રાજા અને પૂતળીઓ

12:36 Posted by Chandsar
એક સમયે રાજા ભોજ પોતાનો દરબાર ભરીને બેઠાં હતા. બધા પંડિતો પણ હાજર હતા. પંડિત કાલિદાસ કાંઈ કારણસર બહાર ગયા હતા. આ સમયે એક પૂતળી વાળો પોતાની પૂતળીઓ વેચવા આવ્યો. તેણે રાજાને વિનંતી કરી,” મહારાજ, આ ત્રણે સોનાની ઘડેલી પૂતળીઓ છે. હું ઘણા દરબારોમાં ગયો પણ આજ સુધી આ પૂતળીઓની કોઈ કિંમત આંકી શક્યું નથી. એની સાચી કિંમત કોઈ કહી શકતું નથી. મહારાજ તમારી અને તમારા પંડિતોની નામના સાંભળી આવ્યો છું. તો આપ આપૂતળીઓની સાચી કિંમત અંકાવો એવી મારી વિનંતી છે.”
રાજાએ પંડિતો તરફ જોયું. પંડિતોએ માંહેમાંહે મસલત કરી રાજાને કહ્યું કે આ પૂતળીઓ સોનાની છે તેથી આ કામ કોઈ ઝવેરીનું છે પંડિતોનું નથી. આથી રાજા ભોજે રાજ્યનાં કુશળ ઝવેરીઓને બોલાવ્યા અને પૂતળીઓની કિંમત આંકવા કહ્યું. ઝવેરીઓએ પૂતળીઓ હાથમાં લઈ અને તપાસ કરી. કસોટી પથ્થર પર તેમનો કસ લીધો અને તોલમાપ કર્યું. તેઓને વજનમાં પન રતીભાર વજનનો ફેર ન લાગ્યો.. તેઓએ રાજાને જણાવ્યું કે,”કે મહારાજ આ ત્રણે પૂતળીઓ દેખાવમાં કદમાં અને વજનમાં એકસરખી છે તેથી દરેકની કિંમત એકસરખી જ થાય.”
પૂતળીનો વેપારી આ જવાબ સાંભળી હસી પડ્યો અને તેણે રાજાને કહ્યું,” મહારાજ, આપના ઝવેરીઓની આંકેલી કિંમત ખોટી છે. આપના દરબારમાં કિંમત આંકનાર આવા હશે તેની જો મને જાણ હોત તો હું અહીં આવત જ નહીં.” રાજા ભોજને થયું કે આ પૂતળીમાં કાંઈ જરૂરથી ભેદ છે તેથી રાજા ભોજે તેને જણાવ્યું કે, “વેપારી, તું આજનો દિવસ થોભી જા, આવતી કાલે દરબારમાં આ પૂતળીઓ લઈ ફરી આવજે તારી આ પૂતળીની કિંમત જરૂરથી આંકીશુ.”
બીજે દિવસે દરબારમાં પંડિત કાલિદાસ હાજર હતા. તેમણે પૂતળીઓને બરાબર નીરખી ત્યારે તેણે દરેક પૂતળીના માથા પર એક ઝીણું કાણું જોયું તેથી તેમણે એક સળી મંગાવી. પહેલી પૂતળીના માથામાં માથામાં સળી નાખવાથી સળી કાનમાંથી બહાર આવી. બીજી પૂતળીના માથામાં નાખેલી સળી મોંઢામાંથી બહાર આવી જ્યારે ત્રીજી પૂતળીના પેટમાં સોંસરવી ઉતરી ગઈ. કાલિદાસે આ પૂતળીઓની કિંમત રાજાભોજને જણાવી. રાજા ભોજે આ પૂતળીઓની કિંમત જણાવતા કહ્યુ કે,” હું એક જ પૂતળી આંકેલી કિંમત પ્રમાણે લઈશ.” વેપારીએ હા પાડી.
પ્રથમ પૂતળીની કિંમત ત્રણ કોડી, બીજી પૂતળીની દસ કોડી અને ત્રીજી પૂતળીની સવાલાખ રૂપિયાની અંકાઈ. સભા વિચારમાં પડી ગઈ પરંતુ વેપારીને સંતોષ થયો અને તેણે રાજાને કહ્યું કે,”આપના દરબારમાં સાચો પંડિત છે અને તેણે પૂતળીઓની સાચી કિંમત આંકી છે.” રાજાએ વચન મુજબ એક પૂતળી ખરીદવાની હતી અને તેણે ત્રીજી પૂતળી ખરીદી. પૂતળીના વેપારીએ બીજી બે પણ રાજાને ભેટમાં આપી દીધી.
રાજા ભોજનાં બીજા દરબારીએ આ કિંમત વિષે પ્રકાશ પાડવા કહ્યું ત્યારે કાલિદાસે ફોડ પાડતાં કહ્યું કે, “ પહેલી પૂતળીના કાનમાંથી સળી બહાર આવી તેનો અર્થ એ થયો કે આ પૂતળી જેવા માણસો કોઈની સલાહ સાંભળતા નથી. તેઓ એક કાને સાંભળે છે અને બીજે કાનેથી બહાર કાઢી કાઢે છે. બીજી પૂતળી કે જેના મોંઢામાંથી સળી બહાર આવી. એનો અર્થ એ થયો કે આ પૂતળી જેવા માણસો ઢોંગી છે કે જેઓ હંમેશા બીજાને ઉપદેશ આપે છે, પણ પોતે કાંઈ કરતા નથી. જ્યારે ત્રીજી પૂતળી કે જેના પેટમાં સળી સોંસરવી ઉતરી ગઈ એટલે એનો અર્થ એવો થયો કે આ પૂતળી જેવા માણસો જે કાંઈ સાંભળે છે તે પચાવે છે અને નકામો ઉપદેશ આપવા મોં ખોલતા નથી. આવા લોકો સાંભળેલી સારી વસ્તુને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. “
આમ આસન પર ગોઠવાયેલી સુંદર ઝગારા મારતી સોનાની ત્રણે પૂતળીઓને લોકો જોઈ રહ્યાં ના કોઈ મોટી, ના કોઈ નાની ત્રણે દેખાવડી સુંદર પણ હવે ત્રીજી સૌથી વધારે મોટી અને ઝગારા મારતી હતી.