વખાણ કરતી પણ રાયમલને બાપનાં વેણ યાદ આવતાં પેટમાં ફાળ પડતી.
એકવાર ગામ જવાને બહાને એક ભોંયરામાં ભરાયો અને છ માસની મહેનતને અંતે કળાનો સુંદરમાં સુંદર નમૂનો તૈયાર કરી એણે એક સ્થળે દટાવી અને એવી ગોઠવણ કરી કે એના કોઈ મિત્રને દેવી સ્વપનું આપે અને તે મુજબ અમુક જગ્યાએથી ખોદીને મૂર્તિ બહાર કાઢે.
એના મિત્રે સ્વપ્નની વાત ફેલાવી અને મૂર્તિને ખોદાવી. લોકોનાં ટોળેટોળાં એને જોવાં ઉમટ્યાં. ધનંજય પણ પરાણે લાકડીનાં ટેકે ત્યાં આવ્યો. તે મૂર્તિને જોઈ ઘણો જ ખૂશ થયો. મૂર્તિની કળા ને તેજ ઉપર તેની આંખ ઠરી રહી. એણે રાયમલને કહ્યું :
‘દીકરા ! આનું જ નામ કળા ! જો કેવી સુંદર મૂર્તિ ઘડી છે. નહિ ખોડ, નહિ ખાંપણ ! આનો ઘડનાર જીવતો હોત તો મારું સર્વસ્વ એને આપત.’
અને કળાની કદર બીજું કોણ કરે?
ધીરે રહીને રાયમલ બોલ્યો :’ બાપુ ! એ મૂર્તિકાર તે હું જ.’
એને પોતે કરેલાં એંધાણથી બાપાને ખાતરી કરી આપી.
કપાળે હાથ લગાડી ધનંજયે કહ્યું :’ રાયમલ દીકરા ! આવી સારી મૂર્તિ હવેથી તું ઘડી શકીશ જ નહીં. જ્યાં સુધી હું ભૂલ કાઢતો હતો ત્યાં સુધી સારું કામ કરવાની તારામાં ધગશ હતી અને તારી કળા ખીલતી હતી. હવે તને હૈયે ટાઢક વળી ને એ ટાઢકને લીધે તારી ધગશ ઠંડી પડી જશે.’
અને રાયમલ ત્યારપછી એનાં કરતાં કદી સારી મૂર્તિ ઘડી ન શક્યો.. હૈયાની ટાઢાશે એની ધગશ ઠંડી પડી ગઈ.